વિસાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું નગર (તાલુકામથક). ભૌગોલિક સ્થાન : આ તાલુકો 21° 30´ ઉ. અ. અને 70° 55´ પૂ. રે.ની આજુબાજુનો 902 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગીરના જંગલની ઉત્તર સરહદે આવેલું છે. આ તાલુકામાં વિસાવદર નગર અને 98 ગામો આવેલાં છે. તે ગિરનારની ગિરિમાળાની છત્રછાયામાં આશરે 140 મીટરની ઊંચાઈએ આવેલું છે.
આ તાલુકામાં ગીરનાં જંગલ નજીક કેટલીક ટેકરીઓ છે, બાકીનો ભાગ સપાટ છે. અહીંની લાસા ટેકરીઓમાંથી આંબાજળ નદી નીકળે છે. તેના કાંઠા પર આ તાલુકામાં રાજપુર સહિતનાં છ ગામો આવેલાં છે, તે પૈકી સતાધારનું પ્રખ્યાત તીર્થધામ પણ છે. આ નદીની લંબાઈ માત્ર 22.5 કિમી. જેટલી જ છે. તે આ તાલુકાના નવી ચાવંડ ગામ પાસે ધોફડ નદીને મળે છે. આ તાલુકાના સરસઈ ગામ પાસે આ નદી પર સિંચાઈ માટેનો બંધ આવેલો છે. ગીરની ટેકરીઓ નજીકના મોરવેલ ગામ પાસેથી નીકળી, વિસાવદર તાલુકાનાં ત્રણ ગામો પાસેથી પસાર થાય છે, વિસાવદર તાલુકાના પીપળી ગામ પાસે ઓઝતને મળે છે. મહુડા-મહુડી ગામ પાસે તેના પર પણ બંધ બાંધવામાં આવેલો છે. વિસાવદર તાલુકાના કડવાળી નેસ પાસેથી મધુવંતી નદી નીકળીને વિસાવદર, મેંદરડા, વંથલી, કેશોદ અને પોરબંદર જિલ્લામાંથી પસાર થઈ ત્યાંના પટાગામ નજીક અરબી સમુદ્રને મળે છે. તેના પર પણ સિંચાઈનો બંધ છે. તેની લંબાઈ 80 કિમી. જેટલી છે.
આ તાલુકામાં ગીર જંગલનો વિસ્તાર હોવાથી ત્યાંની આબોહવા આરોગ્યપ્રદ નથી. અહીંના ઉનાળા (મે) અને શિયાળા(જાન્યુઆરી)ના દિવસ અને રાત્રિનાં તાપમાન અનુક્રમે 41° સે. 28° સે. તથા 28° સે. અને 16° સે. જેટલાં રહે છે. અહીં વરસાદનું સરેરાશ પ્રમાણ 600 મિમી. જેટલું રહે છે.
આ તાલુકાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, ડાંગર, શેરડી, કઠોળ, મગફળી અને થોડા પ્રમાણમાં કપાસ અને તલનો સમાવેશ થાય છે. અહીં ઘાસનું વાવેતર પણ થાય છે. અહીં આશરે 9,000 હેક્ટર જમીનમાં ગોચરો આવેલાં છે. કેટલીક જમીન પડતર પણ રહે છે. મોટાભાગની ખેતી કૂવાઓ દ્વારા ઑઇલ એંજિન, ઇલેક્ટ્રિક મોટરની સહાયથી કરવામાં આવે છે. નહેરો માત્ર 24 કિમી. લંબાઈની છે.
વિસાવદર તાલુકાની કુલ વસ્તી 2001 મુજબ 1,32,795 જેટલી છે. તે પૈકીના મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી છે. બાકીની વસ્તી પૈકી ખેતમજૂરો, ખાણિયા, પશુપાલકો, ગૃહઉદ્યોગોમાં કામ કરનારાનો સમાવેશ થાય છે. તાલુકામાં 98 ગામો પૈકી 86 ગામોમાં વીજળીકરણ થયેલું છે.
તાલુકાનાં 46 ગામો મીટરગેજ-રેલમાર્ગથી જોડાયેલાં છે, તેમાં સાત રેલમથકો આવેલાં છે. આખા તાલુકામાં કુલ 525 કિમી.ના પાકા (242 કિમી.) અને કાચા (283 કિમી.) રસ્તા છે. તાલુકામાં તાર-ટપાલ-ટેલિફોનની સંદેશાવ્યવહારની સુવિધાઓ પણ છે. તાલુકામાં 91 પ્રાથમિક, 17 માધ્યમિક અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. આ ઉપરાંત 3 પુસ્તકાલયો અને 14 પ્રૌઢશિક્ષણકેન્દ્રો છે.
વિસાવદર (નગર) : ભૌગોલિક સ્થાન : 21° 20´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.. નગરમાં થઈને પોપટડી અને મહિયારી નામની નદીઓ વહે છે. ગીરનું જંગલ નજીક હોવાથી અહીંની આબોહવા આરોગ્યપ્રદ નથી. 2001 મુજબ વિસાવદરની કુલ વસ્તી આશરે 18,048 જેટલી છે. સ્ત્રી-પુરુષોનું પ્રમાણ એકસરખું છે. આશરે 70 % લોકો શિક્ષિત છે.
આ નગરમાં બે તેલ મિલો અને જિન-પ્રેસ છે. પરંપરાગત સુથારી, લુહારી અને માટીકામ કરનારા કારીગરો ગૃહઉદ્યોગમાં રોકાયેલા છે. ખેતીનાં જુદાં જુદાં ઓજારોનું સમારકામ પણ થાય છે. અહીં બાલમંદિર, પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સગવડ છે. દવાખાનું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બૅંકોની શાખાઓ, અંધશાળા અને પુસ્તકાલય પણ છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં હોથલ પદ્મણી અને ઓઢાજામની ગુફાઓનો સમાવેશ થાય છે.
શિવપ્રસાદ રાજગોર