વિસારિયા પ્રવીણ (. 23  એપ્રિલ 1937, . 28 ફેબ્રુઆરી 2004) : ભારતીય અર્થશાસ્ત્રી અને વસ્તીશાસ્ત્રી. શ્રી વિસારિયાએ અર્થશાસ્ત્રનો એમ.એ. સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. એમ.એ.માં તેમણે કૃષિ અને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં વિશેષીકરણ સાધ્યું હતું. તે પછી તેમણે અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્રમાં ફરીથી એમ.એ. કર્યું. પ્રિન્સ્ટન ખાતે જ તેમણે વસ્તીશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું.

પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યા પછી તેમણે અમેરિકાની કેટલીક નામી યુનિવર્સિટીઓમાં કામગીરી બજાવી. તેમાં બોસ્ટનની હાર્વર્ડ યુનિવર્સિટી, પ્રિન્સ્ટન યુનિવર્સિટી, પિટ્સબર્ગ યુનિવર્સિટી તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.

મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે 1963થી 1971 દરમિયાન વસ્તીશાસ્ત્રના અધ્યાપક (રીડર) તરીકે સેવાઓ આપી. એ દરમિયાન જ તેમણે ટૂંકા સમય માટે અમેરિકાની ઉપર્યુક્ત યુનિવર્સિટીઓમાં કામગીરી બજાવેલી. 1971થી 1976 દરમિયાન તેમણે વસ્તીશાસ્ત્રના પ્રોફેસર તરીકે મુંબઈ યુનિવર્સિટીમાં સેવા આપી. તે દરમિયાન તેમણે વિશ્વબૅંકના સલાહકાર તરીકે બૅંગલોર ખાતે હાથ ધરવામાં આવેલા એક સંશોધન પ્રૉજેક્ટમાં કામગીરી બજાવી હતી.

વિસારિયાએ વિશ્વબૅંકના અર્થશાસ્ત્રી તરીકે વૉશિંગ્ટન ખાતે બે તબક્કામાં સેવાઓ આપી હતી. 1975થી 1980 દરમિયાન તેમણે એ સ્થાનેથી વસ્તીશાસ્ત્રના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું. 1980માં અમેરિકાથી આવીને તેઓ અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશ્યલ રિસર્ચમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. 1983માં તેઓ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડેવલપમેન્ટ રિસર્ચના નિયામક તરીકે જોડાયા. ત્યાં તેમણે 1996 સુધી કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન આ સંસ્થામાં સંશોધનો અને પરિસંવાદોની એક ઉજ્જ્વળ પરંપરા બંધાઈ હતી.

વિસારિયા ગુજરાતમાં હતા એ દરમિયાન તેમણે 1991થી 1995 સુધી ગુજરાત રાજ્યના આયોજનપંચના સભ્ય તરીકે સેવાઓ આપેલી. 1984થી 1989 દરમિયાન તેઓ ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદના ઉપપ્રમુખપદે હતા. એ પરિષદના 1990ના વર્ષના અધિવેશનમાં તેઓ અધ્યક્ષ હતા.

પ્રોફે. વિસારિયાની સેવાઓ રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓએ લીધી હતી. દેશના આયોજનપંચે અનેક પ્રશ્નો પર તેમના જ્ઞાનનો લાભ લીધો હતો. 1983-89 દરમિયાન તેઓ આયોજનપંચના અર્થશાસ્ત્રીઓની પૅનલના સભ્ય; 1985થી ’89 દરમિયાન આયોજનપંચની સંશોધન સલાહકાર સમિતિના સભ્ય; 1988-89 દરમિયાન વસ્તી, કુટુંબકલ્યાણ વગેરેની સ્ટિઅરિંગ સમિતિના પણ તે સભ્ય રહ્યા. નૅશનલ સૅમ્પલ સર્વે અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ તેમનું યોગદાન ચિરસ્મરણીય રહેશે. 1981-83 અને તે પછી 1986-90 દરમિયાન તેઓ એન. એસ. એસ.ના ગ્રાહક વપરાશ અને રોજગારી અંગેની મોજણી માટેના કાર્યકારી જૂથના અધ્યક્ષ હતા.

દિલ્હીની પ્રખ્યાત નૅશનલ કાઉન્સિલ ઑવ્ એપ્લાઇડ ઇકૉનૉમિક્સ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પબ્લિક ફાયનાન્સ ઍન્ડ પૉલિસી, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે રાષ્ટ્રીય સ્તરની અનેક સંશોધન સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા.

પ્રોફે. વિસારિયાનું કાર્યક્ષેત્ર વસ્તીશાસ્ત્ર પૂરતું સીમિત ન હતું. તેમણે 1968થી ’71 દરમિયાન, પ્રોફે. દાંતવાલાની સાથે બેકારીના અંદાજો બાંધવા માટેની આયોજનપંચની સમિતિમાં ટેક્નિકલ નિષ્ણાત તરીકે સેવાઓ આપી હતી. ભારત જેવા દેશમાં બેરોજગારી કે રોજગારી માપવાનું કામ સરળ નથી. આ બાબતમાં આજે પણ દાંતવાલા સમિતિના હેવાલને આખરી શબ્દ માનવામાં આવે છે. તેમાં પ્રોફે. વિસારિયાએ તેમની 31 વર્ષની વયે મૂલ્યવાન પ્રદાન કરેલું. પ્રોફે. વિસારિયાએ અર્થશાસ્ત્રના ક્ષેત્રે પોતાના ખંત, ઝીણવટ, અભ્યાસ અને લેખન દ્વારા એક વિશિષ્ટ સ્થાન ઊભું કર્યું હતું. સંશોધનની યથાર્થતા, ઉપયોગિતા અને તલસ્પર્શિતા તેમના આગવા ગુણ હતા.

રોહિત શુક્લ