વિસર્પણ (slip) (ભૌતિકવિજ્ઞાન) : અવરૂપક (shearing) બળોની અસર હેઠળ સ્ફટિકના એક ભાગનું બીજા ભાગની સાપેક્ષે સમતલમાં સર્પી (sliding) સ્થાનાંતરણ. પ્રતિબળ (stress) લગાડતાં, દ્રવ્યમાં વિરૂપણ (deformation) થાય છે. મોટેભાગે આવું કાયમી કે સુઘટ્ય (plastic) વિરૂપણ વિસર્પણને લીધે થતું હોય છે. દ્રવ્યની બંધારણ- રચના વ્યક્તિગત સ્ફટિકોમાં અલગ વિસર્પણ પામે છે.
વિસર્પણ અને વિરૂપણની વૈકલ્પિક રીતિ (mode) અને યમલન (twinning) આ જ બે રસ્તાઓ (રીતો) છે. જેના કારણે ઘનમાં સ્ફટિકને કાયમી ધોરણે વિરૂપિત કરી શકાય છે. વિસર્પણમાં વિસર્પી સમતલ(slip-plane)ની એક બાજુના બધા જ પરમાણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને એકસાથે સર્પણ પામતા નથી. પરમાણુઓ અનુક્રમમાં એક એક હરોળ કરીને ખસે છે. આમ થવાનું કારણ ધાર-વિસ્થાપન (edge-dislocation) તરીકે ઓળખાતી ક્ષતિ કે અવકાશ છે.
ધાતુના ટુકડામાં થતા વિરૂપણની જેમ બૃહદ્-માપક્રમે (large-scale) આ ઘટનાને જોતાં, નજીકના સર્પી સમતલો ઉપરના મોટી સંખ્યામાં વિસ્થાપનોના માર્ગ સાથે વિસર્પણ સંકળાયેલ છે. પ્રકાશીય (optical) માઇક્રોસ્કોપ વડે નિરીક્ષણ કરતાં સ્ફટિકની અંદરની વિસર્પી રેખાઓ (slip-lines) પટ્ટા જેવી દેખાય છે. વધુ વિવર્ધન- (magnification)વાળા ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ વડે જોતાં આ પટ્ટો કેટલાય વિસર્પી સમતલો(slip-planes)નો દેખાય છે.
વિસર્પણ (ઇજનેરી) પ્રેરણી મોટરની ચાલુ (operating) ઝડપ અને તેની તુલ્યકાલીન (synchronous) ઝડપ (ભ્રમણ-ક્ષેત્ર, rotation-fieldની ઝડપ) વચ્ચેનો તફાવત. સામાન્યત: વિસર્પણ(s)ને તુલ્યકાલી ઝડપ (ns)ના દશાંશ અપૂર્ણાંક (decimal fraction) તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અર્થાત્
જ્યાં n એ ઘૂર્ણક (rotor) અથવા ચાલુ ઝડપ છે.
પ્રહલાદ છ. પટેલ