વીમાની પૉલિસી : વીમો ઉતારનાર અને લેનાર વચ્ચેનો લેખિત કરાર. વીમો ઉતારનાર મહદ્અંશે કંપની સ્વરૂપે હોય છે. કોઈ એક કંપની અનેક વીમા લેનારાના વીમા ઉતારે છે. બધા વીમા લેનારા વચ્ચે સમાનતા જળવાઈ રહે તે હેતુથી વીમા કંપની પૉલિસીનું પત્રક એકસરખું તૈયાર કરીને છાપે છે. વીમાના મુખ્યત્વે બે પ્રકાર છે : (1) જિંદગીનો વીમો અને (2) સામાન્ય વીમો. જિંદગીના વીમાની પૉલિસીમાં વીમો લેનારની ઉંમર, જાતિ, ઓળખચિહ્ન જેવાં વર્ણન, મુદત પૂરી થયે પૉલિસી સજીવન કરવા માટેની છેલ્લી તારીખ (છૂટના દિવસો સહિત) અને સજીવન કરવાના પ્રસંગે પ્રીમિયમના દર જેવી વિગતો દર્શાવવામાં આવે છે. કરારની શરતો છાપવામાં આવે છે. એ શરતોને આધીન કરાર થયો છે તે અંગેની પક્ષકારોની સંમતિ દર્શાવતી સહી કે તેના ઉલ્લેખને સમાવવામાં આવે છે. સામાન્ય વીમાની પૉલિસીમાં કંપનીનું નામ અને સરનામું, વીમાની રકમ, પ્રીમિયમનો દર, વીમાની મુદત અને વીમાવસ્તુનું વર્ણન દર્શાવવામાં આવે છે. સમાજમાં જોખમોનું એટલું બધું બાહુલ્ય છે કે કોઈ એક જ પ્રકારની પૉલિસીને કે અમુક શરતોને સાર્વત્રિક લાગુ પાડી શકાતી નથી. આથી, વીમા કંપનીઓ જુદાં જુદાં જોખમોને ધ્યાનમાં રાખીને જુદી જુદી શરતો સમાવતી જુદા જુદા પ્રકારની પૉલિસીઓ તૈયાર કરે છે.

જીવનવીમાની પૉલિસીમાં મુખ્યત્વે હયાતીની અને જિંદગીની પૉલિસી હોય છે. હયાતીની પૉલિસીમાં વીમાની રકમ ક્યારે મળશે તે તારીખ અગત્યની બૉંબત છે. જિંદગીની પૉલિસીમાં વીમો લેનારના મૃત્યુ પ્રસંગે વીમાની રકમ આપવાની બૉંબતમાં અપવાદ અને વારસદારોનાં નામ અગત્યની બૉંબતો છે. દરિયાઈ વીમાની પૉલિસીનું પ્રમાણિત પત્રક ઇંગ્લડની લૉઇડ્ઝ કંપનીએ ઈ. સ. 1799માં તૈયાર કર્યું હતું. આજદિન સુધી તે પત્રકનો હાર્દરૂપ ભાગ સ્વીકાર્ય રહ્યો છે. દરિયાઈ વીમાની પૉલિસીમાં નુકસાન-પ્રસંગે વીમા કંપની કેટલા પ્રમાણમાં વળતર ચૂકવશે અને કયા સંજોગોમાં તે નહિ ચૂકવે, તે બૉંબતો અગત્યની હોય છે. ઈ. સ. 1904માં ભારતની ફાયર ઑફિસિંગ કમિટીએ તૈયાર કરેલ આગના વીમાની પૉલિસીનું પત્રક મહદ્અંશે હજી અમલમાં છે. આગના વીમામાં આગ લાગવાના કયા પ્રસંગે વળતર મળે અને કેટલા પ્રમાણમાં મળે તે બૉંબતો અગત્યની છે. આ ઉપરાંત વીમાના અન્ય પ્રકારો અનેક છે. દરેક પ્રકારને અનુરૂપ પૉલિસી તૈયાર થાય છે. અકસ્માત, લૂંટફાટ, ચોરી, પાક, વાહનો, બૅન્કમાં મૂકેલી થાપણોના વીમા જેવા બહુજનને સ્પર્શતા વીમાઓથી માંડી કોઈ એક નર્તકીના પગ સુધીના એકાદ વ્યક્તિને સ્પર્શતા વીમા સુધીના પ્રકારો છે. એટલા જ પ્રકારની પૉલિસીઓ પણ અસ્તિત્વમાં છે.

સૂર્યકાન્ત શાહ