વીમાવળતર : કુદરતી મૃત્યુથી ઉત્તરજીવી સગાને અથવા આગ, અકસ્માત અને ચોરીના લીધે મિલકતને થયેલી હાનિ અને ખોટ માટે વીમો ઉતારનાર દ્વારા વીમો ઉતરાવનારને કરવામાં આવતી નાણાકીય ચુકવણી. જેમને જોખમનો ભય સતાવતો હોય તેઓ પ્રીમિયમ નામની થોડી થોડી રકમ ભરી, જેને ખરેખર નુકસાન થાય તેને તે ભરપાઈ થાય એટલી રકમ મળે તેવી તૈયાર થયેલી વ્યવસ્થાને વીમો કહેવામાં આવે છે. નુકસાન ભરપાઈ કરવા માટેની ચૂકવાતી રકમ વીમા-વળતર છે. વીમા-વળતરની રકમ નુકસાન-વળતરના સિદ્ધાંત પ્રમાણે ચૂકવાય છે. નુકસાન-વળતરનો સિદ્ધાંત વીમો લેનારને ખરેખર નુકસાન થાય તેનાથી વધારે વળતર આપવા પર પ્રતિબંધ ફરમાવે છે.

જિંદગી વીમાનું વળતર : જિંદગી અમૂલ્ય છે તેથી તેને થતું નુકસાન અમાપ છે. તેથી વીમો લેતી વખતે નક્કી કરેલી રકમ વીમા-વળતર તરીકે આપવાનું નુકસાન-વળતરનો સિદ્ધાંત જણાવે છે. આ વીમો બે પ્રકારનો હોય છે : (1) મૃત્યુ થાય ત્યારે વળતર મળે તેવો વીમો (Life Assurance) અને (2) નિશ્ચિત મુદત પૂરી થયાના અંતે અથવા વચમાં મૃત્યુ થાય ત્યારે વળતર મળે તેવો વીમો (Endowment Assurance). જિંદગીના વીમામાં વીમો લેતી વખતે પક્ષકારો નક્કી કરે છે કે અનિશ્ચિત સમયે મૃત્યુ થાય ત્યારે અથવા/અને નિશ્ચિત સમયે (જો વચ્ચે મૃત્યુ આવે તો ત્યારે) કરાર-સમયે નક્કી કરેલી ઉંમરે વ્યક્તિ પહોંચે ત્યારે કેટલું વળતર આપવું. આ નક્કી કરેલું વળતર (કેટલીક પૉલિસીમાં બોનસ સાથે) જિંદગીના વીમાનું વીમા-વળતર છે.

આગ, દરિયાઈ અકસ્માત સહિત પરિવહન અકસ્માત ઇત્યાદિ વીમાનું વળતર : જિંદગી સિવાયના વીમાઓમાં વીમાવસ્તુની કિંમત નક્કી હોય છે. વીમો લેતી વખતે જો એ નક્કી નહિ થઈ હોય તો વીમો લેનારે સ્વખર્ચે તેની કિંમત નક્કી કરવી પડે છે. પૉલિસીની શરતોને આધીન વીમાવસ્તુની પૂર્ણ કિંમત અથવા એનાથી વધારે કિંમતનો જો વીમો ઉતારવામાં આવો તો નુકસાન-સમયે વસ્તુની પૂર્ણ કિંમત જેટલું વીમા-વળતર મળે છે. વસ્તુની કિંમત કરતાં વધારે કિંમતનો વીમો ઉતારવામાં આવ્યો હોય અને તે પ્રમાણે પ્રીમિયમ ભરવામાં આવ્યું હોય તોપણ વીમા-વળતરની રકમ વસ્તુની કિંમત કરતાં વધતી નથી; કારણ કે વીમો નફો કરવા માટેનો ધંધો નથી. વીમાવસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતારવામાં આવ્યો હોય તો વીમો લેનાર પ્રગટ કે ગર્ભિત રીતે કબૂલ કરે છે કે વીમાવસ્તુને જો નુકસાન થાય તો એનું એ પૂરા પ્રમાણમાં વીમા-વળતર માગતો નથી; પણ વસ્તુની પૂર્ણ કિંમત અને ઉતરાવેલા વીમાની રકમના પ્રમાણમાં વળતર માગે છે. આથી, જો પાંચ રૂપિયાની કિંમતની વસ્તુ પર ચાર રૂપિયાનો વીમો લેવામાં આવ્યો હોય તો વીમો લેનાર કરાર લેવાના સમયે જણાવે છે કે તે નુકસાનના એંસી ટકા વળતર માગે છે. આથી જો અઢી રૂપિયાનું નુકસાન થાય તો આ નુકસાન ઉતરાવેલ વીમાની રકમ રૂપિયા ચાર કરતાં ઓછું છે; છતાં વીમા કંપની નુકસાનના એંસી ટકા એટલે કે રૂપિયા બે વળતર ચૂકવશે. આમ, વીમા-વળતર પ્રમાણના સિદ્ધાંતાનુસાર નક્કી થાય છે. પરિવહનમાંના માલના મૂલ્યમાં સ્થળ અને સમય બદલાતાં રહે છે તેથી તેની કિંમતમાં ફેરફાર થાય છે. પરિણામે એનું વીમા-વળતર નક્કી કરવામાં સો ટકા નિશ્ચિત અંદાજ બાંધી શકાતો નથી. આથી, વીમા-વળતર, નુકસાનના તેમજ પ્રમાણના સિદ્ધાંતથી નક્કી થતી રકમ કરતાં થોડું વધારે કે ઓછું હોય છે. દરિયાઈ અકસ્માતના વીમામાં સર્વસામાન્ય સરેરાશ નુકસાન (General Average Loss) નામનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવે છે. જહાજનો અને જહાજમાં પરિવહન કરવામાં આવતા જુદી જુદી માલિકીના માલનો વીમો જુદી જુદી વીમા કંપનીઓએ ઉતાર્યો હોય તેવા સંજોગોમાં જહાજને આગ લાગે તેમાં જહાજને અને કેટલાક માલિકોના માલને નુકસાન થાય, પરંતુ બાકીના માલિકોનો માલ આગમાંથી બચી જાય તો આગથી થયેલું નુકસાન બધી જ વીમા કંપનીઓએ ભોગવવું પડે છે અને તેમણે આ નુકસાનનું વળતર પ્રમાણસરતાના (proportionate) ધોરણે ચૂકવવું પડે છે. આ પ્રકારના સર્વસામાન્ય નુકસાનના બદલે વિશિષ્ટ (particular) નુકસાન થયું હોય (દા.ત., માલ બગડી ગયો હોય) તો વળતર ફક્ત સંબંધિત વીમા કંપનીએ ચૂકવવું પડે છે.

સૂર્યકાન્ત શાહ