વિસુવિયેનાઇટ : ઇડોક્રેઝ ખનિજનો સમાનાર્થી પર્યાય. સોરોસિલિકેટ. આ ખનિજ સર્વપ્રથમ વિસુવિયસ જ્વાળામુખી પ્રસ્ફુટન પેદાશોમાંથી મળી આવેલું હોવાથી આ નામ પડેલું છે. તેનો વાદળી ખનિજ-પ્રકાર સાયપ્રિન તરીકે અને જેડ જેવો લીલો ઘનિષ્ઠ પ્રકાર કૅલિફૉર્નાઇટ તરીકે ઓળખાય છે. રાસા. બંધારણ : Ca10Mg2Al4 (SiO4)5 (Si2O7)2 (OH)4. અહીં Mgનું Fe(ભિન્ન ભિન્ન પ્રમાણ)થી વિસ્થાપન થઈ શકે છે. કોઈકમાં બોરોન અને ફ્લોરિન પણ હોઈ શકે છે, ક્વચિત્ બેરિલિયમ પણ તેમાં હોવાનું જાણવા મળેલું છે. સ્ફ. વ.: ટેટ્રાગૉનલ, સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે ટૂંકા, પ્રિઝમેટિક, પિરામિડલ પણ મળે. સામાન્યત: દળદાર, દાણાદાર, સૂક્ષ્મ સ્ફટિકમય, સ્તંભાકાર. પારદર્શકથી પારભાસક. સંભેદ : (110) સ્પષ્ટ; (100), (001) ખૂબ જ અસ્પષ્ટ. પ્રભંગ : વલયાકારથી ખરબચડો, બરડ; ચમક : કાચમય, ક્યારેક રાળમય; રંગ : લીલો, કથ્થાઈ, સફેદ, પીળો, લાલ રંગની જુદી જુદી ઝાંયવાળો; સાયપ્રિન પ્રકાર વાદળી, પણ ભાગ્યે જ મળે. કૅલિફૉર્નાઇટ જેડ જેવા લીલા રંગમાં મળે, ઘનિષ્ઠ હોય. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 6થી 7. વિ. ઘ. : 3.33થી 3.45. પ્રકા. અચ. :

w = 1.703થી 1.752, ∈ = 1.700થી 1.746. પ્રકા. સંજ્ઞા : –Ve.

વિસુવિયેનાઇટ : (અ) દળદાર ખનિજ સહિત સ્ફટિક, (આ) ફલકભેદ દર્શાવતા સ્ફટિકો

પ્રાપ્તિસ્થિતિ : સંપર્ક વિકૃતિજન્ય ચૂનાયુક્ત ખડકોમાં, નેફેલિન સાયનાઇટ સાથે અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં રહેલી શિરાઓ અને છૂટા વિભાગોમાં મળે. સામાન્યપણે તેની સાથે ગ્રૉસ્યુલેરાઇટ, ટુર્મેલિન, એપિડોટ, ડાયૉપ્સાઇડ, ફ્લોગોપાઇટ, કૅલ્સાઇટ, સ્કૅપોલાઇટ અને વૉલેસ્ટોનાઇટ ખનિજો મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, મેક્સિકો, નૉર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, રુમાનિયા, ચેકોસ્લોવૅકિયા, ફિનલૅન્ડ, સાઇબિરિયા, રશિયા, જાપાન અને કોરિયા વગેરે.

ગિરીશભાઈ પંડ્યા