વિસુવિયસ : યુરોપના ભૂમિભાગ પરનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી. દક્ષિણ ઇટાલીમાં નેપલ્સના ઉપસાગર પર નેપલ્સ શહેરથી અગ્નિકોણમાં આશરે 11 કિમી.ના અંતરે તે આવેલો છે. દુનિયાભરના જ્વાળામુખીઓ પૈકી તેમાંથી વારંવાર થતાં પ્રસ્ફુટનોને કારણે તેમજ તેના પર સરળતાથી પહોંચી શકવાને કારણે વૈજ્ઞાનિકો દ્વારા વિસુવિયસનો વધુમાં વધુ અભ્યાસ કરવામાં આવેલો છે. તેથી તે વધુ જાણીતો બનેલો છે. વાસ્તવમાં આ જ્વાળામુખી માટે અપાયેલું વિસુવિયસ નામ મૉન્ટે સોમા પર્વત તરીકે ઓળખાતા બહારના શંકુની અંદર તરફ રહેલા સક્રિય જ્વાળામુખી માટે છે, તેમ છતાં આખોય પર્વત-વિભાગ વિસુવિયસ નામથી જ ઓળખાય છે. તેના તળ ભાગનો પરિઘ 80 કિમી.નો છે, મૉન્ટે સોમા શંકુની કિનારી (પરિઘ) 12 કિમી.ની છે. અંદરના શંકુનું કદ પરિવર્તી રહે છે, પરંતુ તેનો વ્યાસ 800 મીટરનો છે. તેના ઉપલા ઢોળાવો લાવાની પોપડીથી બંધાયેલા હોવાથી ઉજ્જડ છે, નીચે તરફના ઢોળાવો ફળદ્રૂપ છે. ઐતિહાસિક જાણકારી મુજબ ઈ. સ. 79 અગાઉ વિસુવિયસ અમુક વખત માટે નિષ્ક્રિય રહેલો. 79ના વર્ષમાં તેમાંથી પ્રસ્ફુટન થયેલું અને માઉંટ સોમાનો ઉપરનો ભાગ અવતલન પામી જવાથી રચાયેલા વિશાળ જ્વાળામુખ(caldera)ની બાહ્ય કિનારીની અંદર તરફ વિસુવિયસનો શંકુ આકાર તૈયાર થયેલો છે. પ્રત્યેક નવા પ્રસ્ફુટનને કારણે તેની ઊંચાઈ બદલાતી રહે છે. 1900માં તેની ઊંચાઈ 1303 મીટરની હતી, તે પછીથી 1906 સુધીમાં તેની ઊંચાઈ 1310 મીટર થઈ હતી, પરંતુ પછીથી થયેલાં પ્રસ્ફુટનોમાં તે દબતો જવાથી તેની ઊંચાઈ 1277 મીટરની થઈ ગઈ. સક્રિય શંકુની ટોચ પર 15થી 120 મીટરના આડછેદવાળું, કપ આકારનું જ્વાળામુખ તૈયાર થયેલું છે. વિસુવિયસમાંથી બાષ્પના ફુવારા, ભસ્મદ્રવ્ય અને લાવાદ્રવ્ય હવામાં છૂટતાં રહે છે. તેમાંથી વિનાશાત્મક પ્રસ્ફુટનો થતાં રહેતાં હોવા છતાં પણ તેના નીચેના ઢોળાવો પર તેમજ તળેટી પરનાં મેદાનોમાં ઘણા લોકો રહે છે. તેની જ્વાળામુખીજન્ય જમીન અત્યંત ફળદ્રૂપ હોવાથી આખોય વિસ્તાર બગીચાઓ અને દ્રાક્ષની વાડીઓ માટે જાણીતો બનેલો છે.
અગાઉનાં પ્રસ્ફુટનો : પ્રાગ્-ઐતિહાસિક મનુષ્યે કદાચ વિસુવિયસનાં પ્રસ્ફુટનો જોયેલાં હશે. રોમન દંતકથાઓ જણાવે છે કે દેવોએ આ પર્વત-વિસ્તારનો લડાઈના ક્ષેત્ર તરીકે ઉપયોગ કરેલો, ઈસુ ખ્રિસ્તના સમયમાં સૈકાઓ સુધી તે સુષુપ્ત સ્થિતિમાં રહેલો. ઈ. સ. 63 પછીનાં 16 વર્ષ માટે વિસુવિયસની નજીકમાં રહેતા લોકોએ અહીં થયેલા શ્રેણીબંધ ભૂકંપો અનુભવેલા છે. સર્વપ્રથમ નોંધાયેલું પ્રસ્ફુટન ઈ. સ. 79ના ઑગસ્ટની 24મી તારીખે થયેલું, જેને પરિણામે હરક્યુલેનિયમ, પૉમ્પીઆઈ અને સ્ટેબી શહેરો ભસ્મ, પંક અને લાવાથી ઢંકાઈ ગયેલાં. રોમન લેખક પ્લિનીએ (ભત્રીજો) તેની વિનાશકતાનો આંખે દેખ્યો હેવાલ વર્ણવેલો છે. તેના કાકા પ્લિનીનું આ પ્રસ્ફુટન દરમિયાન મૃત્યુ થયેલું.
નોંધાયેલાં પ્રસ્ફુટનો : 79 પછી 203, 471-472, 512, 685, 993, 1036 અને 1139નાં વર્ષોમાં પ્રસ્ફુટનો થયાની નોંધ મળે છે. તે પછીના ઘણા ગાળા માટે તે નિષ્ક્રિય રહેલો. 472માં તેના જ્વાળામુખમાંથી ભસ્મનું એટલું તો વિપુલ પ્રમાણ છૂટેલું કે પવનથી ફૂંકાઈને ભસ્મ ઇસ્તંબુલ (જૂનું કૉન્સ્ટન્ટિનોપલ) સુધી પહોંચેલી. ત્યારપછી 1631ના ડિસેમ્બરની 16મી તારીખે થયેલા ભયંકર પ્રસ્ફુટનથી તેની તળેટીમાંનાં ઘણાં નગરો તારાજ થયેલાં. લાવાના ફુવારા અને ઊકળતું પાણી પર્વત-તળેટી પરનાં ગામો પર ફેંકાયેલાં. લાવા સમુદ્ર સુધી પહોંચેલો, જેમાં 3000 લોકો માર્યા ગયેલા. કહેવાય છે કે ત્યારે કુલ 18,000 લોકો મોતને શરણ થયેલા. તે પછીથી તો વારંવાર પ્રસ્ફુટનો થતાં રહ્યાં છે. વધુમાં વધુ વિનાશકારી પ્રસ્ફુટનો 1779, 1794, 1822, 1855, 1872, 1880, 1895, 1906, 1929 અને 1944માં થયાની નોંધ મળે છે. વીસમી સદીનું મહાવિનાશક પ્રસ્ફુટન 1906ના એપ્રિલનું ગણાય છે, તેમાં ઘણાં નગરોનો નાશ થઈ ગયેલો. 1944ના માર્ચમાં થયેલા પ્રસ્ફુટનથી સાન સિબાસ્ટિયાનું ગામ તારાજ થઈ ગયેલું, લાવા અને ભસ્મથી બચવામાં લશ્કરના સૈનિકોએ નગરવાસીઓને મદદ કરેલી. 1944ના પ્રસ્ફુટન પહેલાં હજારો મુલાકાતીઓ દર વર્ષે વિસુવિયસની મુલાકાતે આવતા હતા. તેઓ જ્વાળામુખમાં અમુક ઊંડાઈ સુધી ઊતરતા અને ત્યાંથી નીચેના કંઠમાંથી કિરમજી રંગનો ઊછળતો લાવાપ્રવાહ અને તેમાંથી ઠરીને પડતા પથ્થરો જોતા હતા. જ્વાળામુખમાં ઊતરવા માટે તૈયાર કરાયેલા રજ્જુમાર્ગે મુલાકાતીઓને જ્વાળામુખીની કિનારીથી 137 મીટરની ઊંડાઈ સુધી લઈ જવામાં આવતા. આ સુવિધા 1944ના પ્રસ્ફુટન દરમિયાન નાશ પામી, જોકે હજી પણ જિજ્ઞાસુઓ તેની મુલાકાત લે છે.
1844માં તેના ઢોળાવ પર 600 મીટરની ઊંચાઈએ ઉત્તર ઢોળાવ પર રૉયલ વેધશાળાની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યારથી વૈજ્ઞાનિકો પ્રસ્ફુટન થતી વેળાની અને પ્રસ્ફુટનો વચ્ચેના ગાળાની માહિતી મેળવવા માટે સતત નોંધ કરતા રહે છે. એક નિરીક્ષકે તો આ પ્રકારની ફરજ દરમિયાન જિંદગી પણ ગુમાવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા