વીમાયોગ્ય હિત : વીમાનો કરાર કરવામાં વીમો લેનારને વિશુદ્ધ (genuine) હિત હોવું જોઈએ તે પ્રકારનો કાનૂની સિદ્ધાંત. અપેક્ષિત જોખમ જો વાસ્તવિકતામાં પરિણમે તો તેમાંથી થતા નુકસાનનું વળતર મેળવવા માટે કરવામાં આવતા વીમાકરારમાં વીમો લેનારનો વીમા-વસ્તુમાં એવો સ્વાર્થ હોવો જોઈએ કે તે વસ્તુના ટકવાથી વીમો લેનારનો સ્વાર્થ સચવાતો હોય અને એના નાશથી અથવા એને થતા નુકસાનથી વીમો લેનારને નુકસાન થતું હોય. આ નુકસાનનું નાણાકીય મૂલ્યાંકન શક્ય હોવું જોઈએ. વીમો લેનારનો સ્વાર્થ અસ્તિત્વમાં હોવો જોઈએ અને તેનું આકલન ચોક્કસ થયું હોવું જોઈએ. વીમો લેનારનો વીમાવસ્તુમાં જો એટલો સ્વાર્થ નહિ હોય તો તે કોઈ પણ વસ્તુનો વીમો ઉતરાવી ઘણા ઓછા પ્રીમિયમે ઘણું વળતર મેળવવા વીમાવસ્તુનો નાશ કરે અથવા એને નુકસાન પહોંચાડે. એને માટે વળતર, નુકસાન ભરપાઈ કરવાનું સાધન નહિ બને, પરંતુ વિધ્વંસાત્મક કાર્યો દ્વારા અનધિકૃત લાભ મેળવવાની અથવા જુગાર અને શરતબાજીની પ્રવૃત્તિ બને. વીમાને ટકાવવા અને તેને એક સામાજિક-આર્થિક પ્રવૃત્તિ તરીકે જીવંત રાખવા માટે વીમાયોગ્ય હિતના સિદ્ધાંતનું પાલન થવું અનિવાર્ય છે. આમ, વીમાયોગ્ય હિત એટલે વીમો લેનારના વીમાવસ્તુમાં સ્વાર્થ હોવાનું અનિવાર્યપણું. જિંદગી, પરિવહન અને આગના વીમામાં વીમાયોગ્ય હિતની સંકલ્પના હોય છે.
(1) જિંદગીનો વીમો : વ્યક્તિને પોતાની જિંદગીમાં વીમાયોગ્ય હિત હોય જ છે સિવાય કે આપઘાતનો પાકો ઇરાદો રાખનારને. સામાન્યત: કોઈ પણ વ્યક્તિને અન્યની જિંદગીમાં વીમાયોગ્ય હિત હોતું નથી સિવાય કે તેવી વ્યક્તિ કે જેની જિંદગીમાં લાગણી કે આર્થિક હિત હોય; દા.ત., જીવનસાથી, પુત્ર, પુત્રી અથવા દેવાદાર. વીમો લેવાના સમયે વીમાયોગ્ય હિત હોવું જ જોઈએ. વીમો પાકે ત્યારે તે હોવાનું અનિવાર્ય નથી. જિંદગીના વીમામાં વીમાયોગ્ય હિતના મૂલ્યાંકન માટે કોઈ મર્યાદા નથી, કારણ કે મૃત્યુની આર્થિક અસર ચોકસાઈથી માપવાનું શક્ય નથી.
(2) પરિવહન વીમો : માર્ગ, રેલવે, હવાઈ, દરિયાઈ કે અન્ય રીતે પરિવહન પામતા માલ સાથે વીમો લેનારને એવો સંબંધ હોવો જોઈએ કે જે હેઠળ માલના સહીસલામત અને નિશ્ચિત સ્થળે તેમજ સમયે પહોંચવાથી એને ફાયદો થાય. જો એવું નહિ થાય તો એને નુકસાન જાય. જિંદગીના વીમાથી ઊલટું, વીમો લેતી વખતે વીમો લેનારને વીમાવસ્તુમાં વીમાયોગ્ય હિત નહિ હોય એવું બને; કારણ કે માલના પ્રવાસ દરમિયાન માલના કબજા અને માલિકીની તબદીલી થતાં હોય છે. આમ છતાં માલને કોઈ પણ પ્રકારે જો નુકસાન થાય તો તે સમયે વીમો લેનારને એમાં વીમાયોગ્ય હિત હોવું જ જોઈએ.
(3) આગના અને અન્ય વીમા : જિંદગીના અને પરિવહનના વીમાની સરખામણીએ આગના અને અન્ય વીમામાં વીમાયોગ્ય હિતને વધારે બંધનકર્તા બનાવવામાં આવ્યું છે; કારણ કે આ પ્રકારના વીમામાં વીમો લેનારને વીમારકમમાંથી અનધિકૃત નફો મેળવવા માટે વધારે પ્રમાણમાં કારણો મળે છે. આથી આ પ્રકારના વીમામાં વીમો લેવાના સમયે તેમજ વીમાવસ્તુને ખરેખર નુકસાન થાય ત્યારે વીમો લેનારનું વીમાવસ્તુમાં વીમાયોગ્ય હિત હોવું જરૂરી છે; દા.ત., કોઈ વ્યક્તિ પાડોશીની મિલકતનો વીમો લઈ શકે નહિ, કારણ કે તે મિલકતમાં તેનું કોઈ આર્થિક હિત હોતું નથી.
સૂર્યકાન્ત શાહ