વીમાન, કાર્લ (Wieman, Carl) (જ. 26 માર્ચ 1951, કોર્વાલિસ, ઓરેગૉન) : અમેરિકન પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2001ના નોબેલ પુરસ્કાર-વિજેતા. બોઝ–આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ(con-densate)નો સૌપ્રથમ વાર પ્રાયોગિક નિર્દેશ કરવા બદલ તેમને આ પુરસ્કાર કેટર્લી અને કોર્નેલની ભાગીદારીમાં મળ્યો છે.
તેઓ કોર્વાલિસ હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. 1973માં વીમાન MITમાંથી બી.એસ. થયા અને 1977માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. 1997માં તેમને શિકાગો યુનિવર્સિટીએ ડી.એસસી.ની માનાર્હ ઉપાધિ આપી. 1998માં તેમને લોરેન્ટ્ઝ ચંદ્રક એનાયત થયો.
2004માં તેમને તમામ ડૉક્ટરલ અને સંશોધન યુનિવર્સિટીઓમાં તે વર્ષના યુ.એસ. પ્રાધ્યાપક તરીકે જાહેર કરવામાં આવ્યા.
2003માં તેઓ બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં જોડાયા અને વિજ્ઞાનના શિક્ષણને સઘન બનાવવાનો પ્રારંભ કર્યો. કોલોરાડો યુનિવર્સિટી(બોલ્ડર)માં વિજ્ઞાનશિક્ષણના પ્રકલ્પનો તેમણે પાયો નાખ્યો.
તેમણે વિજ્ઞાનશિક્ષણનું સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંશોધનની વ્યવસ્થા કરી. નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીસના વિજ્ઞાનશિક્ષણના બોર્ડનું અધ્યક્ષપદ હાલ તેઓ સંભાળે છે. ઍરિક મઝુરની ‘Peer instruction’ના નામે જાણીતા શિક્ષણશાસ્ત્રીની પ્રણાલીનો તેઓ ઉપયોગ કરે છે અને તેનો પ્રચાર પણ કરે છે. તેમાં બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નો વર્ગમાં પૂછવામાં આવે છે અને વિદ્યાર્થીઓ બિનતારી ક્લિકર (wireless clicker) પ્રયુક્તિ વડે જવાબો આપે છે. તેમાં સવાલ-જવાબોની સવિસ્તર ચર્ચાઓ પણ થાય છે. ભૌતિકવિજ્ઞાનમાં અસરકારક શિક્ષણપ્રણાલીઓ વિકસાવવા બદલ અમેરિકન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ (AAPT) દ્વારા તેમને ઑર્સ્ટેડ ચંદ્રક આપવામાં આવ્યો છે.
પ્રહલાદ છ. પટેલ