વિસડન ટ્રૉફી : ‘ધ વિસડન ક્રિકેટર્સ એલ્મનેક’ નામના ઇંગ્લૅન્ડના એક ક્રિકેટ વાર્ષિકને પ્રસિદ્ધ થયે સો વર્ષ થતાં 1964માં તેની ઉજવણી માટે શરૂ કરેલી ક્રિકેટ-ટ્રૉફી. એ ટ્રૉફીના નિમિત્તભૂત ઉપર્યુક્ત ક્રિકેટ વાર્ષિક અંકમાં ક્રિકેટ-વિષયક લેખો, મૅચોની માહિતી, સંદર્ભ-લેખો તથા આંકડાકીય માહિતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિકના પ્રકાશક જ્હૉન વિસડન હતા.

1963માં આ જગપ્રસિદ્ધ વાર્ષિકે શતાબ્દી ઊજવી. ‘વિસડન ક્રિકેટર્સ અલમનેક’ના પ્રકાશક જ્હૉન વિસડન ઍન્ડ કંપની માટે એ એક ઐતિહાસિક અને ગૌરવ લેવા જેવી ઘટના હતી. વિસડન વાર્ષિકના શતાબ્દી વર્ષની ઉજવણીની સ્મૃતિમાં સંચાલકોએ ‘વિસડન ટ્રૉફી’ની જાહેરાત કરી અને ઇંગ્લૅન્ડ તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં શ્રેણી જીતનાર ટીમને આ વિસડન ટ્રૉફી એનાયત કરવાનો નિર્ણય લેવાયો. એ જ સમયે વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં હતી. વિસડન કંપનીને વિસડન ટ્રૉફી માટે એમસીસી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની સંમતિ પણ મળી ગઈ.

વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમે ફ્રક વૉરેલના નેતૃત્વ હેઠળ સૌપ્રથમ ‘વિસડન ટ્રૉફી’ જીતવાનું માન મેળવ્યું હતું. ફ્રક વૉરેલ માટે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણી તેમની આખરી ટેસ્ટશ્રેણી હતી. કારકિર્દીની આખરી ટેસ્ટશ્રેણીમાં વિસડન ટ્રૉફી જીતવાની ઘટના તેમના માટે યાદગાર બની ગઈ. એ ટેસ્ટશ્રેણીની ઑવલના મેદાન પર રમાયેલી આખરી ટેસ્ટમૅચ વખતે તમામ ખેલાડીઓને ચાંદીની વિસડન ટ્રૉફી એનાયત કરવામાં આવી હતી. વિસડન કંપનીએ ‘વિસડન ક્રિકેટર્સ અલમનેક’ના સંપાદકને પણ ટ્રૉફી એનાયત કરીને તેમનું સન્માન કર્યું હતું.

1963થી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટશ્રેણી માટે એનાયત થતી વિસડન ટ્રૉફી હજીયે ચાલુ રહી છે.

ચાંદીની બનાવેલી મૂલ્યવાન વિસડન ટ્રૉફી આજે લૉર્ડ્ઝ મેદાન પર ‘ઇમ્પિરિયલ ક્રિકેટ મ્યુઝિયમ’માં કાયમી સંગ્રહના ભાગ તરીકે ગોઠવાયેલી છે.

જગદીશ બિનીવાલે