વિસાયસ ટાપુઓ : ફિલિપાઇન્સના લ્યુઝોન અને મિન્ડાનાઓ વચ્ચે આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9°થી 12° ઉ. અ. અને 122°થી 124° 30´ પૂ. રે. વચ્ચેનો 56,607 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમૂહમાં ઘણા ટાપુઓ આવેલા છે. તેમાં સમાર, નિગ્રોસ, પનાય, લેયટ, સીબુ અને બોહોલ મુખ્ય છે. આ બધા ટાપુઓને ત્રણ ભૌગોલિક વિભાગોમાં વહેંચેલા છે : (i) પૂર્વીય વિસાયસ (ii) પશ્ચિમી વિસાયસ (iii) મધ્ય વિસાયસ.
(i) પૂર્વીય વિસાયસ : આ વિભાગમાં સમારનો પહાડી ટાપુ આવેલો છે, તે ફિલિપાઇન્સમાં ત્રીજા ક્રમે આવતો મોટો ટાપુ છે. સમાર અને લેયટ વચ્ચે સાન જુઆનિકો સામુદ્રધુની છે. તેના પરનો માર્કોસ પુલ બંને ટાપુઓને જોડે છે. લેયટ ટાપુ વિસ્તારમાં આઠમા ક્રમે આવે છે, તે ખૂબ જ અસમતળ અને પહાડી છે. અહીંના લોકો તેમનો જીવનનિર્વાહ મુખ્યત્વે ખેતી અને માછીમારી પર ચલાવે છે. પૂર્વીય વિસાયસમાં ટાઇફૂનનાં વાવાઝોડાં અવારનવાર થતાં રહે છે, આ કારણે તે ઓછા પ્રમાણમાં વિકસેલો છે.
(ii) પશ્ચિમી વિસાયસ : આ વિભાગમાં પનાય નિગ્રોસ અને ઇલોઇલો ટાપુઓ આવેલા છે. પનાયમાં આવેલાં મધ્યનાં સુવિકસિત મેદાનોને કારણે તે ગીચ વસ્તીવાળો બની રહેલો છે. ઇલોઇલો તેની અગ્નિદિશામાં છે, તે પશ્ચિમી વિસાયસ માટે વેપાર-વાણિજ્યનું મથક બની રહેલો છે. નિગ્રોસનો ટાપુ ફિલિપાઇન્સમાં મુખ્ય ઉત્પાદક પ્રદેશ ગણાય છે. અહીંથી ખાંડની નિકાસ થાય છે. અન્ય અગત્યની પેદાશોમાં અબાકા (મનિલા હૅમ્પ), નાળિયેર, મકાઈ, ખનિજો અને લાકડાંનો સમાવેશ થાય છે.
(iii) મધ્ય વિસાયસ : આ વિભાગમાં બોહોલ અને સીબુ ટાપુઓ આવેલા છે. બોહોલની ચૉકોલેટ ટેકરીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલી છે. તે ઉનાળામાં કથ્થાઈ રંગની દેખાય છે. સીબુ લાંબો ટાપુ છે, તેના પર પર્વતમાળા છે. તે આખાય પ્રાંતમાં વિસ્તરેલી છે. સીબુ સિટી તેનું પાટનગર છે, તેની સ્થાપના સ્પેનના લોકોએ 1565માં કરેલી. સીબુ સિટી ફિલિપાઇન્સનું પ્રથમ રાષ્ટ્રીય પાટનગર હતું. 2000 મુજબ વિસાયસ ટાપુઓની કુલ વસ્તી 1,51,40,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા