વિશ્વ હિંદુ પરિષદ
February, 2005
વિશ્વ હિંદુ પરિષદ : વિશ્વમાં હિંદુત્વના પ્રસારને અનુલક્ષીને રચાયેલી ભારતીય સંસ્થા. સન 1947ના ઑગસ્ટની 15મી તારીખે હિંદુસ્તાનના બે ભાગ પાડવામાં આવ્યા તેથી ‘ભારત’ અને ‘પાકિસ્તાન’નાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. હિંદુસ્તાન પર પૂરા એક હજાર વર્ષથી ઇસ્લામીઓના આક્રમણને કારણે ત્રણ સૈકામાં મુસ્લિમ સત્તા સર્વોપરી થઈ અને હિંદુ પ્રજા ધીમે ધીમે પરાધીન થતી ચાલી. સમગ્ર દેશમાં હિંદુ સમાજ એક જ હતો. એઓની પરતંત્રતાને કારણે પ્રદેશ પ્રદેશના સંબંધો કપાતા ગયા અને પરિણામે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવી ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા હતી. એમાં આપસ આપસમાં પણ સમૂહો, તેને સંજ્ઞા ચાલુ રાખી હોવા છતાં, અલગ થતા રહ્યા, એ ત્યાં સુધી કે લગ્નવ્યવસ્થા પણ તે તે નાના નાના સમૂહોમાં થતી ચાલી. પરિણામે અનેક જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. માત્ર ક્ષત્રિયો રાજપૂતોને અપવાદે બાકીના વર્ણોની અનેક પેટા જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવતી રહી, એકાત્મકતા વિચ્છિન્ન થઈ. આમ છતાં એક પછી એક સંપ્રદાયો સ્થાપનારા મહાત્માઓ આવ્યા. અનેક સંતો ઉત્પન્ન થયા. અનેક ઉપદેશકો-આખ્યાનકારો-ભક્તોનો સબળ વિકાસ થતો રહ્યો. તેથી મુસ્લિમીકરણ વેગ પકડી શક્યું નહિ. એ ખરું કે વટાળપ્રવૃત્તિને કારણે એક હજાર વર્ષોમાં વિદેશોમાંથી આવેલા મુસ્લિમોની સંખ્યા તો થોડી જ રહી, જ્યારે હિંદુઓમાંથી વટલાવીને બનાવેલા નવા મુસ્લિમોની સંખ્યા અનેકગણી વધી. હિંદુસ્તાનના ભાગલા બાદ ભારતમાં રહેલ મુસ્લિમો પૈકી વિદેશોમાંથી આવેલા કહેવાતા અસલ મુસ્લિમોની સંખ્યા 10 ટકા જ, પરંતુ હિંદુઓમાંથી બનાવેલા નવા મુસ્લિમોની સંખ્યા 90 ટકા. પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ હિસ્સા જુદા પડ્યા એમાં ‘પૂર્વ પાકિસ્તાન-બાંગ્લાદેશ’માં તો નવા મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ 90 ટકાથી પણ વધુ રહ્યું.
‘પશ્ચિમ પાકિસ્તાન’માં પ્રમાણ 90 : 10નું સચવાયું છે તો સ્વતંત્રતા મળ્યા પછી ભારતની રાજ્યસત્તાની ચોક્કસ પ્રકારની રાજનીતિને કારણે, ચોક્કસ પ્રકારની માનસિકતાની પ્રબળતાને કારણે, લઘુમતી વિદેશી સંપ્રદાયો પાળતી પ્રજાને ચોક્કસ પ્રકારના હક્કો આપવામાં આવ્યા. પરિણામે પાંચસો વર્ષોથી હિંદુસ્તાનમાં અડ્ડો જમાવી રહેલા પાદરીઓ સ્વરાજ્ય મળ્યા પછીના સમયમાં દેશ છોડી જવાની તૈયારી કરતા હતા એ અટકી રહ્યા. ભારતીય પ્રજાની સમતુલાને આંચ આવવા લાગી. પરિણામે મુસ્લિમોનો વૃદ્ધિનો દર પ્રમાણમાં મર્યાદિત, પરંતુ ખ્રિસ્તીઓની વૃદ્ધિનો દર વધતો રહ્યો. બે-રોકટોક પ્રમાણ વધતું ચાલ્યું. પક્ષીય રાજકારણીઓ મતોના લોભમાં મુસ્લિમ-ખ્રિસ્તીના હક્કોના વિષયમાં આંખ-મિચામણાં કરતા રહેવાથી વિશાળ બહુમતી હિંદુ પ્રજા પ્રમાણમાં બિચારી બનતી ચાલી, એમના સ્વાભાવિક હક્કોની પણ અવગણના થતી ચાલી. આ પરિસ્થિતિ હાથ બહાર જતી જોવામાં આવતાં ‘હિંદુ મહાસભા’. ‘જનસંઘ’ જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. હિંદુ સમાજ, ‘પ્રબળ બહુમતી’ હોવા છતાં, બીજા નંબરની પ્રજા હોય એવી પરિસ્થિતિ અનુભવાતી થતી રહી. આવા સમયે હિંદુઓનું એક પ્રબળ સંગઠન રાજકારણથી અલગ રહી ઊભું કરવાનો દેશના મહાનુભાવોના મનમાં વિચાર ખડો થયો.
સન 1964ની જન્માષ્ટમીના ત્રણ દિવસોમાં મુંબઈ-અંધેરીમાં આવેલા ‘સાંદીપનિ આશ્રમ’માં આશ્રમના અધ્યક્ષ શ્રી ચિન્મયાનંદજી મહારાજના અને ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સર-સંચાલક શ્રીમાન માધવરાવ ગોલવેલકરના નિમંત્રણથી ભારતભરમાંથી ટોચના મહાનુભાવો એકત્રિત થયા, જેમાં ઉપરના બે મહાનુભાવો ઉપરાંત શારદાપીઠ દ્વારકાના તત્કાલીન શ્રી શંકરાચાર્યજી, મહારાષ્ટ્રના સંત શ્રી તુકડોજી, પંજાબના માસ્તર તારાચંદ, જૈનાચાર્ય શ્રી સુશીલ મુનિ, મુંબઈના પ્રથમ કક્ષાના રાજપુરુષ અને સાહિત્યકાર, પ્રથમ કોટિના ધારાશાસ્ત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા બાહોશ ધારાશાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
દરરોજ છથી સાત કલાકની પ્રબળ વિચારણાને અંતે મળેલા એકથી વધુ નામો વિષયમાં મુક્ત ચિત્તે ચર્ચા કરવામાં આવેલી અને પરિણામે ‘વિશ્વ હિંદુ પરિષદ’ સમગ્ર રાષ્ટ્રને લક્ષ્યમાં લઈને નિશ્ચિત કરવામાં આવી, જેમાં વિદેશોમાં વસતા હિંદુઓનાં હિતોનો સમાવેશ અભીષ્ટ હતો જ.
એ વેળાએ નિશ્ચિત થયેલા અને ટપકાવી લેવામાં આવેલા ઉદ્દેશને અમલી બનાવવાની સરળતા માટે બંધારણ તૈયાર કરવાનું કામ ધારાશાસ્ત્રી શ્રી કનૈયાલાલ મા. મુનશીને સોંપવામાં આવ્યું. પરિષદના પ્રથમ પ્રમુખ મૈસૂરના માજી રાજવી જય ચામુંડરાયની નિયુક્તિ થઈ અને મંત્રી તરીકે માધવ શિવરામ આપ્તે નિયુક્ત થયા. મુખ્ય કેન્દ્ર નવી દિલ્હીના કેરોલબાગ માર્ગ ઉપરના એક મકાનમાં શરૂ કરવામાં આવ્યું; જે રા. સ્વ. સંઘના ત્યાંના કાર્યાલયની નજીક સામેના ભાગમાં હતું. તરતમાં જ ભારતનાં બધાં જ રાજ્યોમાં તેની શાખાઓ ખોલવામાં આવી. ગુજરાતમાં એ રીતે શાખા અસ્તિત્વમાં આવી. થોડાં વર્ષો પસાર થતાં રાજ્યોમાંની શાખાઓને પણ તે તે રાજ્યમાં સ્વતંત્ર ટ્રસ્ટો તરીકે નોંધાવવામાં આવી. આવું વિકેન્દ્રીકરણ થવાથી ત્યાં ત્યાંનાં કામોમાં પણ વેગ આવ્યો.
અહીં પરિષદના ઉદ્દેશો સંક્ષેપમાં નીચે પ્રમાણે બંધારણમાં સૂચવવામાં આવ્યા હતા :
(1) પરિષદનો કાર્યપ્રદેશ સમગ્ર હિંદુસ્તાનમાંથી ભારતીય ઉપખંડનો રહેશે. ઉપરાંત વિદેશોમાં જ્યાં જ્યાં હિંદુઓ પહોંચ્યા છે ત્યાં ત્યાંનો પણ રહેશે.
(2) પરિષદ શુદ્ધ અને પૂર્ણ રીતે સામાજિક, સાંસ્કૃતિક, માનવપ્રેમી અને સર્વોદયલક્ષી સંસ્થા બની રહેશે. સંસ્થાનો કોઈ પણ અધિકારી પક્ષીય રાજકીય પક્ષોનો હોદ્દો ધારણ કરનારો હશે નહિ.
(3) પરિષદ બધી સરકારી અને ખાનગી સંસ્થાઓ સાથે સહકારથી કામ કરશે અને પરિષદનાં કર્તવ્ય કાર્યોમાં રહીને સામાજિક સેવા અને કાર્યક્રમોમાં ભાગ લેશે; એવી રીતે કે પાયાના સિદ્ધાંતો અને આદર્શોના વિષયમાં સંઘર્ષ ન થાય.
(4) પરિષદ સહાય કરવા પાત્ર સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે અને કોઈ ને કોઈ રીતે એવા કાર્યક્રમમાં સહાયક બન્યા કરશે.
(5) પરિષદ નફો મેળવી લેવાની દૃદૃષ્ટિએ તો સર્વથા નહિ એ રીતે અને શુદ્ધ રીતે માનવપ્રેમી સંસ્થાઓની પ્રત્યેક પ્રવૃત્તિ તેમજ કાર્યક્રમોમાં સાથ આપશે.
(6) સભાનતા જાગ્રત રહે એ માટે તાલીમ આપવાનું, પરસ્પર સમન્વય સાધવાનાં, સમાજને બલિષ્ઠ બનાવવાનાં પગલાં લેવામાં આવશે, એવી રીતે કે પરંપરાગત સમજ સાથે સાંપ્રતકાલીન સમજ મળતી રહે.
(7) ધરતીકંપ, પૂર, દુકાળ અને આપત્તિ આવી પડે એવા સમયે જાતપાતના ભેદભાવ ન રાખીને સેવા આપશે. એ જ રીતે ધંધાકીય, સાંપ્રદાયિક, જાતિગત કે ભાષાકીય ભેદભાવને આવવા નહિ દે : જનસેવા એ જ મુખ્ય લક્ષ્ય રહેશે.
(8) સંસ્કૃત ભાષા તેમજ પ્રાદેશિક ભાષાઓનો અભ્યાસ જાગ્રત કરવા માટે શૈક્ષણિક કેન્દ્રો ઊભાં કરવાં, પત્રવ્યવહારથી અભ્યાસક્રમો અમલમાં મૂકવા તેમજ યોગવિદ્યાને લગતી શિબિરો ચલાવવી એવા પ્રકારનાં કામ કરશે.
(9) ભારતીય ઉપખંડમાં જીવનને લગતાં નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક પ્રાચીન મૂલ્યોનો વિકાસ સાધવાનું તથા પ્રવૃત્તિઓ કરવાનું અને એ માટેના કાર્યકરો ઊભા કરવાનું કાર્ય કરશે.
(10) ભારતીય સંસ્કૃતિ-સભ્યતાનો સ્વીકાર કરવા ચાહતા હોય, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ-સભ્યતાની પ્રશસ્તિ કરતા હોય, ભારતીય જીવનપદ્ધતિ તરફ આસ્થા ધરાવતા હોય એવા સર્વ કોઈ અને વૈશ્ર્વિક સમાજના સભ્ય થવાની ભાવના હોય’ એમને ફરી વસાવવાનું કામ કરશે.
(11) ગ્રંથાલયો, ગુરુકુળો, શાળાઓ, વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો, યંત્રાદિ વિદ્યા, શિલ્પ-સ્થાપત્ય આદિ વિદ્યા, આરોગ્ય વિદ્યા વગેરે વિદ્યાઓનો ફેલાવો કરવા માટે એવી અનેક પ્રકારની સંસ્થાઓ ઊભી કરવાનું અને એને નભાવવાનું કામ કરશે.
(12) ગોશાળાઓ, સાર્વજનિક મંદિર સ્થાનો, મઠો, આશ્રમો અને ઉપદેશ કરવા માટેનાં અન્ય કેન્દ્રો, વાસ્તવમાં સંસ્કૃતિ-સભ્યતાનો વિકાસ કરનારાં સ્થાનો ઊભાં કરવાનું અને એને નિભાવવાનું કામ કરશે.
(13) દેશમાં તેમ વિદેશોમાં પણ ઉપરના ઉદ્દેશોને ચરિતાર્થ કરનારાં કેન્દ્રો ઊભાં કરવાં અને નિભાવવાનું કામ કરશે. આ માટે શાખાઓ-પ્રશાખાઓ ત્યાં ત્યાં સ્થાપશે અને એને કાર્યરત કરશે.
(14) ઉપરના ઉદ્દેશોને મૂર્ત કરવા મુદ્રણાલયો, પ્રકાશનસ્થાનો વિક્રયસ્થાનો ઊભાં કરશે અને નિભાવશે.
(15) સમાન ઉદ્દેશો ધરાવતી અન્ય સંસ્થાઓને પણ સાથે જોડાવાની વ્યવસ્થા કરશે અને એને માર્ગદર્શન આપશે.
(16) ભારતીય સંસ્કૃતિ-સભ્યતાને લગતું સાહિત્ય રચવા માટે લેખકોને ઉત્તેજન આપશે અને જરૂર પડતાં એવાં કેન્દ્રો પણ કામની સરળતા કરવા ઊભાં કરશે અને નિભાવશે.
(17) વિદ્યાભ્યાસ કરનારાઓને આર્થિક સહાય કરવાનું કામ કરશે તેમ અન્ય સહાયો પણ પૂરી પાડવાનું કામ કરશે.
(18) ઉપરના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે સમયે સમયે જે કાંઈ પણ કાર્ય ઊભાં થશે તેને નિભાવવાનું હરેક પ્રકારનું કામ કરશે, જે વર્તમાન કાયદાઓને સંગત હશે.
વિશ્વવ્યાપી હિંદુ સંગઠનની દિશામાં : અત્યાર સુધીમાં પૃથ્વી ઉપરના 124 દેશોમાં પરિષદનો સંપર્ક છે તથા ત્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ચાલુ છે. ભારતમાં 10 ક્ષેત્રો, 30 પ્રાંતો, 223 વિભાગો, 770 જિલ્લાઓ અને એક લાખની વસ્તીવાળો એક પ્રખંડ એવા 7,423 પ્રખંડોની રચના થયેલી છે. ગુજરાત રાજ્યમાં જ 11 વિભાગો, 36 જિલ્લાઓ, 421 પ્રખંડો, 4,000 ખંડો તથા 20,000 ઉપખંડો કાર્યરત છે. સમગ્ર દેશમાં પરિષદની 25,000 સમિતિઓ પ્રવૃત્તિ કરી રહી છે.
નોંધપાત્ર એ છે કે પૂર્વમાં પ્રશાંત મહાસાગરના ફિજી ટાપુ સુધી તેમ અમેરિકાનાં સંયુક્ત રાજ્યો અને યુરોપનાં રાજ્યોમાં પણ હિંદુ હિતોના રક્ષણ માટે કાર્યકર્તાઓ વ્યવસ્થિત રીતે સક્રિય છે.
માતૃશક્તિ : મહિલા વિભાગ : સન 1978માં પ્રયાગમાં મળેલા બીજા વિશ્વ હિંદુ સંમેલનમાં માતૃશક્તિ-મહિલા વિભાગની રચના કરવામાં આવેલી. સમાજમાં 50 ટકા ભાગ મહિલાઓનો છે. પરિષદનાં કાર્યોમાં મહિલાઓનું પૂર્ણસ્વરૂપે યોગદાન રહે એ માટે કેન્દ્રથી ઉપખંડો સુધી મહિલા સંયોજિકાઓની નિયુક્તિ કરવામાં આવે છે.
માતૃશક્તિની ફરજોમાં સાપ્તાહિક સત્સંગ, મહિલા ભજનમંડળો, નિત્ય સંપર્ક, બાળસંસ્કાર કેન્દ્રો, તેમ દેવદર્શન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. મકરસંક્રાંતિ, રામનવમી, સીતા-અષ્ટમી, રક્ષાબંધન, ભારતમાતા-પૂજન, ગૌરીવ્રત, જયાપાર્વતીવ્રત, જન્માષ્ટમી, નવરાત્ર (ચૈત્ર અને આશ્ર્વિન માસનાં), શરદપૂર્ણિમા જેવા કાર્યક્રમો વર્ષ દરમિયાન ઊજવાય છે. વર્ષમાં એક વાર માતૃશક્તિ સત્સંગ મંડળ, મહિલા ભજનમંડળ વગેરેનાં સંમેલન થાય છે. એમને માટેના શિક્ષણવર્ગો પણ વ્યવસ્થિત રીતે ચાલુ રહે છે.
મહિલા વિભાગનું કાર્ય : મુદૃષ્ટિધાન્ય યોજના, અનાજ-કપડાંનું વિતરણ, ગર્ભવતી મહિલાઓની સેવા-ચિકિત્સા, બાળકોને રસી આપવાની યોજના જેવાં સામાજિક કાર્યો થયાં કરે છે.
સામાજિક ક્ષેત્રે દહેજ અને અસ્પૃશ્યતાનો વિરોધ. અન્ય મહિલા મંડળોના સંપર્કમાં રહી એમાં હિંદુ વિચારધારાનો પ્રસાર તેમજ પ્રચાર, ભારતીય સંસ્કૃતિ પર થતાં સાંસ્કૃતિક આક્રમણો ખાળવાં ‘મહિલા-જાગરણો’ – આ પ્રવૃત્તિ ચાલુ રહી છે.
દુર્ગાવાહિની : યુવતીઓનું સંગઠન : બહેનોની વાહિની-સેના ‘દુર્ગાવાહિની’ સંજ્ઞાથી જાણીતી છે. જે રાષ્ટ્રધર્મ અને ભારતીય સંસ્કૃતિ-સભ્યતાનું રક્ષણ કરવા સંકલ્પબદ્ધ છે. સેવા, સુરક્ષા, સંસ્કારના ધ્યેય સાથે સમાજમાં નવજાગરણનો શંખ ફૂંકાતો રાખે છે. મા ‘દુર્ગા’નો આદર્શ આચરતી શક્તિસંપન્ન યુવતીઓનું સંગઠન એટલે દુર્ગાવાહિની.
શારીરિક ક્ષમતા સિદ્ધ કરવા માટે આ બહેનોને યોગ, જુડો, કરાટે, જમીન ઉપરનાં વિઘ્નો પાર કરવાનું અને લક્ષ્યવેધ એ સર્વની વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે.
ઉદ્દેશ અને કાર્યો : યુવતીઓમાં રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક નિષ્ઠા જગવવી, સામાજિક કુરિવાજો, દહેજપ્રથા જેવાં દૂષણો દૂર કરાવવાં, શ્રેષ્ઠ પરંપરાઓનું નવેસરથી નિર્માણ કરવું. નારીના ગૌરવની રક્ષા માટે અશ્ર્લીલતા-અનૈતિકતા-બળાત્કાર જેવી ઘટનાઓ બનતી અટકાવવી.
વાર્ષિક ઉત્સવો : મકરસંક્રાંતિ, દુર્ગાષ્ટમી (આશ્ર્વિન સુદિ અષ્ટમી), કાર્તિક સુદિ નવમી, મહારાણી ઝાંસીનો જન્મદિન, હુતાત્મા દિન (30મી ઑક્ટોબર અને 2 નવેમ્બર), વિજયોત્સવ દિન (6 ડિસેમ્બર) અને સ્વાતંત્ર્ય દિન(15 ઑગસ્ટ)ની ઉજવણી.
બજરંગદળ : વિશ્વ હિંદુ પરિષદે સન 1984માં બજરંગદળની સ્થાપના કરી. સેવા, સુરક્ષા, સંસ્કાર, નીતિમય જીવન, શારીરિક ક્ષમતા, કર્તવ્યપરાયણતા, શિસ્ત બજરંગદળના સ્વયંસેવકોનો આ દીક્ષામંત્ર છે.
વાસ્તવમાં વિશ્વ હિંદુ પરિષદની આ યુવા-પાંખ છે. છેક ઉપખંડ સુધી બજરંગદળના સંયોજકોની નિયુક્તિ થાય છે. હિંદુ યુવકોને સંગઠિત કરવાનું એનું લક્ષ્ય છે. જ્યાં જ્યાં બજરંગદળના નવયુવકો છે ત્યાં ત્યાં સાપ્તાહિક એકત્રીકરણ અને સાપ્તાહિક મિલનના કાર્યક્રમો થયા કરે છે. એમની શારીરિક સક્ષમતા સિદ્ધ થવાને માટે બલોપાસનાના કેન્દ્ર વ્યવસ્થિત રીતે ચાલુ રહે છે. મુખ્ય પ્રકારે પ્રત્યેક યુવકને સૈનિકના પ્રકારની તાલીમ આપવામાં આવે છે. જેમાં યોગ તેમજ જુડો, કરાટેની પણ તાલીમનો સમાવેશ છે. એને લાઠીની તાલીમ આપવામાં આવે છે, તો લક્ષ્યવેધ એને માટે અનિવાર્ય છે. જાનના જોખમે તે તે પ્રદેશના સરહદ પ્રાંતોમાં ગેરવાજબી રીતે ટ્રકો દ્વારા છૂપી રીતે ગોધનને, પશુધનને કતલખાનાઓમાં લઈ જવામાં આવે છે ત્યાં ત્યાં જંગલના ચાલુ માર્ગો તેમજ ભાગ્યે જ વપરાશમાં આવતા છાના માર્ગો સુધી પહોંચી જઈ ટ્રકો રોકી ગોવંશને કબજે કરાવી નજીકની પાંજરાપોળોમાં પહોંચાડવાની જોખમી ફરજ બજાવવાની અવિરત સેવા આપી રહ્યા હોય છે. આમાં એમણે સૈનિક-પ્રકારની લીધેલી તાલીમ સહાયક થઈ પડે છે.
વાર્ષિક કાર્યક્રમો : અખંડ ભારત સંકલ્પ દિન, હનુમાન જયંતી, વાલ્મીકિ જયંતી, હુતાત્મા દિન, શૌર્યદિન, વિજયાદશમી જેવાં પર્વો વિશેષ ભાવે ઊજવાય છે.
આંદોલનાત્મક કાર્યક્રમો : ગોવંશના બચાવના વિકટ કાર્ય ઉપરાંત ઉપાસનાનાં સ્થાનોનો જીર્ણોદ્ધાર, સામાજિક કુરૂઢિઓથી લોકોને દૂર રાખવાના પ્રયત્ન, જ્ઞાતિવાદનો વિરોધ, ઘૂસણખોરીને અટકાવવાના સાહસિક પ્રયત્ન, વટાળપ્રવૃત્તિમાંથી અજ્ઞાન વનવાસીઓ વગેરેને બચાવી લેવાનું કપરું કામ – આવાં વિકટ કાર્યો બજરંગદળના સ્વયંસેવક કરી રહ્યા છે. આ રીતે શાળાઓમાં-વિદ્યાલયોમાં-મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતી હિંદુ બહેનોને ફોસલાવી-પટાવી રખડુ મુસ્લિમ યુવકો અપહરણ કરી જાય છે. એમાંથી જાનના જોખમે બચાવી લાવવાનું કપરું કામ આ યુવકો કર્યે જાય છે.
વર્ષમાં એક વાર યુવા-સંમેલન, ત્રિશૂલ-દીક્ષા અને પ્રશિક્ષણ-વર્ગો તો થોડા થોડા સમયને અંતરે ચાલુ રહે છે; જેથી યુવકોનો આત્મવિશ્વાસ ટકી રહે.
સંસ્કૃતિ-સભ્યતાનું રક્ષણ, આવેલા આક્રમણ સામે જાન-પરેશાનીની પરવા કર્યા સિવાય સંઘર્ષ કરવાની વૃત્તિ, નબળા વર્ગને સહાય કરવાનો પ્રબળ મનોભાવ, આવાં લક્ષણો બજરંગદળના નવયુવકોમાં સહજ રીતે અનુભવવામાં આવે છે. ઉપરનાં કાર્યોમાં વટાળપ્રવૃત્તિ રોકવાનો બધા જ પ્રદેશોમાં પ્રબળ પ્રયત્ન છે. ખ્રિસ્તી પાદરીઓ અને એમના સહાયકો શાળા-વિદ્યાલયો-મહાવિદ્યાલયો-છાત્રાલયો-હૉસ્પિટલો વગેરે ચલાવીને અબુધ આદિવાસીઓને લલચાવી-ફોસલાવી-પટાવી-નાણાંની રેલમછેલ કરી ખ્રિસ્તી બનાવ્યે જાય છે. તેમનો સામનો કરી અટકાવવાનું કામ ચાલુ છે.
ખાસ નોંધપાત્ર તો ડાંગ જિલ્લો છે. ત્યાં ખ્રિસ્તીઓની વટાળપ્રવૃત્તિ વધુ વેગવંતી જણાતાં ખ્રિસ્તી થયેલાં આદિવાસી કુટુંબનું પરાવર્તન કરવાનું કામ પણ વેગ પકડતું જાય છે. આ માટે ખ્રિસ્તીઓની પદ્ધતિએ શક્ય હોય ત્યાં નિવાસી છાત્રાલયો સ્થાપી સર્વસામાન્ય રીતે 1999ના વર્ષમાં 104 એકલ (= એક શિક્ષકવાળી) શાળાઓ સ્થાપવામાં આવી છે. જ્યાં બાળકોને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા થતી જાય છે.
અસ્પૃશ્યતા-નિવારણનું કામ તો પરિષદના પાયામાં છે.
માર્ગદર્શક મંડળ : હિંદુ સમાજની લાક્ષણિકતા એ છે કે એ અનેક સંપ્રદાયોમાં ફંટાયેલો છે. ભારતના બંધારણને અનુકૂળ રહી ‘હિંદુ કોડ બિલ’ અસ્તિત્વમાં આવ્યું એમાં ચાર્વાકમતવાદીઓ સહિત બૌદ્ધ, જૈન, શીખ (વાસ્તવમાં જ્ઞાનમાર્ગીય વૈષ્ણવો), લોકાયત, લિંગાયત, શાક્ત, શૈવ, સ્માર્ત, શ્રૌત ગણાતા બધા જ વૈષ્ણવ સંપ્રદાયો, રામદેવપીરના અનુયાયીઓ, સાંઈબાવાના અનુયાયીઓ વગેરે અનેક પંથીઓનો સમાવેશ છે. આ સંપ્રદાયના આચાર્યો અને ગુરુઓ છે. એમનું પણ પરિષદને માર્ગદર્શન મળતું રહે એ માટે ‘માર્ગદર્શક મંડળ’ રચવામાં આવેલું છે. જેમની ધર્મસંસદો પણ અવારનવાર મળે છે અને સમયે સમયે એમનાં સંમેલન પણ થયાં કરે છે. મોટાભાગના ધર્મગુરુઓ ‘માર્ગદર્શક મંડળ’માં ભાગ લે છે. આને કારણે સંપ્રદાયોના ભેદભાવ વિના જ એકાત્મકતાને બળ મળતું રહે છે. પરિષદનું સભ્યપદ આ બધા સંપ્રદાયોના અનુયાયીઓ માટે હોય છે. પરિષદની બધી જ પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હોય છે. પરિષદના મંચ ઉપર જાત-પાંત-સંપ્રદાય-સવર્ણ-અવર્ણ-દલિત એવા ભેદભાવને કોઈ સ્થાન નથી. એ રીતે જ વિશ્વ હિંદુ પરિષદની દેશમાંની તેમ વિદેશોમાંની શાખાઓ કામ કરી રહી છે.
વિદેશોની શાખાઓમાં પણ વ્યાપક સંમેલનો થાય છે. સન 1982ના અમેરિકા-કૅલિફૉર્નિયાના નગર લૉસ ઍન્જલસમાં અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ-શાખાનું નવમું અધિવેશન તા. 3, 4 જુલાઈ(1982)ના રોજ રા. સ્વ. સંઘના પ્રથમ કક્ષાના અધિકારી પ્રો. રાજેન્દ્રપ્રસાદજી(રાજુ ભૈયા)ના હાથે ઉદ્ઘાટિત થયું હતું. જેમાં આ લેખકને પણ ભારતથી આવેલા એક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનું સદ્ભાગ્ય મળ્યું હતું.
કે. કા. શાસ્ત્રી