વિષ્ટુતિ : પ્રાચીન ભારતીય સામવેદના મંત્રોના ગાનનો એક પ્રકાર. જે સ્તુતિમાં મંત્ર, ગાન સાથે ન હોય તે ‘शस्त्र’ છે; તે ઋગ્વેદમાં હોય છે. ગાન સાથે હોય તે ‘स्तोत्र’ છે; તે સામવેદમાં છે. प्रगीतमन्त्रसाध्या स्तुतिः स्तोत्रम् । ઉત્તરગાનમાં એક સ્તોત્રમાં ત્રણ ઋચા હોય છે. સાયણાચાર્યનું કથન છે – ये तु मन्त्राः स्तोत्ररूपा उन्तरासु तृचेषु च । આ તૃચ(= ત્રણ ઋચા)વાળા સ્તોત્રનું આવૃત્તિપૂર્વકનું ગાન स्तोम કહેવાય છે. સાયણાચાર્યનું કથન છે – आवृत्तियुक्तं तत्साम स्तोम इत्यभिधीयते । આ આવૃત્તિપૂર્વકના સામગાન માટે विष्टुति શબ્દ છે. विष्टुति = વિશેષ સ્તુતિ. તેના પ્રકાર – ગાનપદ્ધતિ 28 છે. યજ્ઞમાં સામગાન હોય છે, ત્યારે તેમાં ‘બહિષ્પવમાન’ વગેરે 33 સ્તોત્ર હોય છે; તેમાં નવ સ્તોમ હોય છે; 28 વિષ્ટુતિઓ હોય છે. આ બધાંનું વિવરણ ‘તાંડ્ય મહાબ્રાહ્મણ’ના બીજા અને ત્રીજા અધ્યાયમાં અને તેના કુલ 12 ખંડોમાં (8 + 4) આપેલું છે. તેના પર આચાર્ય સાયણનું ભાષ્ય છે. સ્તોમ કુલ નવ છે, તે આ રીતે છે : ત્રિવૃત, પંચદશ, સપ્તદશ, એકવિંશ ત્રિણવ, ત્રયસ્િંત્રશ, ચતુર્વિશ, ચતુશ્ચત્વારિંશ અને અષ્ટચત્વારિંશ. સ્તોમની તૃચ ત્રણ પર્યાયોમાં ગવાય છે; જેમ કે, માધ્યંદિન પવમાન સ્તોત્ર. એ પંચદશ સ્તોમ છે. એમાં 15 આવૃત્તિ છે, એના ગાનની ત્રણ વિષ્ટુતિ છે, ગાનપદ્ધતિ છે : પંચપંચિની, અપરા અને ઉદ્યતી. તે આ રીતે સ્તોત્ર માધ્યંદિનપવમાન; સ્તોમ પંચદશ.
1લી ઋચા | 2જી ઋચા | 3જી ઋચા | ||
(1) પંચપંચિની | પ્રથમ પર્યાય | 3 વાર | 1 વાર | 1 વાર |
બીજો પર્યાય | 1 વાર | 3 વાર | 1 વાર | |
ત્રીજો પર્યાય | 1 વાર | 1 વાર | 3 વાર | |
(2) અપરા | પ્રથમ પર્યાય | 1 વાર | 3 વાર | 3 વાર |
બીજો પર્યાય | 1 વાર | 1 વાર | 1 વાર | |
ત્રીજો પર્યાય | 3 વાર | 1 વાર | 1 વાર | |
(3) ઉદ્યતી | પ્રથમ પર્યાય | 3 વાર | 1 વાર | 3 વાર |
બીજો પર્યાય | 1 વાર | 3 વાર | 1 વાર | |
ત્રીજો પર્યાય | 1 વાર | 1 વાર | 1 વાર |
બહિષ્પવમાન સ્તોત્ર ત્રિવૃત સ્તોમ છે. એની ત્રણ વિષ્ટુતિઓ છે : ઉદ્યતી, પરિવર્તિની અને કુલાયિની. આના પ્રયોગથી પર્જન્યનું વર્ષણ થાય છે.
રશ્મિકાંત પ. મહેતા