વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ – ઉગ્ર (acute viral encephalitis and meningitis)

February, 2005

વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ, ઉગ્ર (acute viral encephalitis and meningitis) : અનુક્રમે મગજ અને તેનાં આવરણો(તાનિકાઓ, meninges)નો વિષાણુથી થતો ચેપ. જ્યારે મગજ સાથે કરોડરજ્જુ પણ અસરગ્રસ્ત થાય ત્યારે તેને વિષાણુજ મેરુમસ્તિકશોથ (viral encephalomyelitis) કહે છે. જ્યારે મગજ અને તેનાં આવરણો અસરગ્રસ્ત હોય ત્યારે તેને તાનિકામસ્તિષ્કશોથ (meningoencephalitis) કહે છે. જોકે મસ્તિષ્કશોથ સાથે સાથે હંમેશાં તાનિકાશોથ હોય છે જ. શોથ (inflammation) એટલે ચેપ કે અન્ય કારણોસર પેશીમાં સોજો આવે તે, જેમાં લોહીના અને પ્રતિરક્ષાલક્ષી કોષોનો ભરાવો થાય. અપૂય તાનિકાશોથ (aseptic meningitis) નામના વિકારમાં તાનિકાશોથ થયેલો હોય છે, પરંતુ તેમાં પૂયકારી જીવાણુઓ(pyogenic bacteria)ના ચેપનું કોઈ લક્ષણ જોવા મળતું નથી. તે મોટેભાગે વિષાણુઓથી થતો તાનિકાશોથ હોય છે, પરંતુ તેમાં ક્યારેક અન્ય સૂક્ષ્મજીવો, સંક્ષોભનકારી રસાયણો તથા કેટલાંક ઔષધો સામેની પ્રતિક્રિયા પણ કારણરૂપ હોય છે. મોટાભાગના વિષાણુજ તાનિકાશોથ સૌમ્ય (benign) પ્રકારના વિકારો છે અને તેઓ ભાગ્યે જ લાંબાગાળાની વિકૃતિઓ કે વિકારો કરે છે. વિષાણુજ મસ્તિષ્કશોથ પણ ઘણી વખત સૌમ્ય હોય છે, પણ તે સરખામણીમાં વધારે વખત માંદગી અને મૃત્યુ નિપજાવે છે. મોટાભાગના વિષાણુઓ લગભગ એક પ્રકારનાં લક્ષણો અને ચિહ્નો કરતા હોય છે. જોકે કેટલાક વિષાણુઓ વિશિષ્ટ વિકારે થાય છે.

વિવિધ પ્રકારના વિષાણુઓ કેન્દ્રીય ચેતાતંત્રમાં ચેપ કરે છે. (જુઓ સારણી 1 અને 2)

જોકે યુ.એસ.માં ચોક્કસ વિષાણુનું નિદાન 10 %થી 15 % કિસ્સામાં જ થાય છે. આંત્રવિષાણુ (entero viruses) મળ-હસ્ત-મુખ માર્ગે ફેલાય છે. તેઓ નાનાં બાળકોમાં અને પારિવારિક કે સામાજિક જૂથોમાં ફેલાય છે. આર્બોવિષાણુઓનો ચેપ તેમના વાહક પ્રાણી કે જંતુના જીવનચક્ર પર આધાર રાખે છે. તેથી તેમાં ભૌગોલિક અને ઋતુચક્રીય અસર પણ હોય છે. તેથી તે વિષાણુજ ચેપનાં નામ જે તે ભૌગોલિક પ્રદેશ સાથે સંકળાયેલાં છે; જેમ કે, ઈસ્ટર્ન ઇક્વાઇન, વેસ્ટર્ન ઇક્વાઇન, સેન્ટ લુઇ, કૅલિફૉર્નિયા કોલોરાડો ટિક વગેરે પ્રકારના મસ્તિષ્કશોથ. લસિકાકોષીય કોરિયોતાનિકાશોથનો વિષાણુ પ્રાણીરાગી (zoonatic) છે અને તેથી તેનો ચેપ ઘરના ઉંદરના મળના સંસર્ગમાં આહારી દ્રવ્યો આવે તો તેનો ચેપ લાગે છે. માણસમાં તે શિયાળામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ વિષાણુનો ચેપ પ્રયોગશાળાના કે પાયેલા હેમ્સ્ટર દ્વારા પણ માણસમાં ફેલાય છે. લાપોટિયું(mumps)નો વિષાણુ શ્વાસ દ્વારા ફેલાય છે.

સારણી 1 : કેન્દ્રીય ચેતાતંત્રમાં ચેપ કરતા વિષાણુઓ

પ્રકાર    જૂથ ઉદાહરણ
1. RNA પિકોર્ના વિષાણુ પૉલિયો, કોક્સાકિ (એ અને બી), ઇકો,
ટોગા વિષાણુ ઍન્ટેરો વિષાણુઓ, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન
ઇક્વાઇન મસ્તિષ્કશોથ, સેન્ટ લુઈ
મસ્તિષ્કશોથ, રુબેલા, ટિકવૉર્ન
મસ્તિષ્કશોથ
બનિયા વિષાણુ કૅલિફૉર્નિયા મસ્તિષ્કશોથ
ઓર્બિવિષાણુ કૉલોરાડો ટિક તાવ
એરિના વિષાણુ લસિકાકોષી (lymphocytic)
કોરિયોતાનિકાશોથ
હૅલ્ડોવિષાણુ હડકવા (rabis) વિષાણુ
ઑર્થોમિક્સો અને ઇન્ફ્લુએન્ઝા, પેરાઇન્ફ્લુએન્ઝા, ઓરી
પેરામિક્સો વિષાણુ ગાલપચોળિયું (લાપોટિયું, mumps)
રિટ્રો વિષાણુ HIV-I
2. DNA હર્પિસ વિષાણુ હર્પિસ સિમ્પ્લેક્સ (1 અને 2), વેસિસેલા-
એડિનો વિષાણુ ઝોસ્ટર એપ્સ્ટિન-બાર, સાયટોમેગેલોવિષાણુ

સારણી 2 : મસ્તિષ્કશોથ અને તાનિકાશોથનું સાપેક્ષ પ્રમાણ

વિષાણુ વિષાણુજ તાનિકાશોથ (%) વિષાણુ મસ્તિષ્કશોથ (%)
ઍન્ટેરોવિષાણુ 83 23
આર્બોવિષાણુ 2 30
લાપોટિયું (mumps) 7 2
હર્પિસ સિમ્પ્લેક્સ 4 27
વેરિસેલા 1 8
ઓરી 1 < 1

વ્યાધિકરણ(pathogenesis)ના 3 તબક્કા છે. પ્રથમ તબક્કામાં બહારથી વિષાણુનો ચેપ લાગે છે અને તેનું શરીરમાં અંત:સંવર્ધન થાય છે. બીજો તબક્કો વિષાણુનો લોહી દ્વારા આખા શરીરમાં પરિભ્રમણનો છે. આ તબક્કાને વિષાણુરુધિરતા (viraemia) કહે છે. હડકવાનો વિષાણુ લોહી દ્વારા ફેલાવાને બદલે ચેતાઓ દ્વારા કેન્દ્રીય ચેતાતંત્રમાં પહોંચે છે, જ્યારે અન્ય વિષાણુઓ લોહી દ્વારા ત્યાં પહોંચે છે. હડકવાના વિષાણુની માફક ચેતારાગી હર્પિસવિષાણુ અને કદાચ પોલિયોવિષાણુ પણ ચેતાઓ દ્વારા ફેલાય છે. ત્રીજો તબક્કો કેન્દ્રીય ચેતાતંત્રીય ચેપનો તબક્કો છે. વિષાણુજ મસ્તિષ્કશોથમાં ચેતાકોષો, અંતરાલીય કોષો (glial cells) તથા નસોના અધિચ્છદ-(epithelium)ના કોષો ચેપગ્રસ્ત થાય છે. તેમનું કાર્ય અસરગ્રસ્ત થાય છે અને ક્યારેક મૃત્યુ પામે છે. તેનાથી શોથકારી પ્રતિભાવ ઉત્પન્ન થાય છે. મગજમાંના ચેપ અને શોથના ફેલાવાને આધારે લક્ષણો અને ચિહ્નો ઉદ્ભવે છે.

લક્ષણો, ચિહ્નો અને નિદાન : સામાન્ય રીતે શરૂઆતમાં તાવ, સ્નાયુનો દુખાવો, જઠર-આંતરડાંની તકલીફ, શ્વસનમાર્ગની તકલીફો અથવા ચામડી પર સ્ફોટ થાય છે. ત્યારબાદ માથાનો દુખાવો, ડોકની અક્કડતા, પ્રકાશ-અસહ્યતા (photophobia) વગેરે તાનિકાઓના સંક્ષોભનનાં લક્ષણો થઈ આવે છે; પરંતુ આ તકલીફો જીવાણુજન્ય તાનિકાશોથ કરતાં ઓછાં તીવ્ર હોય છે. જ્યારે સાથે મસ્તિષ્કશોથ પણ થયેલો હોય ત્યારે તેનાં લક્ષણો તાનિકાશોથ કરતાં વધુ તીવ્ર હોવાથી તાનિકાશોથનાં લક્ષણો-ચિહ્નો દબાઈ જાય છે. મસ્તિષ્કશોથને કારણે સભાનતા અને એકાગ્રધ્યાનમાં ઘટાડો થાય છે તથા માનસિક-ગૂંચવણથી માંડીને બેભાનાવસ્થા થઈ આવે છે. દર્દીને સ્નાયુની નબળાઈ, વિષમ સ્નાયુસજ્જતા (altered tone) તથા અસંગતતા (incoordination) થાય છે. વધુ તીવ્ર વિકારમાં ખેંચ (આંચકી) આવે છે. અધશ્ર્ચેતક (hypothalamus) અસરગ્રસ્ત થાય તો તાપમાનના નિયંત્રણનો વિકાર થઈ આવે છે. અનૈચ્છિક ચેતાતંત્રનો વિકાર થાય છે અને અતિમૂત્રમેહ (diabetes insipidus) થાય છે. દર્દીની આંખના હલનચલનમાં, ગળવામાં કે અન્ય કર્પરી ચેતાઓ(cranial nerves)ની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. જો કરોડરજ્જુ પણ અસરગ્રસ્ત હોય તો સ્નાયુશ્લથતા (flaccidity) થઈ આવે છે. હર્પિસજન્ય મસ્તિષ્કશોથમાં લાગણીઓ સંબંધિત મસ્તિષ્કના વિસ્તારોની દુષ્ક્રિયાશીલતા થઈ આવે છે. સામાન્ય રીતે લક્ષણો અને ચિહ્નો 1 કલાકથી માંડીને 4 દિવસમાં સ્પષ્ટ થતાં જાય છે.

નિદાન માટે મગજ અને કરોડરજ્જુની આસપાસ આવેલા મેરુમસ્તિષ્કજલ(cerebrospinal fluid, CSF)ની તપાસ કરાય છે. તે માટે કેડમાં પાછળ છિદ્ર કરીને (કટિછિદ્રણ, lumbar puncture) કરીને તે પ્રવાહી મેળવાય છે. તેમાં દર ઘનમિલીમિટર પ્રવાહીમાં 10થી 1,000 એકકેન્દ્રવાન કોષો (mononuclear cells) હોય છે. આ નિદાનસૂચક ચિહ્ન છે. મેરુમસ્તિષ્કજલનું દબાણ વધેલું હોય છે, પ્રોટીન સ્તર વધેલું હોય છે અને ગ્લુકોઝનું સ્તર ઘટેલું હોય છે. સામાન્ય રીતે લોહીના શ્વેતકોષોની સંખ્યા વધેલી હોતી નથી. સી.ટી.સ્કૅન કે એમ.આર.આઇ.માં ખાસ વિશેષ માહિતી મળતી નથી. આ પરીક્ષણો અન્ય વિકારોની ગેરહાજરી સૂચવે છે. નિદાન માટે સ્થળ, ઋતુ, અન્ય ચિહ્નોની હાજરી (દા.ત., લાપોટિયામાં લાળગ્રંથિનો સોજો, ઓરીમાં ચામડી પર સ્ફોટ) વગેરે બાબતોથી નિદાન-સૂચન થાય છે. કોકસાકી વિષાણુના ચેપમાં પણ ચામડી પર સ્ફોટ થાય છે. હર્પિસ સિવાયના ચેપમાં કોઈ વિશિષ્ટ સારવાર નથી અને વિષાણુજ ચેપને એકબીજાથી અલગ પાડવો ઘણી વખત મુશ્કેલ હોય છે. તેથી નિદાનનો મુખ્ય હેતુ અન્ય વિકારોની ગેરહાજરી નિશ્ચિત કરવાનાં રહે છે. તેમ છતાં અપૂર્ણ રીતે સારવાર પામેલો જીવાણુજન્ય તાનિકાશોથ (bacterial meningitis), રિકેટ્શિયલ ચેપ, લાઇમ રોગ, ક્ષયરોગજન્ય તાનિકાશોથ, ક્રિપ્ટોકોકસ નિયોફૉર્મન્સ અને અન્ય ફૂગનો ચેપ, તાનિકાની આસપાસનો જીવાણુજન્ય ચેપ, મગજમાં ગૂમડું, ઉપોગ્ર જીવાણુજન્ય હૃદાંત:કલાશોથ (subacute bacterial endocarditis), મસ્તિષ્કી વાહિનીશોથ વગેરે વિવિધ રોગો કે વિકારોને અલગ પાડીને વિષાણુજ મસ્તિષ્કશોથનું નિદાન કરાય છે. આ ઉપરાંત કેટલાક ચેપરહિત વિકારો(noninfectious disorders)ને પણ અલગ પાડવા જરૂરી છે. કોટ્રાઇમેક્ઝેઝૉલ, અસ્ટીરૉઇડી પીડાનાશકો, નસમાર્ગી પ્રતિરક્ષાગ્લોબ્યુલિન વગેરે વિવિધ દવાઓ ક્યારેક આડ અસર રૂપે સૂક્ષ્મજીવરહિત તાનિકાકીય પ્રતિક્રિયા (sterile meningeal reaction) કરે છે. રોગ કરતા ચોક્કસ વિષાણુને ઓળખી કાઢવા રુધિરરસીય કસોટીઓ (serological tests) કરાય છે. ક્યારેક મેરુમસ્તિષ્ક જલ, લોહી કે મળમાં વિષાણુ દર્શાવી શકાય છે.

સારવાર : સારવારનો મુખ્ય હેતુ લક્ષણોનું નિયંત્રણ કરવું, સહાયકારી ચિકિત્સા કરવી અને આનુષંગિક તકલીફો થતી અટકાવવી કે થયેલી હોય તો તેનો ઉપચાર કરવો. જો આંત્રવિષાણુ(enterovirus)થી ચેપ લાગ્યાની શંકા હોય તો દર્દીનો મળ ચેપકારક હોવાની સંભાવના રહે છે. તેથી તેના નિકાલમાં ચેપ ફેલાય નહિ તેની સાવચેતી રખાય છે. તેવી રીતે ઓરી, અછબડા, રૂબેલા અથવા લાપોટિયાના દર્દીમાં પણ સામાન્ય રીતે રખાતી સાવચેતી ધ્યાનમાં રખાય છે. હર્પિસ વિષાણુના ચેપમાં પ્રતિહર્પિસ ઍન્ટિબાયૉટિક (એસાઇક્લોપિટ) આપીને ચેપને નિયંત્રિત કરાય છે. અન્ય ચેપમાં લક્ષણલક્ષી સારવાર અપાય છે. સામાન્ય રીતે સ્ટીરૉઇડનો ઉપયોગ કરાતો નથી, જેથી કરીને પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાઓને અસર ન પડે. વિષાણુજ તાનિકાશોથમાં 1થી 2 અઠવાડિયાંમાં સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રાપ્તિ થાય છે; પરંતુ થાક, અશક્તિ અને માથાનું હલકાપણું ઘણા લાંબા સમય સુધી રહે છે. મસ્તિષ્કશોથમાં પરિણામ કારણરૂપ વિષાણુ પર આધારિત છે. લાપોટિયાના વિષાણુથી થતો મસ્તિષ્કશોથ કે લસિકાકોષીય કોરિયૉતાનિકાશોથમાં ભાગ્યે જ મૃત્યુ થાય છે અને લાંબા ગાળાની આનુષંગિક તકલીફો પણ જવલ્લે જ થાય છે. નાનાં બાળકોમાં લાપોટિયાના વિષાણુથી થતો રોગ ક્યારેક જલશીર્ષતા (hydrocephalus) થઈ આવે છે; પરંતુ વિવિધ આર્બોવિષાણુથી થતા મસ્તિષ્કશોથમાં 0.5 %થી 30 %ના દરે મૃત્યુ થાય છે.

શિલીન નં. શુક્લ