વીંછીકંટો (ઍકેલીફા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની શાકીય, ક્ષુપ કે વૃક્ષ-પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણ-સમૂહ અને નિલંબ શૂકી (catkin) પ્રકારના પુષ્પવિન્યાસ માટે ઉગાડવામાં આવે છે અને ઓછી કાળજીએ થઈ શકે છે. ભારતમાં તેની 27 જેટલી જાતિઓ થાય છે, તે પૈકી 17 જેટલી વિદેશી છે અને તેમનો શોભન-વનસ્પતિઓ તરીકે પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તેની ચાર જાતિઓ ગુજરાતમાં ચોમાસામાં સર્વત્ર ઊગે છે.
તે તામ્રપર્ણી (Acalypha spp.) વિવિધ રંગોવાળાં પર્ણો ધરાવતી સુંદર અને સહિષ્ણુ જાતિ છે. A. godseffiana Mast., A. hamiltoniana Hort. ex Bruant, A. illustris Hort. ex Pax & Hoffm., A. macrophylla Ule, A. wilkesiana Muell.-Arg., A. macfenna અને કેટલીક બીજી જાતિઓની વિકૃતિઓ (mutations) દ્વારા સુંદર જાતો પ્રાપ્ત કરવામાં આવે છે. A. sanderi N. E. Br. syn. A. sanderi Burm. f.(વેણીમોગરો, કૅટ-ટૅઇલ)ની મખમલી ગુલાબી રંગની સુંદર ફૂલની માળા બારેમાસ વેણી તરીકે આકર્ષતી હોય છે. ચોમાસામાં પરિપક્વ અને કાષ્ઠીય શાખાઓના કટકા કરી તેમનું રોપણ કરી શકાય છે. ઉષ્ણ અને ભેજવાળાં સ્થાનોએ તેમની વૃદ્ધિ વધારે ઝડપથી થાય છે. ઇચ્છિત ઊંચાઈ રાખવા તેનું વર્ષમાં એક વાર કૃંતન કરવામાં આવે છે.
- indica Linn. (સં. હરિતા-મંજરી; હિં. ખોકલી, કુપ્પી; બં. મુક્તઝુરી; ગુ. વીંછીકંટો, દાદરજો, દાદરો; મ. ખાજોટી, ખોકલા; અં. ઇંડિયન ઍકેલીફા) 30 સેમી.થી 100 સેમી. ઊંચી, ટટ્ટાર અને એકવર્ષાયુ શાકીય જાતિ છે અને ઉદ્યાનોમાં અપતૃણ તરીકે ઊસર ભૂમિમાં, ખુલ્લાં મેદાનોમાં અને રસ્તાની બંને બાજુએ ભારતમાં બધે જ થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક, અંડાકાર કે વિષમલંબાક્ષ-અંડાકાર (rhombic-ovate) હોય છે અને પર્ણદલ કરતાં લાંબા અને પાતળા પર્ણદંડ ધરાવે છે. પર્ણોની ગોઠવણી ચિત્રવર્ણ (mosaic) પ્રકારની અને પર્ણકિનારી દંતુર હોય છે. પુષ્પવિન્યાસ શૂકી પ્રકારનો, ટટ્ટાર, લગભગ 7.6 સેમી. જેટલી લંબાઈવાળો અને અગ્રસ્થ કે કક્ષીય હોય છે. નર-પુષ્પો અત્યંત નાનાં અને ટોચ ઉપર આવેલાં હોય છે. માદા-પુષ્પો મોટાં, પહોળાં અને પર્ણાભ (foliaceous) નિપત્ર વડે ઘેરાયેલાં હોય છે. પ્રાવર (capsule) ફળ નિપત્રો વડે ઢંકાયેલાં રહે છે. બીજ આછાં-બદામી, અંડાકાર અને લીસાં હોય છે. તેનાં પુષ્પ અને ફળ જૂનથી ડિસેમ્બર સુધી રહે છે.
તે અનિષ્ટકારી અપતૃણ છે અને 2, 4-D (2, 4-ડાઇક્લૉરો-ફિનૉક્સિએસેટિક ઍસિડ) 2.2 કિગ્રા./હે.ની માત્રાએ છંટકાવ કરતાં નિયંત્રિત કરી શકાય છે.
તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાંથી તેને એકત્રિત કરાય છે. તાજાં કે શુષ્ક પર્ણો અને મૂળમાંથી ઔષધ બનાવાય છે અને A. fruticosa અને A. racemosaની સાથે અપમિશ્રિત કરવામાં આવે છે. મૂળ 5 સેમી.થી 8 સેમી. લાંબાં અને 0.5 સેમી. વ્યાસવાળાં લંબવર્તી, કાષ્ઠીય, થોડાંક વાંકાંચૂંકાં, પીળા રંગનાં અને સહેજ કડવાં હોય છે.
તે મૂત્રલ (diuretic), વાતહર (carminative), કફઘ્ન (expectorant) અને વમનકારી (emetic) ગુણધર્મો ધરાવે છે અને જઠરાંત્રીય (gastro-intestinal) ઉત્તેજન (irritation) કરે છે. તેનો ‘ઇપેકાક’ અને ‘સેનેગા’ની અવેજીમાં ઉપયોગ થાય છે. તેનો કાઢો સલામત તથા ઝડપી રેચક ગણાય છે અને દાંત અને કાનના દુખાવામાં વપરાય છે. હોમિયોપથીમાં ફેફસાંમાંથી રુધિરસ્રાવી તીવ્ર કફ, રક્તનિષ્ઠીવન (haemoptysis) અને પ્રારંભિક ક્ષય(incipient phthisis)ની ચિકિત્સામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પર્ણોનો મલમ દાઝ્યા ઉપર લગાડવામાં આવે છે. આ મલમ અને લીંબુનો રસ શરૂઆતની દાદરમાં અત્યંત ઉપયોગી છે. પર્ણોનો તાજો રસ, તેલ, મીઠું કે ચૂનો સંધિવા ઉપર, ખસ અને ચામડીનાં અન્ય દર્દો ઉપર લગાડાય છે. પર્ણોનું ચૂર્ણ પાઠાં (bedsores) અને અપાદક-ગ્રસ્ત (maggot-infested) વ્રણ માટે ઉપયોગમાં લેવાય છે. તેની પરાગરજ દ્વારા ઍલર્જી થાય છે.
વનસ્પતિમાં સાયનોજેનેટિક ગ્લુકોસાઇડ અને એકેલિફિન અને ટ્રાઇએસિટોનેમાઇન નામનાં આલ્કેલૉઇડ સંભવત: ગ્લુકોસાઇડની વિઘટિત નીપજ તરીકે મળી આવે છે. અન્ય ઘટકોમાં એન-ઑક્ટાકોસેનોલ, b-સિટોસ્ટેરોલ, કૅમ્પ્ફેરોલ, ક્વેબ્રેકિટોલ, ટૅનિન, રાળ અને બાષ્પશીલ તેલ હોય છે. હાઇડ્રોસાયનિક ઍસિડ ઉપરાંત, તેમાં રહેલા અન્ય પદાર્થો સસલામાં રુધિરને ઘેરા બદામી રંગનું બનાવે છે અને જઠરાંત્રીય ઉત્તેજના ઉત્પન્ન કરે છે. નાજુક પ્રરોહ, પર્ણો અને મૂળના આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Escheirichia coli સામે સક્રિયતા દાખવે છે.
પુષ્પ સિવાયના પ્રરોહોને રાંધીને ખાઈ શકાય છે. તેને કાચા ખાવા નુકસાનકારક હોય છે. વનસ્પતિના ખાદ્ય ભાગોનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 80.5 %, પ્રોટીન 6.7 %, મેદ 1.4 %, કાર્બોદિતો 6.0 %, રેસા 2.3 %, ખનિજદ્રવ્ય 3.1 %, કૅલ્શિયમ 667.0 મિગ્રા., ફૉસ્ફરસ 99 મિગ્રા., લોહ 17.3 મિગ્રા., પ્રજીવક ‘સી’ 147 મિગ્રા./100 ગ્રા. અને શક્તિ 64 કિકૅ.. વનસ્પતિમાં નાઇટ્રોજન સારા એવા પ્રમાણમાં હોવાથી તેનો નાઇટ્રિકારક (nitrifying) દ્રવ્યના સ્રોત તરીકે ઉપયોગ કરી શકાય.
- ciliata Forsk. (રૂંછાળો દાદરો) સર્વત્ર, A. lanceolata Willd. રાજપીપળા, ભરૂચ અને છોટાઉદેપુર પાસે અવારનવાર મળે છે અને ચોથી જાતિ A. malabarica Muell સૌરાષ્ટ્રનાં ગીરનાં જંગલોમાં મળે છે.
મીનુ પરબિયા
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ