વિષ્ણુધર્મોત્તર પુરાણ

February, 2005

વિષ્ણુધર્મોત્તર પુરાણ : એક ઉપપુરાણ. એના અધ્યાયોની પુષ્પિકામાં એનું નામ ‘વિષ્ણુધર્મોત્તર’ જણાવાયું છે : इतिश्री विष्णुधर्मोत्तरेषु मार्कण्डेयवज्रसंवादे तृतीये काण्डे चित्रसूत्रे प्रथमोडध्यायः ।।1।। નારદીય પુરાણમાં (પૂર્વખંડ, અ. 94, શ્ર્લો. 17-20) ‘વિષ્ણુધર્મોત્તર’નો ઉલ્લેખ આવે છે, જેમાં વિવિધ ધર્મકથાઓ, પુણ્ય, વ્રતો, નિયમો, યમો વિશે વર્ણન આવે છે તેને ‘વિષ્ણુધર્મોત્તર’ નામ આપ્યું છે અને ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વેદાંત, જ્યોતિષ, વંશાખ્યાન, સ્તુતિઓ, મનુ-મન્વન્તરો વગેરે વિષ્ણુપુરાણનો ભાગ હોવાનું જણાવાયું છે.

ડૉ. બ્યૂહલરે ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’નો સમય ઈ. સ.ની 7મી સદીનો હોવાનું અને આ પુરાણની રચના કાશ્મીરમાં થઈ હોવાનું જણાવ્યું. હેમાદ્રિ, અપરાર્ક અને શંકરાચાર્યની ‘વિષ્ણુસહસ્રનામ’ અને ‘સનત્સુજાતીય’ પરની ટીકાઓ એને સ્વતંત્ર ગ્રંથ ‘વિષ્ણુધર્મોત્તર’ હોવાનું જણાવે છે. વિંટરનીત્ઝના મત પ્રમાણે ‘વિષ્ણુધર્મોત્તર’નું સંકલન ઈ. સ. 628 અને 1000ની વચ્ચે થયું હોવાનું જણાય છે. ‘વિષ્ણુધર્મોત્તર’માંના ‘અલંકાર’ (ખંડ 3, અધ્યાય 14) અને ‘પ્રહેલિકા લક્ષણ’(ખંડ 3, અ. 16)ના વિષયવસ્તુ સાથે ભામહના ‘કાવ્યાલંકાર’ અને દંડીના ‘કાવ્યાદર્શ’ના વિષયવસ્તુને સરખાવતાં ‘વિષ્ણુધર્મોત્તર’ની રચના ભામહ અને દંડીના સમય પહેલાં અને ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ પછી અર્થાત્ લગભગ ઈ. સ. 450થી ઈ. સ. 650 દરમિયાન થઈ હોવાનું કહી શકાય.

‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’ના ત્રણ ખંડ છે : પ્રથમ ખંડમાં 269 અધ્યાય છે.

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।

देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ।।

આ ખંડમાં હિરણ્યગર્ભની ઉત્પત્તિ, વરાહસ્વરૂપે વિષ્ણુએ કરેલો પૃથ્વીનો ઉદ્ધાર, જંબૂદ્વીપવર્ણન, ભારતવર્ષવર્ણન, સગરવર્ણન, મનુ-મન્વન્તરવર્ણન, શંકરગીતા, હિરણ્યાક્ષવધ, વિષ્ણુના નૃસિંહ અને વામન-અવતાર, વિષ્ણુનું દિવ્યવિભૂતિસ્વરૂપવર્ણન, પ્રલયકથા, બ્રહ્માની ઉત્પત્તિ, ખગોળવર્ણન, સ્વાયંભુવ મનુ, સોમવંશ, દક્ષ પ્રજાપતિ, અત્રિ, અગસ્ત્ય, પુરૂરવા-ઉર્વશી કથાનક, ભરતનું કથાનક, રાવણકથા, અયોધ્યાવર્ણન વગેરે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

ખંડ 2માં 183 અધ્યાય છે. એમાં ધર્મ અને રાજનીતિને લગતી માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. રાજલક્ષણ, પુરોહિત-મંત્રી વગેરેનાં લક્ષણ, રાજ્યાભિષેક-કાલનિર્ણય, સાધ્વીપ્રશંસા, અશ્વ અને હસ્તિચિકિત્સા, દંડપ્રશંસા, દાનમાહાત્મ્ય, આરોગ્ય-વ્રતવિધાન અને દ્રવ્યશુદ્ધિ જેવા વિભાગો તેમજ ચાર આશ્રમોને લગતા નીતિનિયમો વિશે ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે. આશ્રમવર્ણનમાં બ્રહ્મચર્યધર્મવર્ણન, ગૃહસ્થધર્મવર્ણન, વાનપ્રસ્થાશ્રમધર્મકથન, યતિધર્મનિરૂપણ વગેરેનો સમાવેશ થાય છે. ઔષધ વિશે પણ કેટલાક અધ્યાયો આવે છે. પૈતામહ સિદ્ધાંતનું શીર્ષક ધરાવતો ખગોળનો વિભાગ 9 અધ્યાયોમાં ગદ્યમાં છે.

ખંડ 3ની શારદા લિપિની લગભગ 300 વર્ષ જૂની હસ્તપ્રતમાં 3જા ખંડના 3થી 339 અધ્યાય છે. દેવનાગરી લિપિની લગભગ 150 વર્ષ જૂની બે હસ્તપ્રતોમાં અનુક્રમે 118 અને 120 અધ્યાયો છે. મુંબઈના વેંકટેશ્વર પ્રેસની પ્રકાશિત આવૃત્તિમાં 355 અધ્યાયો છે. આ ખંડમાં કલાના અભિગમો અને પરંપરાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ, છંદોવૈવિધ્ય, વાક્યપરીક્ષા, તંત્રશુદ્ધિ, પ્રાકૃતભાષા-લક્ષણ, સંસ્કૃત શબ્દકોશ, સાહિત્યશાસ્ત્ર, મહાકાવ્ય, રૂપકના પ્રકાર જેવા સંસ્કૃતવિદ્યાના અનેક વિષયોનું આલેખન કરાયું છે. કલાવિષયક અધ્યાયોમાં નૃત્તસૂત્ર, નૃત્યના ભાવો, આસનો, મુદ્રાઓ, વૃત્તિઓ, રસના પ્રકાર, રસદૃષ્ટિ, ચિત્રસૂત્રને લગતા અધ્યાયોમાં ચિત્રના પ્રકાર તથા ષડંગ, પરિમાણ, ચિત્રલક્ષણ, ચિત્રોમાં રંગવ્યતિકર, ચિત્રોત્પત્તિ, ચિત્રરસાભિવ્યક્તિ, ચિત્રોના ભેદ, આકૃતિચિત્રણ જેવા વિષયો વર્ણવાયા છે. મૂર્તિવિધાનને લગતા અધ્યાયોમાં પ્રતિમાનાં લક્ષણો, ત્રિમૂર્તિનિર્માણ, વિષ્ણુપ્રતિમા, વિષ્ણુની દશાવતાર પ્રતિમાઓ, શિવની રૌદ્ર અને સૌમ્ય પ્રતિમાઓ, લિંગમૂર્તિ, બ્રહ્માની પ્રતિમા, અષ્ટ દિક્પાલો અને નવગ્રહો વગેરે વિષયોનું આલેખન કરાયું છે.

આ ઉપરાંત પ્રાસાદલક્ષણને લગતા અધ્યાયોમાં પ્રાસાદનિર્માણમાં ઉપયોગી પદાર્થો, ભૂમિપરીક્ષા, પ્રતિમાપ્રતિષ્ઠાસમય, સામાન્ય પ્રાસાદલક્ષણમાં હિમવત્, માલ્યવત્, શૃંગવત્, આગાર, ભવન, ગૃહ, નિષધ, નીલ, શ્વેત, વિંધ્ય, વલભી જેવા 100 પ્રકારનાં મંદિરો અને સર્વતોભદ્રપ્રાસાદ નિર્માણ વિશે આલેખન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કલાવિષયક અધ્યાયો પછી આવતા અધ્યાયોમાં રાજપુરુષપ્રશંસા, શ્રાદ્ધવિધિ, ચાર આશ્રમવર્ણન, ષાડ્ગુણ્યવર્ણન, જ્યોતિષશાસ્ત્ર, ધનુર્વેદ, હંસગીતા અને અંતિમ 355મા અધ્યાયમાં નૃસિંહસ્તોત્રવર્ણન કરવામાં આવ્યું છે.

આમ વિષ્ણુધર્મોત્તર પુરાણના ત્રણેય ખંડોમાં અને તેમાંય વિશેષત: તૃતીય ખંડમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં બે મહત્વનાં પાસાં કલા અને ધર્મ વિશે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે અને પ્રાચીન  ભારતીય સંસ્કૃતિમાં કલા અને ધર્મનો ભાવાત્મક સમન્વય થયેલો છે તેનું અહીં દર્શન થાય છે.

ભારતી શેલત