વિષાણુજ મસા (warts) : મસાકારક અંકુરાર્બુદ વિષાણુ(wart papilloma virus)થી ચામડી પર ફોલ્લીઓ કરતો ચેપ. તે એક પ્રકારનો ચામડીનો વિષાણુથી થતો ચેપ છે; જેમાં એક વિશિષ્ટ પ્રકારનો ચામડીનો વિકાર થાય છે. તેનાથી સામાન્ય મસા, ચપટા મસા, પાદતલીય મસા, લિંગીય મસા વગેરે પ્રકારના ચામડીના વિકારો થાય છે. સામાન્ય મસા ઘુમ્મટ આકારની ફોલ્લીઓના રૂપે હોય છે, જેમની સપાટી ગડીઓવાળી અને અતિશૃંગીસ્તરીય (hyperkeratosis) હોય છે. ચપટા મસા થોડી ઊંચી, સપાટ શિખરવાળી ફોલ્લીઓ છે, જે સામાન્ય રીતે હાથ અને ચહેરા પર હોય છે. પાદતલીય મસા પગના નીચલા તળિયે (પાદતલ, sole) હોય છે. તેઓ પીડાકારક હોય છે. તેમના પર જાડી કણી હોય છે અને તેના પર કાળું બિંદુ (puncta) હોય છે. લિંગીય મસા ગુદાની આસપાસ અને બહિર્જનનાંગની આસપાસ હોય છે. સારવારમાં વિવિધ પ્રકારની નાશકારક પ્રક્રિયાઓ કરાય છે; જેમ કે, પ્રવાહી નત્રવાયુથી શીતીકરણ ચિકિત્સા કરાય છે કે સૅલિસિલિક અને લૅક્ટિક ઍસિડનું મિશ્રણ, કૅન્થૅરિડીન અને પોડોફિલિન ચોપડીને સારવાર કરાય છે. આ ઔષધોથી ચેપજન્ય દોષવિસ્તાર(lesion)નો નાશ કરાય છે.
શિલીન નં. શુક્લ