વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils)
February, 2005
વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils) (જ. 3 જૂન 1924, ઉપસલા, સ્વીડન) : સ્વીડિશ ચેતાતંત્રવિજ્ઞાની, જેમણે 1981નું નોબેલ પારિતોષિક ડેવિડ હંટર હ્યુબેલ તથા રોજર વૉલ્કોટ સ્પેરી સાથે દેહધર્મવિદ્યા તથા તબીબીવિદ્યાના વિભાગમાં મેળવ્યું હતું. સ્પેરિ અને હ્યુબેલને અર્ધાભાગનું પારિતોષિક સંયુક્તરૂપે અપાયું હતું. જેમાં તેમણે મોટા મગજમાં વિવિધ ભાગની ક્રિયાશીલતાની વિશિષ્ટતા (functional specialigation) દર્શાવી હતી. બાકીનું અર્ધું પારિતોષિક ટૉરસ્ટેન વિસેલને મળ્યું હતું. તેમણે દૃષ્ટિ અંગેના તંત્રમાં દૃષ્ટિ અંગેની માહિતીનું અધિક્રિયાકરણ (processiup) કઈ રીતે થાય છે તે દર્શાવ્યું હતું.
વિસેલે 1954માં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્ટૉકહોમમાંથી મેડિકલ ઉપાધિ મેળવીને એક વર્ષ માટે દેહધર્મવિદ્યાના ઇન્સ્ટ્રક્ટર તરીકે અનુભવ મેળવ્યો. ત્યારબાદ તેઓ જ્હૉન હૉપકન્સ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલ, બાલ્ટિમૉરમાં સંશોધનાર્થે જોડાયા, જ્યાં હ્યુબેલ સાથે તેમનું સંશોધન શરૂ કર્યું. પ્રયોગશાળામાંનાં પશુઓ ઉપર પ્રયોગો કરતાં તેમણે આંખમાંથી નીકળતા ચેતાઆવેગો (nerve impulses) કેવી રીતે મગજના પાછલા ભાગમાં આવેલા દૃષ્ટિવિસ્તારમાં પહોંચે છે. તેના અભ્યાસ દ્વારા મગજના આ વિસ્તારની બંધારણીય તેમજ ક્રિયાત્મક (functional) સઘન માહિતી મેળવી. આનો ઉપયોગ કેટલાંક નવજાત શિશુઓમાંની આંખની જન્મજાત ક્ષતિઓ નક્કી કરવા તથા નિવારવા કરી શકાય છે.
1959માં વિસેલ હ્યુબલ સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. 1974માં તેઓ ચેતાજૈવવિદ્યા(neurobiology)ના રૉબર્ટ વિન્થ્રૉપ પ્રોફેસર તરીકે નિમાયા. તેઓ સ્વીડિશ નાગરિક જ રહ્યા છે.
જ. પો. ત્રિવેદી
શિલીન નં. શુક્લ