વિષ્ણુદાસ (અનુમાને . . 1578-1612ના ગાળામાં હયાત) : 16મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીના પૂર્વાર્ધમાં હયાત મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિ, જે પ્રેમાનંદના પુરોગામી તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતી સાહિત્યના આખ્યાન-પ્રવાહમાં નાકર પછી નોંધપાત્ર પ્રદાન કરનાર આ કવિ ખંભાતના નાગર બ્રાહ્મણ છે. એમની સમયદર્શક કૃતિઓને આધારે એમનો કવનકાળ ઈ. 1578થી ઈ. 1612 સુધીનો અનુમાની શકાય.

નાકર અને પ્રેમાનંદ વચ્ચે કડીરૂપ આ આખ્યાનકવિએ નાકરની જેમ જ, એની ઢબે વિપુલ સંખ્યામાં આખ્યાનો રચ્યાં છે. મહાભારત, રામાયણ, ભાગવત જેવા પુરાણગ્રંથોને વિષય બનાવી વિષ્ણુદાસે જે આખ્યાનો રચ્યાં છે એમાં ઘણે ભાગે પૌરાણિક કથાઓને વફાદાર રહ્યા છે. પોતાની જુદી જુદી કૃતિઓમાં હરિ ભટ્ટ, ભૂધર વ્યાસ અને વિશ્વનાથ વ્યાસનો એમણે ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે. એના ઉપરથી કહી શકાય કે આ પુરાણીઓએ એમને કૃતિઓની રચનામાં સહાય કરી હશે.

વિષ્ણુદાસે મહાભારતનાં 15 પર્વ જેવા કે આરણ્યક પર્વ, સભા પર્વ, આદિ પર્વ, ઉદ્યોગ પર્વ, કર્ણ પર્વ, દ્રોણ પર્વ, ભીષ્મ પર્વ, શલ્ય પર્વ કે ગદા પર્વ વગેરેના અને રામાયણના છ કાંડ  અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, યુદ્ધ અને ઉત્તર – ના સારાનુવાદો આખ્યાનો રૂપે આપ્યા છે. એ જ રીતે જૈમિનિના અશ્વમેધને આધારે તેમણે 11 આખ્યાનો રચ્યાં છે; જેમાં ‘અનુશાલ્વનું આખ્યાન’, ‘ચંડી આખ્યાન’, ‘બભ્રૂવાહન આખ્યાન’, ‘લવકુશ આખ્યાન’, ‘મોરધ્વજ આખ્યાન’, ‘ચંદ્રહાસ આખ્યાન’ મુખ્ય છે. ભાગવતના દશમસ્કંધ ઉપર આધારિત ‘લક્ષ્મણાહરણ’, રામાયણના ઉત્તરકાંડની કથા પર આધારિત ‘હરિશ્ર્ચંદ્ર આખ્યાન’ અને નારદિક પુરાણ પર આધારિત ‘રુક્માંગદ આખ્યાન’ કવિની અન્ય આખ્યાનકૃતિઓ છે.

વિષ્ણુદાસને નામે ભક્ત કવિ નરસિંહના જીવનપ્રસંગોને વણી લેતું ‘કુંવરબાઈનું મોસાળું’ મળે છે. આ આખ્યાન એમણે રચ્યું હોવાનું વ્યાપક રીતે સ્વીકારાયું પણ છે; પરંતુ એમની અન્ય કૃતિઓમાં એ કૃતિનાં કડવાં, રાગ, પદસંખ્યા વગેરે વિશે વ્યવસ્થિત માહિતી આપે છે તેનો તથા અન્ય કૃતિઓમાં જોવા મળતા વલણ-ઢાળ-ઊથલાને જાળવતા કડવાબંધનો અહીં અભાવ જોવા મળે છે; તેથી તેમજ પ્રેમાનંદના ‘કુંવરબાઈના મામેરા’ની કેટલીક પંક્તિઓ એના એ રૂપે આ આખ્યાનમાં દેખાતી હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ કૃતિ પાછળથી કોઈએ વિષ્ણુદાસના નામે ચડાવી દીધી હોય. એ જ રીતે એના નામે મળતી ‘ઓખાહરણ’, ‘જાલંધર આખ્યાન’, ‘અંગદવિદૃષ્ટિ’, ‘દ્વારિકાવિલાસ’, ‘શિવરાત્રિની કથા’ કે ‘સુદામા ચરિત્ર’ની હસ્તપ્રતો પ્રાપ્ય બની નથી એટલે એની અધિકૃતતા શંકાસ્પદ બને છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિષ્ણુદાસ નામથી અન્ય ત્રણ કવિઓ મળે છે. ‘એકાદશી માહાત્મ્ય-ચોપાઈ’ (રચના ઈ. 1568) તથા કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં 5 પદોના રચયિતા વિષ્ણુદાસ, રામકબીર સંપ્રદાયની ઉદાધર્મ શાખાના સંત કવિ વિષ્ણુદાસ જેમની પાસેથી 7 કડવાનું ‘પદ્મનાભ આખ્યાન’ મળે છે તે અને 19મી સદીના પૂર્વાર્ધમાં થયેલા સંતરામ મહારાજના શિષ્ય જેમણે આત્મજ્ઞાનનો બોધ આપતો 33 કડીનો ‘કક્કો’ રચ્યો છે તે વિષ્ણુદાસ.

આ સહુમાં ખંભાતના નાગર બ્રાહ્મણ કવિ વિષ્ણુદાસનું પ્રદાન ગણનાપાત્ર છે. એમણે મૂળ કથાને અનુસરીને – સારાનુવાદ આપીને – પૌરાણિક પ્રસંગોને ગુજરાતીમાં ઉતાર્યા છે, એ એમની મધ્યકાળને મોટી સેવા છે. નાકર પછી રામાયણના કાંડો તથા મહાભારતના વિવિધ પર્વોને આખ્યાનો રૂપે સુલભ કરી આપીને વિષ્ણુદાસે તત્કાલીન ગુજરાતની સંસ્કારસેવા કરી પ્રજાના હૃદયને ભક્તિસભર તથા લીલછોયું રાખ્યું છે.

પ્રતિભા શાહ