વીન, ઉ ને (ને વીન, ઉ)
February, 2005
વીન, ઉ ને (ને વીન, ઉ) (જ. 24 મે 1911, પોંગડેલ, મ્યાનમાર) : મ્યાનમારના સેનાપતિ, વડાપ્રધાન અને પ્રમુખ. અગાઉ તેમનું નામ મોંગ શુ મોંગ હતું. તેમણે રંગૂનની યુનિવર્સિટી કૉલેજમાં 1929થી 1931 સુધી અભ્યાસ કર્યો અને 1936માં મ્યાનમાર(બર્મા)ની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાનના મ્યાનમાર પરના આક્રમણ પછી, 1941માં મ્યાનમારની સ્વાતંત્ર્યચળવળના આગેવાન ઓંગ સાન સાથે, જાપાનીઓ પાસેથી લશ્કરી તાલીમ મેળવવા હૈનાન ગયા. 1943થી 1945 સુધી જાપાનીઓએ રચેલ બર્મા નૅશનલ આર્મીના અધિકારી હતા; પરંતુ જાપાનીઓ માટેનો ભ્રમ દૂર થવાથી તેમણે ભૂગર્ભપ્રવૃત્તિમાં સાથ આપ્યો. મ્યાનમાર 4 જાન્યુઆરી, 1948ના રોજ સ્વતંત્ર થયા બાદ તેમણે ત્યાંના લશ્કરમાં સેકન્ડ કમાન્ડર ઇન ચીફ તરીકે સેવાઓ આપી. વડાપ્રધાન ઉ નુની સરકાર દેશની આર્થિક અને સામાજિક સમસ્યાઓ હલ કરવાને અશક્તિમાન પુરવાર થઈ ત્યારે તેઓ 1958માં ત્યાંની રખેવાળ સરકારના વડાપ્રધાન બન્યા. 1960માં સંસદીય સરકાર રચાયા બાદ, ને વીને સત્તા છોડી; પરંતુ 2 માર્ચ, 1962ના રોજ આકસ્મિક બળવો કરીને તેમણે ઉ નુને જેલમાં પૂર્યા અને પોતે વડાપ્રધાન બન્યા અને રેવોલ્યૂશનરી કાઉન્સિલ ઑવ્ ધ યુનિયન ઑવ્ બર્માની રચના કરી. તેના બધા સભ્યો લશ્કરના અધિકારીઓ હતા. આમ વાસ્તવમાં તેઓ લશ્કરી સરમુખત્યાર બન્યા. તેમણે બર્મા સોશિયાલિસ્ટ પ્રોગ્રામ પાર્ટી (BSPP) સ્થાપી અને 1964માં બર્મામાં એક-પક્ષી રાજકીય માળખું સ્થાપ્યું. આ પક્ષના હોદ્દેદારો સ્થાનિક વહીવટ સંભાળતા અને કેન્દ્ર-સરકારમાં લશ્કરના અધિકારીઓ મહત્ત્વના હોદ્દા સંભાળવા લાગ્યા. થોડાં વર્ષ આર્થિક વિકાસ થયો. રેવોલ્યૂશનરી કાઉન્સિલમાં પાછળથી નાગરિકોને પણ લેવામાં આવ્યા. નવા બંધારણ પ્રમાણે 1974માં થયેલ ચૂંટણીમાં તેમના પક્ષને 99 % બેઠકો મળી અને ને વીન સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષપદે, રાજ્યના સર્વોચ્ચ સત્તાધીશ 1981 સુધી રહ્યા. ત્યારબાદ સોશિયાલિસ્ટ પ્રોગ્રામ પાર્ટીના અધ્યક્ષના હોદ્દા ઉપર ઑગસ્ટ, 1988 સુધી ચાલુ રહ્યા હતા.
જયકુમાર ર. શુક્લ