વિશ્વહવામાન-સંસ્થા (World Meteorological Organisation – WMO)

February, 2005

વિશ્વહવામાનસંસ્થા (World Meteorological Organisation WMO) : યુનાઇટેડ નેશન્સ(UN)ની વિશિષ્ટ સંસ્થા. આ સંસ્થા હવામાનની આગાહીનાં નિરીક્ષણોના ઝડપી વિનિમયના કાર્યક્રમોનું આયોજન કરે છે. આયોજિત કાર્યક્રમો દુનિયાના બધા ભાગોમાં આવેલાં હવામાન-મથકો, ઉપગ્રહો તેમજ કમ્પ્યૂટરોની ગૂંથણીનું કાર્ય સંભાળે છે. દુનિયાભરમાં તેની માહિતીની આપલે પણ થાય છે. આ સંસ્થાનો તક્નીકી સહકાર-કાર્યક્રમ વિકાસશીલ દેશોની હવામાન-સેવામાં મદદરૂપ થાય છે. આ સંસ્થા ખેતી, વાતાવરણના ફેરફારો અને દરિયાઈ યાતાયાત જેવી પ્રવૃત્તિઓ તથા કુદરતી સંપત્તિના જથ્થાઓ માટે જરૂરી સલાહ આપે છે.

આ સંસ્થા 1873માં આંતરરાષ્ટ્રીય હવામાન-સંસ્થા તરીકે સ્થપાયેલી. 1951માં આ સંસ્થાનું નામ બદલાયેલું અને યુનાઇટેડ નેશન્સનો ભાગ બની રહેલું. આજે તેનું મુખ્ય મથક જિનીવા-સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા