વિસર્પ (રતવા : Erysipelas)

February, 2005

વિસર્પ (રતવા : Erysipelas) : રોગપરિચય : ‘વિસર્પ’ શબ્દ – ‘सर्वतो विसरणाद् विसर्प:’ શરીરમાં સર્વાંગમાં પ્રસરતો-ફેલાતો જે રોગ હોય તેને માટે વપરાયો છે. આ રોગમાં વ્યાનવાયુ કુપિત થઈને ચામડીમાં વહેતાં રસ, રક્ત, માંસ અને મેદ – આ ચારેય ધાતુઓને દૂષિત કરી એક સ્થળે રોકી રાખે છે અને તેની સાથે વાયુ, પિત્ત અને કફદોષ પણ પોતાના હીન, મિથ્યા અને અતિયોગથી ત્વચા ઉપર દોડતાં અને જલદીથી ફેલાતાં મંડળો (ચકરડાં) બનાવે છે. તેને ‘વિસર્પ’ અને લોકભાષામાં ‘રતવા’ કહે છે. આધુનિક વિજ્ઞાન તેને Erysipelas  ઇરિસિપેલસ’ કહે છે. આ રોગમાં ત્વચા નીચેની કલામાં ઊપસે નહિ તેવો સોજો ને સર્વાંગમાં ફેલાવો ખાસ થાય છે.

રોગ થવાનાં કારણો : જે માણસ અતિ ખારા, ખાટા, તીખા અને તીક્ષ્ણ મસાલા જેવા ગુણમાં ગરમ પદાર્થોનું વધુ પડતું સેવન કરે છે, તેનાથી શરીરના વાત, પિત્ત અને કફદોષ પ્રકુપિત થઈને ચરક મતે સાત અને સુશ્રુત મતે પાંચ પ્રકારના ‘વિસર્પ’ રોગ પેદા કરે છે. દોષોની વિકૃતિ ઉપરાંત કંઈ વાગવાથી ‘ક્ષતજ’ નામનો એક પ્રકાર પણ તેમાં આવી જાય છે.

રોગના પ્રકારો : મહર્ષિ ચરકે આ રોગના બાહ્ય અને આભ્યંતર એવા બે પ્રકારો કહ્યા છે. ચરકે દોષોની દૃષ્ટિએ તેના 7 પ્રકારો ગણાવ્યા છે. એક એક દોષથી થતા વાતજ, પિત્તજ અને કફજ = 3; બે બે દોષોથી થતા વાત-પિત્તજ, વાત-કફજ, પિત્ત-કફજ; અને ત્રિદોષજ. વાત-પિત્તદોષજ વિસર્પને ‘આગ્નેય’; કફ-વાતજ પ્રકારને ‘ગ્રંથિક’ અને પિત્ત-કફજ પ્રકારને ‘કર્દમક’ કહે છે. સુશ્રુતે વાતિક, પૈત્તિક, કફજ, ત્રિદોષજ અને ક્ષતજ (વાગવાથી થતો)  એમ 5 પ્રકારના વિસર્પ ગણાવ્યા છે. આધુનિક મતે વિસર્પ રોગ ચિરકાલીન પ્રમેહ (ડાયાબિટીસ), વિષમાગ્નિ (પાચનશક્તિની અનિયમિતતા) અને દારૂના વધુ પડતા સેવનથી, દૂષિત વાયુ કે પર્યાવરણમાં રહેવાથી તથા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી ઉત્પન્ન થાય છે. આ રોગ મુખ્યત્વે શરીરની બહારની ત્વચામાં પ્રગટે છે. તે ઉપરાંત તે ત્વચા નીચેની શ્લેષ્મકલા (મેમ્બ્રેઇન), હૃદયાવરણ, ફેફસાંના બાહ્ય પટલ, મગજનું બહારનું આવરણ (પડદો) તથા મગજ જેવા શરીરના અંદરનાં અંગો અને રક્તમાં પ્રવેશ કરી જાય છે. વિસર્પને ‘પરિસર્પ’ નામે પણ ઓળખવામાં આવે છે.

પ્રકારો મુજબ રોગલક્ષણો : (1) વાતજ વિસર્પ : આ પ્રકારના રતવામાં વાતજ્વર(તાવ)ના જેવી અંગપીડા, સોજો, સોજામાં સોય ભોંકાવા જેવી (તોદ્વત્) પીડા, ફરકાટ, ભેદાવાની પીડા, થાક અને રોમાંચ(રૂંવાડાં ઊભા થવાં)નાં લક્ષણો થાય છે. (2) પિત્તજ વિસર્પ : આ પ્રકારનો રતવાનો સોજો રંગે લાલ થાય છે ને તે બધે પ્રસરે છે. તેમાં ગરમીના (પિત્તજ) તાવનાં લક્ષણો થાય છે ને તે ઝડપથી બધે પ્રસરે છે. (3) કફજ વિસર્પ : આ પ્રકારમાં સોજાનો બાહ્ય દેખાવ સ્નિગ્ધ, સફેદ-ચળકતો તથા ચળ(ખૂજલી)વાળો હોય છે. તેમાં દર્દીને કફના તાવ જેવી પીડા થાય છે. (4) ત્રિદોષ વિસર્પ : ત્રણેય દોષોથી ઉત્પન્ન વિસર્પમાં વાયુ, પિત્ત અને કફ ત્રણેયનાં થોડાં થોડાં મિશ્ર લક્ષણો જોવાં મળે છે; જેમ કે, તાવ, ઊલટી, મૂર્છા, ઝાડા, તૃષા, ચકરી, હાડકામાં દુ:ખાવો, મંદાગ્નિ, આંખે અંધારાં, ભ્રમણા (ચકરી) અને અન્નદ્વેષ (અરુચિ). (5) આગ્નેય વિસર્પ (આગિયો  વાત + પિત્તજ કે દાઝિયો રતવા) : આ પ્રકારમાં આખું શરીર અગ્નિમાં બળતું હોય તેવી પીડા થવા સાથે દર્દ જ્યાં ત્યાં ઝડપથી ફેલાય છે. જ્યાં તે ફેલાય છે, તે ભાગ કાળો કોલસા જેવો, આસમાની ભૂરા રંગનો કે રાતા રંગનો થઈને સૂજી જાય છે. અગ્નિથી દાઝ્યા પ્રમાણે શરીરની ઉપર પાતળી ત્વચાવાળા ફોલ્લા ઊપસી નીકળે છે અને તે ઝડપી ગતિથી છેક હૃદય સુધી પહોંચે છે. તે બળવાન થતાં શરીરને વધુ પીડાકારી બને છે. આ પ્રકારથી નિદ્રા અને સ્ફૂર્તિનો નાશ થાય છે, શ્વાસ વધે છે, ઝાડા, તૃષા, મંદાગ્નિ તથા હેડકી થાય છે. ભોંય પર કે પથારીમાં બેસતાં દર્દીને સુખ-ચેન મળતું નથી. દર્દ હરતાં-ફરતાં વધે છે, મનને તથા શરીરને સંતાપ (બેચેની) ખૂબ રહે છે અને ગંભીર સ્થિતિમાં રોગીને મરણરૂપી ગાઢ નિદ્રા આવે છે. (6) ગ્રંથિજ વિસર્પ (કફ-વાતદોષજ કે ગાંઠિયો રતવા) : પોતાનાં કારણોથી પ્રકુપિત કફથી આવૃત્ત વાયુદોષ કફને શરીરમાં ફેલાવીને અથવા જેના શરીરમાં રક્ત વધી ગયું હોય તેની ત્વચા, શિરા, સ્નાયુ અને માંસમાં રહેનારા રક્તને બગાડીને શરીર પર લાંબી, નાની, ગોળ અથવા મોટી અને ખરબચડી, લાલ રંગની કઠણ ગ્રંથિ(ગાંઠ  tumour)ઓની માળા (હરોળ) પેદા કરે છે. આ ગાંઠથી પીડા થાય છે અને તાવ પણ રહે છે. આ લક્ષણો ઉપરાંત ખાંસી, શ્વાસ, ઝાડા, મુખ સુકાવું, હેડકી, ઊલટી, ચકરી, ભ્રમ, શરીરનો રંગ બદલાઈ જવો, મૂર્છા, અંગમાં પીડા અને મંદાગ્નિ જેવા કફ અને વાયુદોષના ઉપદ્રવો થાય છે. અંગોમાં વધુ ગાંઠો થવાથી તેને ગાંઠિયો રતવા કે ગ્રંથિજ વિસર્પ કહે છે. (7) કર્દમ વિસર્પ (કફ-પિત્તજ કે કાદવિયો રતવા) : આ પ્રકારમાં તાવ, અંગોનો જકડાટ (સ્તબ્ધતા), નિદ્રા, તન્દ્રા, મસ્તકપીડા, અંગોમાં શિથિલતા તથા અંગો અહીં-તહીં ફેંકાવાં, શરીર પર ભીના લેપ જેવો અનુભવ થવો, અરુચિ, ભ્રમ (ચક્કર), મૂર્છા, જઠરાગ્નિ-નાશ, હાડકામાં દુ:ખાવો થવો, ઇંદ્રિયો ભારે થવી, ઝાડા વાટે આમ (જળસ-ચીકાશ) પડવો, મૂત્રમાર્ગ કફથી ખરડાવો વગેરે લક્ષણો થાય છે. આ પ્રકારનો રોગ શરૂઆતમાં પ્રથમ હોજરીમાં થઈને બધે ફેલાય છે. તેમાં પીડાનું પ્રમાણ ઓછું હોય છે. ગાંઠ ઉપર પીળી, લાલ અને સફેદ ફોલ્લીઓ ઊઠે છે. આ વિસર્પનો રંગ ચળકતી શાહી જેવો કાળો, લગાર મલિન, સૂજેલો, જડ, અંદરથી પાકેલો તથા ઘણી બળતરા(દાહ)વાળો હોય છે. આંગળીથી દાબતાં અંદરથી રસીથી ભીનો સ્રાવ નીકળે છે અને ત્વચામાં ચીરા પડે છે; એટલું જ નહિ, પણ રોગની ગાંઠમાં માંસ ગળીને ચીકણા કાદવ જેવું થાય છે અને નીચેની નસો તથા સ્નાયુ ઘણીવાર ઉઘાડાં પડી જઈ, તેમાંથી મુડદા (લાશ) જેવી દુર્ગંધ આવે છે. આ પ્રકાર જીવલેણ ગણાય છે. (8) ક્ષતજ વિસર્પ (માર ચોટથી થયેલ રતવા) : શરીર પર બહારથી કંઈ શસ્ત્ર (હથિયાર) કે અન્ય ચીજવસ્તુ (દાંત, નખ) વાગવાથી પિત્ત દોષ પ્રકુપિત થઈ વાયુ અને લોહીને બગાડીને ક્ષતજ રતવા પેદા કરે છે. આ રોગથી પ્રભાવિત (ક્ષતજ) પ્રદેશમાં મઠ, અડદના દાણા કે મસૂરના દાણા જેવડી લાલ-કાળા રંગની ફોલ્લીઓ ત્વચા પર થાય છે. અંગ પર સોજો આવે છે અને શૂળ (સણકા) થાય છે; તાવ, પાક અને બળતરા થાય છે. આ પ્રકારમાં લોહી વધુ પડતું કાળું હોય છે. આ પ્રકારના રતવામાં ઝાડા, ઊલટી, ત્વચાનું માંસ ફાટવું (ચીરા પડવા), શ્રમ વિના થાક, અરુચિ અને ભોજન બરાબર ન પચવું  એવાં લક્ષણો પણ થાય છે. શસ્ત્ર વાગવાથી, ઑપરેશનથી, શિશુ-બાળકની નાળ કાપતાં તથા વિવિધ બળિયાઓરીની રસી દેતાં થતા ક્ષતથી પણ આ રોગ થઈ શકે છે. આધુનિક વિજ્ઞાન બધી જાતના વિસર્પમાં મુખ્ય કારણ આગંતુક ‘ક્ષત’ને ગણે છે; જ્યારે આયુર્વેદ નિજ (દોષજ) અને આગંતુક (ક્ષત) બંનેને રોજગનક ગણ્યો છે.

રોગના ઉપદ્રવો : વિસર્પ (રતવા) રોગમાં તાવ, ઊલટી, શ્રમ વિના થાક, ખોરાક ન પચવો કે ગાંઠ કે સોજો ન પાકવાં; ત્વચા અને માંસ ગળી જવાં (કાદવ-સ્રાવયુક્ત), અરુચિ, ફેફસામાં સોજો, તીવ્ર વિષાક્તતા (ઝેર-ફેલાવો), લસિકા અવરોધ અને તીવ્ર વૃક્ક(કિડની)નો સોજો  એ લક્ષણો જોવાં મળે છે.

અસાધ્ય રોગ : વધુ ઉપદ્રવયુક્ત ગ્રંથિ વિસર્પ, ક્ષતજ વિસર્પ, ત્રિદોષજ અને પિત્તજ પ્રકારમાં જે રોગીનું શરીર મેંશ જેવું કાળું થઈ ગયું હોય તે બધા પ્રકારો અસાધ્ય છે. બાકીના સાધ્ય, કષ્ટસાધ્ય કે યાપ્ય છે.

વિસર્પ રોગચિકિત્સા : સિદ્ધાંત : રોગમાં ચિકિત્સા-દોષ મુજબ જે જરૂરી હોય તે અપાય છે; જેમ કે, લંઘન, રુક્ષણકર્મ, વમન, વિરેચન, લેપ, શેક, રક્તમોક્ષણ વગેરે કરાવવામાં આવે છે. કફદોષની પ્રધાનતાના વિસર્પમાં કે સામદોષ કફસ્થાનમાં હોય ત્યારે લંઘન તથા પછી વમનપ્રયોગ ઉત્તમ છે. આહાર-ઔષધમાં કડવો રસ, તૂરો રસ ઉત્તમ છે. લેપ માટે રૂક્ષ અને શીતવીર્ય દ્રવ્યો વાપરવાં જરૂરી છે. પિત્તદોષપ્રધાન પ્રકારમાં  સામદોષ પિત્તસ્થાનમાં ગયો હોય તો પ્રથમ લંઘન, પછી વિરેચન અને રક્તમોક્ષણ તથા કડવા આહાર-ઔષધનું સેવન કરવામાં આવે છે. વાતદોષપ્રધાન પ્રકારમાં પ્રથમ રુક્ષ (લૂખી) ઔષધિ દ્વારા શુષ્કતા કરાય છે; જેથી રસ, રક્ત, લસિકાગત જલીયાંશ ઘટે. જો રક્ત કે પિત્તપ્રધાન રોગ હોય તો શરૂઆતમાં સ્નેહન-પ્રયોગ કરાતો નથી. (1) વાતપ્રધાન વિસર્પની ચિકિત્સા : કડવા (તિક્ત) ઘૃતનું સેવન તથા વિરેચન કરાય છે. બૃહદ્ કે લઘુપંચમૂળથી સિદ્ધ ઘી કે કાઢાનું સેવન કરવામાં આવે છે. આ વિસર્પમાં  રાસ્ના, નીલકમળ, લાલ ચંદન, દેવદાર, જેઠીમધ અને બલાનું ચૂર્ણ ઘી અને દૂધની સાથે વાટી તેનો લેપ કરાય છે કે બલાતેલ લગાવવામાં આવે છે. વળી બલારિષ્ટનું પાન પણ થાય છે. (2) પિત્તજ વિસર્પ : કમળ, મજીઠ, કમળકાકડી (મીંજ), વાળો, લાલ ચંદન, જેઠીમધ તથા નીલોફરનું કે દશાંગ-લેપનું ચૂર્ણ દૂધમાં વાટીને રોગ પર તેનો લેપ કરાય છે, કે સો વાર ધોયેલું ઘી ચોપડાય છે, અથવા શંખ, લીલ, કમળનાં મૂળ પાસેનો કીચડ તથા સોનાગેરુ અને ઘી સાથે વાટી તેનો લેપ લગાડાય છે. પટોલાદિ ક્વાથ અથવા ગુડ્ચ્યાદિ ક્વાથનું સેવન પણ કરાય છે. ગંધક રસાયનની ગોળી જમ્યા પછી 12 લેવામાં આવે છે. દર્દીને મોતી-પિદૃષ્ટિ, પ્રવાલ-પિદૃષ્ટિ, ગળોસત્વ, દ્રાક્ષની ચટણી કે મલાઈ સાથે દેવાય છે કે એલાદ્યરિષ્ટ અપાય છે. ચેપિયા કે કાદવિયા રતવા ઉપર પીપળાના ઝાડની બહારની છાલ અને રતાંજળીના ચૂર્ણનો લેપ કરાય છે. દાઝિયા રતવા ઉપર ગુલે અરમાની (કેલેમાઇન પાઉડર) અથવા સોનાગેરુ અને ગુલાબજળ મિશ્ર કરી અથવા કરંજ તેલ + નિમ્બ તેલ ચોપડાય છે. અથવા ગુલે અરમાની માટીમાં તાંજળિયાની ભાજીનો રસ ઉમેરી લેપ કરાય છે. પહાડિયા રતવા ઉપર મરી કંથારનું મૂળિયું કે અશ્વગંધાનું મૂળ કે રતવેલિયાનું મૂળ પાણીમાં ઘસી ચોપડાય છે. (3) કફજ વિસર્પ : આમાં આરગ્વધાદિ કે અજગંધાદિ લેપ કરાય છે અથવા દોષઘ્ન લેપ પાણીમાં ગરમ કરી લગાડાય છે અથવા ખેરછાલ, મોથ, અરડૂસાની છાલ, અમલતાસનાં પાન, દેવદાર, અનંતમૂળના ચૂર્ણમાં ગોમૂત્ર મેળવી વાટીને તેનો લેપ થાય છે. ખદિરારિષ્ટ સવાર-સાંજ પિવડાવાય છે. વળી કિશોર કે ત્રિફળા ગૂગળની 2-2 ગોળી પાણીમાં લેવાય છે. મહાતિક્ત ઘૃત પણ વપરાય છે. સર્વ પ્રકારના વિસર્પમાં પટોલાદિ ક્વાથ, ગુડ્ચ્યાદિ ક્વાથ, હ્રીબેરાદિ ક્વાથ, ભૂનિમ્બાદિ ક્વાથ, મુસ્તાદિ કષાય, ગંધકરસાયન, પંચતિક્ત ઘૃત, નવકષાય ગૂગળ, ચંદ્રકલારસ, ઉશીરાસવ, મુક્તાભસ્મક કામ દુધારસ, પંચક્ષીરી વૃક્ષોની છાલનો ક્વાથ અપાય છે.

પરેજી : આ રોગમાં દાહ કરનાર અન્નપાન, વિરુદ્ધાહાર, દિવસની નિદ્રા, ક્રોધ, તડકાનું તથા તીવ્ર હવાનું સેવન, ઊલટીનાં પ્રવૃત્ત વેગ તથા પંચકર્મનો અતિયોગ ત્યાજ્ય છે. આ રોગમાં જૂના ઘઉં, જવ, કાંગ, સાઠી ચોખા, શાલી ચોખા, મગ, મસૂર, ચણા, તુવેર, માખણ, કાળી દ્રાક્ષ, ઘી, દાડમ, આમળાં, ખેરછાલ, ચંદન, નાગકેસર, કપૂર, સુગંધી વાળો, મોથ જેવાં દ્રવ્યોનો ખાવામાં તથા ઔષધમાં ઉપયોગ કરાય છે. રોગમાં જો જંતુ-ઉપદ્રવ જણાય તો તેના નાશ માટે અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણોની સારવાર અપાય છે. રોગનું સ્થાન હાથ-પગમાં હોય ત્યારે રક્તમોક્ષણ ક્રિયા થોડા પ્રમાણમાં અમુક દિવસોના આંતરે કરાવાય છે. ગંભીર સ્થિતિમાં અનુભવી વૈદ્યનું વ્યક્તિગત માર્ગદર્શન લઈ, તેમની નીચે સારવાર કરાવવી વધુ હિતાવહ છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા