વિષ્ણુ : હિંદુ ધર્મની દેવત્રયીમાંના એક વિશ્વના પાલક દેવ. ‘વિષ્ણુ’ શબ્દ विष् – વ્યાપવું ઉપરથી બનેલો છે. તેથી વ્યાપક પરમાત્મા તે વિષ્ણુ. પરમેશ્વરને નારાયણ સાથે જોડવામાં આવે છે તેથી તે પણ વિષ્ણુ. પરમેશ્વરનું સત્વગુણનું સ્વરૂપ તે વિષ્ણુ અને વિભૂતિમાં સૃદૃષ્ટિનું પાલન કરનાર સ્વરૂપ પણ વિષ્ણુ કહેવાય છે.
‘વિષ્ણુ’ શબ્દ विष् – વ્યાપવું ઉપરથી વિચારાય છે, તેમ विष् – સતત ક્રિયાશીલ હોવું એ ધાતુ ઉપરથી પણ નિષ્પન્ન થતો દર્શાવાય છે. विष् + नु એટલે સતત ક્રિયાશીલ.
‘વિષ્ણુસહસ્રનામ’ની ટીકામાં જણાવ્યા પ્રમાણે – चराचरणं भूतेषु वेशनात् विष्णुरुच्यते । વિશ્ પ્રવેશવું એ ધાતુ પરથી તે સિદ્ધ થાય છે.
‘વિષ્ણુ’ શબ્દ અનેકને વિશે પ્રયોજાય છે; જેમ કે (1) હિન્દુઓના મુખ્ય ત્રિદેવો પૈકીના એક, જે કશ્યપ અને અદિતિના પુત્ર તથા લક્ષ્મીપતિ છે અને સૃદૃષ્ટિના રક્ષક છે; (2) બાર આદિત્યોમાંનો પ્રથમ આદિત્ય કે જે કાર્તિક માસમાં સૂર્યમંડળનો અધિપતિ થાય છે ને અશ્વતર નાગ, રંભા અપ્સરા, ગંધર્વ અને યક્ષો સાથે ફરે છે. તેથી તેને ઉરુક્રમ પણ કહે છે; (3) ત્રણની સંજ્ઞાવાળા ભૃગુકુળના એક ઋષિ; (4) ધર્મશાસ્ત્રના રચયિતા એક પ્રાચીન ઋષિ, જેમણે સંસ્કાર અને આશ્રમધર્મનું પ્રતિપાદન કરતો સ્મૃતિગ્રંથ રચ્યો છે; (5) ગાયત્રીના ચોવીસ પૈકીના એક દેવતા; (6) આઠ વસુઓમાંનો એક; (7) અંગિરસ ગોત્રીય ભાનુ નામે અગ્નિનો તૃતીય પુત્ર. તેનું બીજું નામ ધૃતિમાન. દર્શપૌર્ણમાસયજ્ઞમાં તેને હવિષ્ય અર્પણ કરાય છે; (8) સાવર્ણિ મનુના પુત્રોમાંથી એક; (9) ધર્મ સાવર્ણિ મન્વન્તરના સપ્તર્ષિઓ પૈકી એક; (10) પાંડવપક્ષનો, ચેદીદેશનો એક ક્ષત્રિય, જેનો કર્ણે વધ કર્યો હતો; (11) તે નામે એક સ્મૃતિગ્રંથ; (12) તે નામે એક પુરાણ.
વળી, શિવ, ઇન્દ્ર, વસુદેવ વગેરેનું એક નામ વિષ્ણુ છે તથા નિત્યમુક્ત એવા વિષ્ણુની જેટલી મૂર્તિઓ છે, તે પણ વિષ્ણુ જ કહેવાય છે.
આ રીતે, ‘વિષ્ણુ’ શબ્દ અનેક અર્થો ધરાવે છે. પણ તે સર્વમાં, સૃદૃષ્ટિનાં રક્ષણની જવાબદારી સંભાળતા, ત્રિદેવમાંના એક દેવ તરીકે તેઓ સવિશેષ પ્રસિદ્ધ છે.
વૈદિક દેવો પૈકી વિષ્ણુ અને શિવ એ બે જ દેવો પ્રતિ ભારતીયો અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ ધરાવે છે ને તેથી જ આ દેવો ભારતીય સંસ્કૃતિના અવિભાજ્ય અંગ બની રહ્યા છે. જેમ વેદમાં નિર્દિષ્ટ રુદ્ર-શિવની પછી માનવાકૃતિ રૂપે ઉપાસના થતી રહી તેમ વિષ્ણુ પણ વૈષ્ણવસંપ્રદાયમાં માનવ રૂપે પૂજાવા લાગ્યા. પાછળથી તો પુરાણોમાં વિષ્ણુના વિવિધ અવતારો વર્ણવાયા છે. વેદમાં ખાસ મહત્વ નહિ પામેલા વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાયા છે.
ઋગ્વેદમાં વિષ્ણુનું સ્થાન કંઈક અંશે સાધારણ કોટિનું છે. અલબત્ત, તેમનું પોતાનું વ્યક્તિત્વ વિશેષ મહત્વવાળું જણાય છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવોની અપેક્ષાએ ખૂબ ઓછું મહત્વ ધરાવતા વિષ્ણુ અંગેનાં માત્ર પાંચ જ સૂક્ત મળે છે. તેમાં પણ તેમનું સ્વરૂપ કે કાર્યો સ્વતંત્ર રૂપે નિર્દેશાયાં નથી; પરંતુ સૂર્યના જ એક સ્વરૂપ તરીકે તથા ઇન્દ્રના સહાયક રૂપે તેમનું વર્ણન છે. કેટલાંક સૂક્તોમાં વિષ્ણુનું આંશિક રૂપે નિરૂપણ થયું છે, પરંતુ તેમનો નામનિર્દેશ કુલ મળીને 100થી વધુ વાર થયો નથી.
વિષ્ણુ અત્યંત તેજસ્વી તથા ઝડપી ગતિવાળા દેવ છે. તેમની વિશેષતાઓમાં ‘ઉરુગાય’ એટલે લાંબા ડગ ભરનાર તથા સમગ્ર વિશ્વને માપનાર એ બે બાબતો વિશેષ ઉલ્લેખનીય છે. તેઓ ‘ત્રિવિક્રમ’ છે. ત્રણ પગલાં દ્વારા તેમણે પૃથ્વીને માપી લીધી હતી. તેમનું તૃતીય ચરણ ઉચ્ચતમ સ્થાન છે, જે અગ્નિના ઉચ્ચતમ સ્થાનને સમાન છે; કેમકે, વિષ્ણુ અગ્નિના ઉચ્ચતમ સ્થાનને રક્ષે છે ને વિષ્ણુના ઉચ્ચતમ સ્થાન પર અગ્નિ રહસ્યાત્મક ગાયોની રક્ષા કરે છે.
વિષ્ણુનું ઉચ્ચતમ સ્થાન આકાશમાં સ્થિત નેત્રરૂપ છે, જ્યાં પુણ્યાત્માઓ આનંદ કરે છે અને જ્યાં મધુનો કૂપ છે તથા દેવો જ્યાં સુખપૂર્વક રહે છે. વિષ્ણુનો તે પ્રિય આવાસ છે. આ ઉચ્ચતમ સ્થાન પૂર્ણ પ્રકાશિત થઈ નીચેની તરફ પ્રકાશે છે અને આ વિષ્ણુના આવાસમાં ઝડપથી ગતિ કરનારી અનેક શિંગડાંવાળી ગાયો રહે છે. ઋગ્વેદમાં એક ઠેકાણે (1.156.5) તેમને ત્રણ નિવાસવાળા કહ્યા છે, જે વાસ્તવમાં ઘણુખરું અગ્નિનું વિશેષણ છે. ક્યાંક વિષ્ણુને પર્વત પર રહેનાર કહ્યા છે. (1.154)
ક્ષિપ્ર અને દ્રુતગામી વિષ્ણુ વૈશ્ર્વિક નિયમોનું પાલન કરનારા છે. તે દૃષ્ટિએ તેઓ અગ્નિ, સોમ, સૂર્ય, ઉષા વગેરેને સમાન છે. ડૉ. દાંડેકરના મતે વિષ્ણુ વંધ્યત્વ નિવારનારા દેવ છે. ગર્ભાધાન માટે અન્ય દેવો સાથે તેમનું આવાહન કરવામાં આવે છે. (7.36)
વિષ્ણુ એક પરાક્રમી દેવ છે. ઇન્દ્રે તેમને સાથે રાખી વૃત્રનો વધ કર્યો હતો (6.20). દાસોનો પરાજય તથા શંબરના 99 દુર્ગોનો ધ્વંસ તેમણે કર્યો હતો. તેમનું સૌથી મોટું પરાક્રમ ત્રણ પગલાંનું છે, તેમનાં ત્રણ પગલાં પૃથ્વી, દ્યુલોક અને અંતરિક્ષને વ્યાપી વળે છે. (1-22. 1-718). યાસ્કના પુરોગામી ઔર્ણવાભ (નિરુક્ત 12.19)ના મત મુજબ ત્રણ પગલાં દ્વારા સૂર્યનો ઉદય, મધ્યાહ્નની સ્થિતિ ને અસ્તનો અર્થ સમજાય છે, પરંતુ તૃતીય પદ એ ઉચ્ચતમ પદ હોઈ સૂર્યાસ્તનો અર્થ ઉચિત ન ગણાય. એક અન્ય દૃષ્ટિકોણ મુજબ ત્રણ પગલાં તે બ્રહ્માંડના ત્રણ વિભાગમાંથી પસાર થતા સૂર્યદેવના માર્ગરૂપ છે. મૅક્ડોનલ, શાકપૂણિ વગેરે ત્રિવિક્રમ દ્વારા પૃથ્વી, અંતરિક્ષ અને આકાશ – એ અર્થ સ્વીકારે છે.
વેદમાં લાંબાં વિશાળ પગલાંથી સમસ્ત વિશ્વને વ્યાપી જનાર સૂર્ય રૂપે વિષ્ણુનું સ્વરૂપ નિર્ધારિત કરાયું છે, તો બ્રાહ્મણ ગ્રંથોમાં વિષ્ણુનું કપાયેલું મસ્તક તે સૂર્ય છે એવો નિર્દેશ છે. વૈદિક કાળ પછી સ્વીકૃત વિષ્ણુનું સ્વરૂપ જોતાં, તેમના હાથમાં રહેલ ચક્ર સૂર્ય સમાન જણાય છે. તેમનું વાહન ગરુડ છે તેથી તેમનાં ‘ગરુત્મત્’, ‘સુપર્ણ’ વગેરે નામ પ્રચલિત થયાં છે. વક્ષ:સ્થલ પરનો કૌસ્તુભમણિ, હાથમાં રહેલ પદ્મ, પીતાંબર વગેરે બાબતો તેમના સૌરરૂપને સૂચવે છે. વિષ્ણુએ પોતાના 90 અશ્વોને તેનાં ચાર નામો સાથે એક પૈડાની જેમ ગતિશીલ કર્યાં. આનો અર્થ 360 દિવસના સૌર વર્ષનો જ હોઈ શકે.
બ્રાહ્મણ ગ્રંથોમાં વિષ્ણુને પૃથ્વી, અંતરિક્ષ તથા આકાશમાં પગલાં મૂકનાર કહ્યા છે. યજ્ઞ કરનાર આ ત્રણ પગલાંનું અનુસરણ કરે છે. વિષ્ણુના પરમ પદને મનુષ્યનું ચરમ અભીષ્ટ, સુરક્ષિત શરણસ્થલ માન્યું છે. (શતપથ બ્રાહ્મણ 1.9.3)
અવેસ્તાના એક સંસ્કરણમાં પ્રાપ્ત પૃથ્વીથી માંડીને સૂર્ય સુધી વિસ્તરેલ ‘અમ્ષસ્પન્દસ’નાં ત્રણ પગલાંનું નિરૂપણ વિષ્ણુનાં ત્રણ પગલાંને સમાન છે.
શતપથ બ્રાહ્મણ મુજબ યજ્ઞરૂપ વિષ્ણુ સૌપ્રથમ યજ્ઞનું મહત્વ સમજ્યા ને દેવોમાં મુખ્ય બન્યા. તેમનું ધનુષ્ય તૂટી જતાં મસ્તક કપાયું ને તે સૂર્યબિંબ બન્યું. તૈત્તિરીય આરણ્યક આ કથામાં ઉમેરો કરે છે કે વૈદ્ય અશ્ર્વિનોએ યજ્ઞનું મસ્તક પુન:સ્થાપિત કર્યું ને તેથી વિષ્ણુ દ્યુલોક પર પૂર્ણતયા વિજયી બન્યા.
યજ્ઞવિધિમાં વિષ્ણુ પરમ દેવ મનાયા છે. ઐતરેય બ્રાહ્મણ અનુસાર વિષ્ણુ સૌથી ઉચ્ચસ્થાને બિરાજે છે અને અગ્નિ સૌથી નિમ્ન સ્થાને. અન્ય દેવો તેમની મધ્યમાં રહે છે.
મૈત્રી ઉપનિષદમાં સૃદૃષ્ટિને ધારણ કરનાર અન્ન પરબ્રહ્મને ભગવાન વિષ્ણુ કહ્યા છે તો કઠોપનિષદમાં સાધકની આધ્યાત્મિક સાધનાનું અંતિમ શ્રેયસ્ વિષ્ણુનું પરમ પદ છે તેમ જણાવ્યું છે. ઉપનિષદનું પરબ્રહ્મ ને વૈદિક સાહિત્યમાં વર્ણિત વિષ્ણુનું પરમ પદ – એ બન્ને કલ્પનાઓમાં મળતાપણું છે ને તેથી જ પાછળથી સર્વમાન્ય દેવ તરીકે વિષ્ણુ પૂજાયા.
વેદમાં વિષ્ણુને સૂર્યના પર્યાયરૂપ માન્યા છે તો બ્રાહ્મણગ્રંથોમાં તેમને યજ્ઞના દેવરૂપ કલ્પ્યા છે. તે પછી યાજ્ઞિક વિધિ-વિધાનો અને કર્મકાંડમાં શ્રદ્ધા ઓછી થતાં, માત્ર વિષ્ણુની ઉપાસનાથી જ યજ્ઞનું ફળ મળે છે તેવી ધારણા બંધાઈ. તે દરમિયાન જ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ – એ ત્રિદેવની કલ્પના સાકાર થઈ અને તેમને ક્રમશ: સૃદૃષ્ટિના સર્જક, પાલક ને સંહારક રૂપે સ્થાપિત કરવામાં આવ્યા.
‘મહાભારત’માં વિષ્ણુ સમસ્ત સૃદૃષ્ટિના નિયન્તારૂપે તથા શાસનકર્તા દેવ રૂપે નિરૂપાયા છે. મહાભારતના બ્રહ્મદેવ પરમેશ્વરસંવાદમાં બ્રહ્મા પરમેશ્વરને નારાયણ, વિષ્ણુ, વાસુદેવ વગેરે નામોથી સંબોધે છે; તેથી જણાય છે કે આ ત્રણેય એકરૂપ જ છે. અનુગીતામાં વાસુદેવ અને વિષ્ણુનું સામ્ય સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે. ભગવદ્ગીતામાં અર્જુનને દર્શાવેલ વિરાટ રૂપે એ વાસુદેવનું મૂળ રૂપ છે તેમ કહ્યું છે, તો અનુગીતામાં ઉત્તંક ઋષિ સમક્ષ દર્શાવેલ તે જ વિરાટ રૂપને વિષ્ણુનું સાચું સ્વરૂપ કહ્યું છે. શાંતિપર્વમાં આવતી કૃષ્ણસ્તુતિમાં કૃષ્ણને વિષ્ણુના અવતાર કહ્યા છે.
વિષ્ણુનું પ્રાકૃતિક રૂપ જોકે સ્પષ્ટ નથી છતાં, એવું માનવાને પ્રમાણ મળી રહે છે કે તે મૂળમાં સૂર્ય રૂપ હશે. જે અતિ વેગવાન ગોળારૂપ તથા સમસ્ત વિશ્વને વ્યાપી વળનાર છે. વિષ્ણુ કે મહાવિષ્ણુ પરમ તત્વ કે પરમાત્મારૂપ છે ને તેઓ સર્વવ્યાપક ને સર્વશક્તિમાન હોઈ પોતે દેવાધિદેવરૂપ હોવા છતાં સ્વેચ્છાથી સ્થૂલ સૂક્ષ્મ રૂપે વિદ્યમાન થયા.
વિષ્ણુ-ઉપાસનાના ત્રણ સ્રોત જોવા મળે છે. મહાભારત અને તે પછીના કાળમાં પ્રચલિત વિષ્ણુ-ઉપાસનામાં વૈદિક વિષ્ણુની સાથે વાસુદેવ, કૃષ્ણ અને નારાયણના સ્વરૂપને પણ સમ્મિલિત કરાયું છે. પાણિનિના સમયમાં વાસુદેવની ઉપાસના કરાતી હોવાના નિર્દેશ ‘મહાભાષ્ય’માં (4.3.98) મળે છે. મહાભારતના શાંતિપર્વમાં નારાયણીય ઉપાખ્યાન દ્વારા નારાયણ-ઉપાસનાની જાણકારી મળે છે. તદનુસાર, સૃદૃષ્ટિના પરમાત્મા તે નારાયણ, જેમણે સૌપ્રથમ નારદને ધર્મનો ઉપદેશ કર્યો. આ જ ધર્મનું કથન નારદે હરિગીતા રૂપે જનમેજયને અને પાછળથી ભગવદ્ગીતા રૂપે શ્રીકૃષ્ણે અર્જુનને કર્યું હતું.
પૌરાણિક કાળમાં વિષ્ણુ સત્વગુણપ્રધાન દેવ મનાયા છે. તેઓ જગતનું સંચાલન ને પાલન કરનારા દેવ છે.
દેવી ભાગવતમાં જણાવ્યા મુજબ, પ્રલયકાળ દરમિયાન વડના પાંદડા ઉપર બાલમુકુંદ રૂપે વિષ્ણુ શયન કરે છે. તેમને જ્યારે પોતાના ઉદ્ભવ તથા પોતાના કર્તવ્ય વિશે પ્રશ્ન થયો ત્યારે સર્વસ્વરૂપને શાશ્વતકાલીન એવાં મહાદેવીએ ત્યાં પ્રગટ થઈ તેમને જણાવ્યું કે ‘પરમેશ્વરના તેજથી વિષ્ણુનો ઉદ્ભવ થયો છે. પરમેશ્વર જોકે નિર્ગુણ છે, પરંતુ સગુણ એવા વિષ્ણુમાં સત્વગુણ આગળ પડતો હોય છે. રજોગુણ-પ્રધાન બ્રહ્માની સર્જનશક્તિ વિષ્ણુને આધારે રહેલી છે. આ બધું સાંભળી વિષ્ણુ ધ્યાનમગ્ન થયા ને યોગનિદ્રામાં પોઢી ગયા.
વિષ્ણુપુરાણમાં જણાવાયું છે કે, વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. લક્ષ્મી તેમનાં ચરણ ચાંપે છે ને વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. તે પછી તપશ્ચર્યા દ્વારા વિષ્ણુનો અનુગ્રહ પામી બ્રહ્મા સૃદૃષ્ટિસર્જનની શક્તિ પામ્યા. આમ વિષ્ણુ એ આદિદેવ છે.
પુરાણોમાં વિષ્ણુનું શંખ-ચક્ર-ગદા-પદ્મધારી ચતુર્ભુજ સ્વરૂપ વર્ણવાયું છે, તેમણે ધારણ કરેલ પાંચજન્ય શંખ વિશે કહેવાયું છે કે તેમના સ્પર્શમાત્રથી મનુષ્ય શાણો બની જતો. વિષ્ણુનું વાહન ગરુડ છે ને સારથિ દારુક. તેમના અશ્વોનાં નામ છે – શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. વિષ્ણુનાં વિવિધ આયુધોમાં સુદર્શનચક્ર, કૌમોદકી, ગદા, નંદક તલવાર ને શાર્ઙ્ગ ધનુષ્ય મુખ્ય છે. સૂર્યના ચૂર્ણમાંથી વિશ્વકર્માએ બનાવેલ સુદર્શનચક્ર અથવા વજ્રનાભ શત્રુઓને મહાત કરવા માટે પ્રયોજાતું. તેના કેન્દ્રમાં રહેલ છિદ્ર દ્વારા તર્જની આંગળી પર ઘુમાવી તેને શત્રુ ઉપર છોડવામાં આવતું. આ આયુધ દુષ્ટોની દુષ્ટતાને સંહારતું, પરંતુ સજ્જનોને અગાઉથી જ અનિષ્ટના સંકેત આપતું હતું. કૌમોદકીનો અર્થ છે – વિષ્ણુના આયુધરૂપ (ગદા). ‘કુ’ એટલે પૃથ્વી અને મોદક એટલે ખુશ કરનાર. કુમોદક એ વિષ્ણુનું નામ છે. નંદક તલવાર ઇન્દ્રે વિષ્ણુને આપી હતી, જ્યારે શાર્ઙ્ગ ધનુષ્ય વિશ્વકર્મા તરફથી પ્રાપ્ત થયું હતું. તેને વૈષ્ણવ ચાપ પણ કહે છે.
વિષ્ણુનાં વિવિધ આભૂષણોમાં પીતાંબર, કૌસ્તુભમણિ, વનમાળા કે વૈજયન્તીમાળા, કિરીટ, કુંડળ અને શ્રીવત્સ મહત્વનાં છે. તે પૈકી શ્રીવત્સ એ વિષ્ણુના વક્ષ:સ્થળ ઉપરનું ચિહ્ન છે. ગુસ્સે થયેલા ભૃગુએ મારેલી લાતને લીધે આ ચિહ્ન પ્રાપ્ત થયું હોવાની કથા જાણીતી છે.
વિષ્ણુના વિવિધ ગુણોને આધારે તેમને વિવિધ નામ પ્રાપ્ત થયાં છે. ‘વિષ્ણુસહસ્રનામ’માં તેમનાં હજાર નામ નિરૂપાયાં છે. શ્રીમદભગવદ્ગીતા, વિષ્ણુસહસ્રનામ, અનુગીતા, ભીષ્મસ્તવરાજ અને ગજેન્દ્રમોક્ષ – એ પાંચ રચનાઓ ‘પંચરત્ન’ તરીકે ઓળખાય છે. વિષ્ણુના ભક્તો કે જેઓ વૈષ્ણવ કહેવાય છે, તેઓ આ પંચરત્નના પાઠમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે.
‘સ્ક્ધદપુરાણ’ના વૈષ્ણવખંડમાં (2.44) વિષ્ણુની ઉપાસના અંગેની વિશિષ્ટ વિગતો આપેલી છે. તદનુસાર, દરેક માસમાં ઉપાસના માટે પ્રયુક્ત વિષ્ણુનાં નામ, પુષ્પ, ફળ વગેરે દર્શાવેલ છે; જેમ કે :
ક્રમ | માસ | નામ | પુષ્પ | ફળ |
1. | કારતક | પુંડરીકાક્ષ વિષ્ણુ | અશોક | દાડમ |
2. | માગશર | મધુસૂદન | મલ્લિકા (મોગરો) | નારિયેળ |
3. | પોષ | ત્રિવિક્રમ | પાટલપુષ્પ | કેરી |
4. | મહા | વામનકરૂપ માયાવી | કદંબ | ફણસ |
5. | ફાગણ | શ્રીધર | કરેણ | ખજૂર |
6. | ચૈત્ર | હૃષીકેશ | જાઈ | તાડફળ |
7. | વૈશાખ | પદ્મનાભ | માલતી | આમળાં |
8. | જેઠ | દામોદર | કમળ | બિલ્વફળ |
9. | અષાઢ | કેશવ | નીલકમળ/પોયણું | નારંગી |
10. | શ્રાવણ | નારાયણ | જુઈ | સોપારી |
11. | ભાદરવો | માધવ | મોગરો | કરમદાં |
12. | આસો | ગોવિન્દ | પુન્નાગ | જાયફળ |
આ સાથે એમ પણ જણાવ્યું છે કે ભજનને અંતે જનાર્દનનું પૂજન કરવું.
‘અમરકોશ’માં વિષ્ણુનાં કુલ 46 નામ ગણાવાયાં છે; જેમાં નારાયણ, કૃષ્ણ, દામોદર, હૃષીકેશ, કેશવ, માધવ, પુંડરીકાક્ષ, ગોવિંદ, ગરુડધ્વજ, અચ્યુત, જનાર્દન, ચક્રપાણિ, પદ્મનાભ, વાસુદેવ, દેવકીનંદન, પુરુષોત્તમ, શૌરિ, વિશ્ર્વંભર, શ્રીવત્સલાંછન, વિશ્વરૂપ ઇત્યાદિ વિશેષ પ્રચલિત છે.
એવું મનાય છે કે, મહામેરુની ઉપર ઇન્દ્ર, અગ્નિ, યમ, શિવ, બ્રહ્મા વગેરેના લોકની સાથે વિષ્ણુલોક આવેલો છે.
દેવી ભાગવતના નવમા સ્કંધમાં જણાવ્યા પ્રમાણે વિષ્ણુને લક્ષ્મી ઉપરાંત ગંગા અને સરસ્વતી નામે અન્ય બે પત્નીઓ પણ છે. વિષ્ણુના પુત્ર વિશે કોઈ નિર્દેશ પ્રાપ્ત થતા નથી; પરંતુ વિષ્ણુની નાભિમાંથી બ્રહ્માનું સર્જન થયું હોઈ તેમને વિષ્ણુના પુત્ર માની શકાય. વળી, વિષ્ણુએ પોતાના મનથી એક પુત્ર ઉત્પન્ન કર્યો હતો. તેનું નામ વિરજસ્ હતું. તે ઉપરાંત, મહાવિષ્ણુના મોહિનીરૂપ ઉપર મુગ્ધ થઈ શિવે તેમની સાથે થોડો સમય સંસાર માંડ્યો હતો; જેનાથી શાસ્તા નામે પુત્ર જન્મ્યો હતો.
પુરાણોમાં નિરૂપિત ઘણાંખરાં યુદ્ધોમાં વિષ્ણુ સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. તે યુદ્ધો પૈકી કેટલાંક નીચે મુજબ છે
* મહાવિષ્ણુના કર્ણમેલથી જન્મેલા મધુ અને કૈટભ નામે રાક્ષસો જ્યારે બ્રહ્મા ઉપર આક્રમણ કરવા ઇચ્છતા હતા ત્યારે વિષ્ણુએ તેમને યુદ્ધમાં હણ્યા હતા.
* મહિષાસુરનો પ્રધાન અંધકાસુર દેવોને ખૂબ ત્રાસ પમાડતો હતો તેથી વિષ્ણુએ તેનો વધ કર્યો હતો.
* વૃત્રાસુર, રાહુ, નેમિ, સુમાલિ, માલ્યવાન વગેરે અસુરોને પણ વિષ્ણુએ યુદ્ધમાં પરાસ્ત કરી હણ્યા હતા.
વિષ્ણુ સાથે સંકળાયેલ એક વિશેષ ઉલ્લેખનીય બાબત છે તેમનું અવતારકાર્ય. પુરાણોમાં વિષ્ણુના વિવિધ અવતારોનો નિર્દેશ છે. પ્રલયજલથી મનુને બચાવનાર મત્સ્ય અને આદ્ય જલમાં ભ્રમણ કરનાર કચ્છપ એ બે સ્વરૂપનો નિર્દેશ શતપથ બ્રાહ્મણમાં છે; જે પાછળથી અવતારરૂપે પ્રસિદ્ધ થયા. વળી, પૃથ્વીના ઉદ્ધાર માટે તેઓ જળમાંથી બહાર આવ્યા તે કથનમાં તેમના વરાહ અવતારનો નિર્દેશ છે. મહાભારતમાં (શાંતિપર્વ – 326.35) જણાવ્યા મુજબ, દુષ્ટોના સંહાર માટે તથા સજ્જનોના રક્ષણ માટે લીધેલ પાર્થિવ રૂપને જ અવતાર કહેવામાં આવે છે. તે મુખ્યત્વે દસ છે વારાહ, નારસિંહ, વામન, પરશુરામ, દાશરથિ રામ, વાસુદેવ કૃષ્ણ, હંસ, કૂર્મ, મત્સ્ય અને કલ્કિ. જોકે, પ્રચલિત પરંપરા પ્રમાણે તો મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એ પ્રમાણે દસ અવતારોનો ક્રમ મનાય છે. કવિ જયદેવના ‘ગીતગોવિંદ’માં આ દશાવતારનું સુંદર નિરૂપણ કરાયું છે. ‘ભાગવતપુરાણ’માં વિષ્ણુના બાવીસ અવતારો દર્શાવ્યા છે તો હરિવંશ વગેરે પુરાણોમાં તો તેમના અનંત અવતારોનો નિર્દેશ છે. વિષ્ણુના અનેક અવતારો એ સરોવરમાંથી નીકળતા પ્રવાહોસમા છે. હજારો ઋષિઓ, મનુઓ, દેવો, માનવો, પ્રજાપતિ સર્વ મહાવિષ્ણુના અંશરૂપ છે.
પુરાણો અનુસાર, જુદા જુદા પ્રસંગે વિષ્ણુને શાપ પ્રાપ્ત થયા હતા. તેની વિગતો આ પ્રમાણે છે :
* મહાલક્ષ્મી સામે જોઈને એક વાર મહાવિષ્ણુ વિના કારણ હસ્યા ત્યારે મહાલક્ષ્મીએ તેમને શાપ આપ્યો કે, તમારું મસ્તક શરીરથી અલગ થઈ જાઓ.
હયગ્રીવ નામના અસુરે હજાર વર્ષ તપશ્ચર્યા કરી અનેક વરદાન મેળવ્યાં હતાં. તે પૈકી એક વરદાન એ હતું કે અશ્વમુખી માણસ દ્વારા જ તે હણાશે. વિષ્ણુ વગેરે દેવો તેનાથી પરાસ્ત થતાં ચિંતિત એવા વિષ્ણુનું શિર અકસ્માત જ પોતાના જ ધનુષ્યથી છેદાઈ જતાં, વિશ્વકર્માએ ઘોડાનું મુખ બેસાડ્યું, જેનાથી હયગ્રીવનો વધ થયો. તે પછી તેઓ પોતાનું મૂળરૂપ પામી વૈકુંઠ ગયા. આ રીતે, હયગ્રીવવધમાં મહાલક્ષ્મીનો શાપ નિમિત્ત બન્યો હતો.
* દેવો સાથેના યુદ્ધમાં પરાજિત અસુરોએ શુક્રાચાર્યની માતા પુલોમા પાસે જઈ રક્ષણ માગ્યું. ત્યાં ભૃગુપત્ની પુલોમાએ તપશ્ચર્યા આદરી, આ જાણી વિષ્ણુએ ચક્રથી તેનો શિરચ્છેદ કર્યો. આથી ગુસ્સે થયેલ ભૃગુએ વિષ્ણુને પૃથ્વી ઉપર માનવ રૂપે અવતરવાનો તથા પત્નીવિયોગ સહેવાનો શાપ આપ્યો. રામાવતારના મૂળમાં આ શાપ રહેલો છે.
* વિષ્ણુએ સંન્યાસીનું રૂપ લઈ વૃંદાને છેતરી હતી તેથી વૃંદાએ તેમને શાપ આપ્યો કે તેમની પત્ની પણ સંન્યાસી દ્વારા છેતરાશે. આ શાપ પણ રામાવતાર દરમિયાન સિદ્ધ થાય છે.
જાગૃતિ પંડ્યા