વિષ્કંભક : ભરતના નાટ્યશાસ્ત્ર મુજબ કથાનકને સૂચવવાની એક પ્રયુક્તિ. તે વિષ્કંભ એવા નામે ઓળખાય છે. તે અર્થોપક્ષેપકનો એક પ્રકાર છે. નાટ્યરચના કરતી વખતે નાટ્યની વાર્તામાં આવતી નીરસ કે ભરત દ્વારા નિષિદ્ધ કે અયોગ્ય ઘટનાઓ રંગભૂમિ પર ભજવી ન શકાય. આમ છતાં આ ઘટનાઓ રૂપકના કથાનકમાં પ્રેક્ષકોને જણાવવી પડે તેવી હોય તો તે ઘટનાઓ જણાવવાની પ્રયુક્તિને અર્થોપક્ષેપક કહે છે.

વિષ્કંભક નામના અર્થોપક્ષેપક દ્વારા ભૂતકાળમાં બની ગયેલી કે ભવિષ્યમાં બનનારી કથાનકની ઘટનાઓ સંક્ષેપમાં જણાવવામાં કે સૂચવવામાં આવે છે. તેના બે પ્રકારો છે : (1) શુદ્ધ વિષ્કંભક અને (2) મિશ્ર વિષ્કંભક. શુદ્ધ વિષ્કંભકમાં વાતચીત કરનારાં બંને પાત્રો મધ્યમ કક્ષાનાં હોય છે. જો એક પાત્રની એકોક્તિ હોય તો તે પાત્ર મધ્યમ પાત્ર જ હોવું જોઈએ. મધ્યમ પાત્ર રૂપકમાં સંસ્કૃત ભાષામાં જ બોલે છે તેથી શુદ્ધ વિષ્કંભક સંસ્કૃત ભાષામાં રચાયેલો હોય છે. મિશ્ર વિષ્કંભકમાં એક પાત્ર મધ્યમ કક્ષાનું અને બીજું અધમ કક્ષાનું હોય છે. આથી મધ્યમ પાત્ર સંસ્કૃતમાં અને અધમ પાત્ર પ્રાકૃત ભાષામાં બોલે છે. આમ પાત્રની કક્ષાઓ અને ભાષાઓનું મિશ્રણ મિશ્ર વિષ્કંભકમાં થાય છે માટે તેને મિશ્ર વિષ્કંભક કહે છે. વિષ્કંભક પહેલા અંકની પૂર્વે પણ આવી શકે છે અને બે અંકોની વચ્ચે તો આવે છે જ.

અર્થોપક્ષેપકનો બીજો પ્રકાર પ્રવેશક છે અને તે વિષ્કંભકથી ઘણી બાબતોમાં વિરોધી છે. વિષ્કંભક પહેલા અંકની પૂર્વે પણ આવી શકે છે, જ્યારે પ્રવેશક ફક્ત બે અંકોની વચ્ચે જ આવી શકે. પ્રવેશકમાં નીચલી કક્ષાનાં પાત્રો જ હોય છે, જ્યારે વિષ્કંભકમાં બંને પાત્રો મધ્યમ કક્ષાનાં હોય છે અથવા ઓછામાં ઓછું એક પાત્ર તો મધ્યમ કક્ષાનું હોવું જરૂરી છે. શુદ્ધ વિષ્કંભક સંસ્કૃત ભાષામાં હોય છે, મિશ્ર વિષ્કંભક સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં હોય છે, જ્યારે પ્રવેશક પ્રાકૃત ભાષામાં જ હોય છે. આમ વિષ્કંભક અને પ્રવેશક બંને રૂપકના કથાનકની ઘટનાઓ જણાવવાનું જ કાર્ય કરે છે, છતાં શુદ્ધ વિષ્કંભકથી પ્રવેશક તદ્દન ઊંધો હોય છે.

પછીના અંકની ઘટનાની સૂચના આપનાર અન્ય ત્રણ અર્થોપ-ક્ષેપકોમાં પાત્રો પડદા પાછળ રહીને સૂચના આપે તે ‘ચૂલિકા’ નામનું અર્થોપક્ષેપક છે, અંકના અંતે પછીના અંકમાં બનનારી ઘટનાનું અને પાત્રોનું સૂચન કરે તે ‘અંકાસ્ય’ નામનું અર્થોપક્ષેપક છે. જ્યારે અંકને અંતે આવતી ઘટના એનાં એ જ પાત્રો વડે પછીના અંકમાં આગળ ચાલશે એવી સૂચના આપનાર અર્થોપક્ષેપકને ‘અંકાવતાર’ કહે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી