વિસનગર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 72° 33´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 493 ચોકિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામાં વિસનગર શહેર અને 60 ગામડાં આવેલાં છે.
આ તાલુકાનો ઉત્તર વિભાગ સમતળ છે, જ્યારે દક્ષિણ ભાગ અસમતળ અને જંગલરહિત છે. અહીંનાં ઉનાળા-શિયાળાનાં સરેરાશ મહત્તમ-લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 35° સે. અને 22° સે. તથા 25° સે. અને 15° સે. જેટલાં રહે છે. મે માસમાં ક્યારેક 40°થી 42° સે. જેટલું તાપમાન થઈ જાય છે, એ જ રીતે જાન્યુઆરીમાં ક્યારેક લઘુતમ તાપમાન 9°થી 11° સે. જેટલું પણ થઈ જાય છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 450 મિમી. જેટલો પડે છે, વરસાદી દિવસોની સંખ્યા 25 છે.
તાલુકામાં જંગલોનું પ્રમાણ ખાસ જોવા મળતું નથી, તેમ છતાં વનીકરણની યોજના અનુસાર રેલમાર્ગ અને સડકમાર્ગની બાજુઓમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. ખેતરોમાં શેઢા પર તેમજ ગામડાંને ગોંદરે પીપળો, પીપર, લીમડો, આંબલી, ખીજડો, બાવળ, ગાંડો બાવળ જેવાં વૃક્ષો જોવા મળે છે. તાલુકામાં ગાયો, ભેંસ, ઘેટાંબકરાં, ઘોડા, ગધેડાં, ઊંટ જેવાં પાલતુ પશુઓ છે.
તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બીજા લોકો ગૃહઉદ્યોગો, વેપાર, વાહનવ્યવહાર, સરકારી કે ખાનગી નોકરીઓમાં રોકાયેલા છે. તાલુકાના મોટાભાગના ઉદ્યોગો વિસનગર ખાતે આવેલા છે. તાલુકાની કુલ વસ્તી 2000 મુજબ 2,53,641 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. અહીં 75 % લોકો ગામડાંમાં અને 25 % લોકો શહેરમાં વસે છે. તાલુકામાં 281 કિમી.ના પાકા અને 20 કિમી.ના કાચા રસ્તાઓ છે. તાલુકામાં છ જેટલાં રેલમથકો આવેલાં છે. રાજ્યપરિવહનની બસોની સેવા અહીંનાં મોટાભાગનાં ગામોમાં ઉપલબ્ધ છે.
શહેર : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું (તાલુકા)મથક અને તાલુકાનું એકમાત્ર મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 21° 34´ પૂ. રે. પર મહેસાણાથી પૂર્વમાં 20 કિમી. દૂર આવેલું છે. આ શહેરનું નામ રાજા વિસલદેવ વાઘેલા(1241-1261)ના નામ પરથી પડેલું છે. બીજો એક મત એવો પણ પ્રવર્તે છે કે તેની અજમેરના વિશળદેવ ચૌહાણે સ્થાપના કરી હતી. આ શહેરમાં વિસનગરા નાગરોની ઘણી વસ્તી છે. શહેરની વસ્તી કુલ 73,490 (2001) છે. અહીં દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 934 જેટલી છે.
આ શહેરમાં તાંબા-પિત્તળ અને ઍલ્યુમિનિયમનાં વાસણોનો ઉદ્યોગ ઘણા વખતથી ચાલ્યો આવે છે. અહીં સહકારી ક્ષેત્રની સૂતરમિલ, પૂંઠાનું કારખાનું, કૃષિસાધનોનું ઉત્પાદન કરતાં કારખાનાં, સ્ટીલના રાચરચીલાનાં કારખાનાં, ઇજનેરી માલનાં કારખાનાં, ઍલ્યુમિનિયમનાં કારખાનાં, વિલાયતી નળિયાંનાં કારખાનાં, હીરાના ગૃહઉદ્યોગો, રંગનું કારખાનું, તેલમિલો, કઠોળની મિલો, હાથસાળના વણાટ-એકમો આવેલા છે.
અહીંના માર્કેટયાર્ડમાં ગ્રામવિસ્તારમાંથી અનાજ, જીરું અને વરિયાળી વેચાણ અર્થે આવે છે. અહીં માલ ભરવાનાં ગોદામો છે. વેપારીઓ, ઉદ્યોગકારો, ખેડૂતો તેમજ અન્ય લોકોની સુવિધા માટે અહીં વાણિજ્ય અને સહકારી બૅંકની શાખાઓની સેવાઓ ઉપલબ્ધ છે.
આ શહેર મહેસાણા-તારંગા મીટરગેજ રેલમાર્ગનું રેલમથક છે. રાજ્ય-પરિવહનની બસો મારફતે તે મહેસાણા, વડનગર, ખેરાળુ, સિદ્ધપુર, વિજાપુર, માણસા, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સૂરત વગેરે શહેરો સાથે જોડાયેલું છે.
વિસનગર આ વિસ્તારનાં અન્ય શહેરો અને ગામો માટેનું મહત્વનું વિદ્યાકેન્દ્ર છે. અહીં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કૉલેજ-શિક્ષણની વ્યવસ્થા છે, ઔદ્યોગિક તાલીમકેન્દ્ર, ત્યક્તા બહેનોનું વિકાસગૃહ તેમજ પુસ્તકાલયો પણ આવેલાં છે. તાર-ટપાલ-ટેલિફોનની સુવિધા અહીં ઉપલબ્ધ છે.
શહેરમાં એક જર્જરિત કિલ્લો આવેલો છે. અહીંની હીરાવાવ ઘણી પ્રાચીન ગણાય છે. ડેલિયા, પિંઢારા તળાવો આવેલાં છે. જલેશ્વર, સિદ્ધેશ્વર, નીલકંઠેશ્વર, હાટકેશ્વર જેવાં શિવાલયો ઉપરાંત સ્વામીનારાયણ મંદિર, હનુમાનજીનું મંદિર, હરિહરલાલજીનું મંદિર, અંબાજીનું મંદિર તથા જૈનમંદિરો અને મસ્જિદો આવેલાં છે. શહેરમાં જન્માષ્ટમીનો મેળો પણ ભરાય છે.
શિવપ્રસાદ રાજગોર