વિશ્વ-આરોગ્ય સંસ્થા
February, 2005
વિશ્વ–આરોગ્ય સંસ્થા : વિશ્વની સર્વે વ્યક્તિઓ શક્ય એટલું ઉચ્ચ કક્ષાનું સ્વાસ્થ્ય મેળવી શકે તેવા ઉદ્દેશથી રચાયેલી રાષ્ટ્રસંઘની વિશિષ્ટ કામ કરતી પ્રતિનિધિ-સંસ્થા. તે 9 એપ્રિલ 1948ના રોજ સ્થપાઈ હતી. વિશ્વ-આરોગ્ય સંસ્થાને અંગ્રેજીમાં World Health Organisation (WHO) કહે છે. તેના બંધારણમાં સ્વાસ્થ્યની જે વ્યાખ્યા કરાઈ છે તે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય એટલે ફક્ત માંદગી કે રોગની ગેરહાજરી એટલું જ નહિ, સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક સુઅવસ્થા(wellbeing)ની સ્થિતિ. વિશ્વના 192 દેશો જે તેના સભ્ય છે તેના પર તેની સત્તા ચાલે છે. તેની સ્વાસ્થ્ય સભા (health assembly) તેના સભ્યદેશોના પ્રતિનિધિઓથી બનેલી છે. તેનું મુખ્ય કાર્ય તેના 2 વર્ષ માટેના પૂર્વાર્થકલન(budget)ને પસાર કરવાનું તથા મહત્વના નીતિવિષયક નિર્ણયો લેવાનું હોય છે.
સદસ્ય દેશો : રાષ્ટ્રસંઘના બધા જ દેશો જે WHOનું બંધારણ સ્વીકારે છે તેઓ તેના સદસ્ય છે. અન્ય દેશોની અરજી વિશ્વ-આરોગ્ય સભા(World Health Assembly)ની સાદી બહુમતી સ્વીકારે તો તેઓ પણ તેના સભ્ય બને છે. જે વિસ્તારો પોતાના આગવા આંતરરાષ્ટ્રીય સંબંધો ધરાવતા નથી તેઓ સહસદસ્ય (associate member) બને છે. સન 1995માં ઐતિહાસિક સંગ્રહ (Historical Collection)ની સ્થાપના જિનીવા યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવેલી છે, જે જાહેર આરોગ્યના ઇતિહાસનું WHOનું સંકલન કરતું કેન્દ્ર છે.
અંકગણકીય માહિતી (digital information) : WHOની વિવિધ કામગીરીઓમાંથી કેટલીક કામગીરીની અંકગણકીય માહિતી આંતરાખ્યાન જાલ (internet) પર ઉપલબ્ધ છે. તેમાં સમાવિષ્ટ વિષયો છે : (1) રોગોનું વર્ગીકરણ અને નામકરણ, (2) આંતરરાષ્ટ્રીય આરોગ્ય-સંસ્થાઓનો ઇતિહાસ, (3) WHOનો ઇતિહાસ, (4) લીગ ઑવ્ નેશન્સના મલેરિયા પરના દસ્તાવેજો અને (5) પ્લેગ, શીતળા અને વસ્તીરોગવિદ્યા (epidemiology) પરનાં જવલ્લે મળતાં પુસ્તકો.
રોગોનું વર્ગીકરણ અને નામકરણ : વિલિયમ ફરે (1807-1883) અને જૅક્સ બર્ટિલોને (1851-1922) શરૂઆતનું કાર્ય કર્યું. સન 1900ના ઑગસ્ટમાં ફ્રાન્સની સરકારે મૃત્યુનાં કારણોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ માટે કૉન્ફરન્સ બોલાવી. ત્યારપછી 1909, 1920, 1929 અને 1938માં ફરીથી આવી કૉન્ફરન્સ બોલાવવામાં આવી. WHOના પુસ્તકાલયના ઐતિહાસિક સંગ્રહમાં રોગોના વર્ગીકરણની માહિતી એકઠી કરીને રાખવામાં આવેલી છે.
વિશ્વ-આરોગ્ય સંસ્થાએ સન 1948થી વિવિધ પ્રૉજેક્ટો, પ્રારંભકો (initiatives), વિવિધ કામગીરીઓ, માહિતી-પુસ્તિકાઓ, સંપર્કો તથા આરોગ્ય અને વિકાસના વિવિધ વિષયો પર 318 જેટલાં પુસ્તકો બહાર પાડેલાં છે અને તેના વેચાણ માટે તેણે તેની વેબસાઇટ પર વ્યવસ્થા રાખેલી છે.
WHOના વિજાલસ્થળ (website) પરથી WHOના સમાચાર મહિનામાં પ્રકાશિત પુસ્તક તથા તેનાં સામયિકોની ખરીદી તેમજ ઇન્ટરનેટ પર વાંચી શકાય તેવી કડીઓ (લિન્ક્સ) પણ દર્શાવવામાં આવેલી છે. જે પ્રકાશનોની કડીઓ આપવામાં આવી છે તેમાં WHOનું બુલેટિન, પૂર્વીય ભૂમધ્ય આરોગ્ય-વિજ્ઞાનપત્ર, પાન અમેરિકન જર્નલ ઑવ્ પબ્લિક હેલ્થ, અઠવાડિક વસ્તીરોગવિદ્યાકીય (epidemiological) નોંધલેખ, વિશ્વ-આરોગ્ય પ્રતિખ્યાન (report), WHO ઔષધ આવિખ્યાન (information)નો સમાવેશ થાય છે.
WHO બુલેટિન સન 1999થી સંવર્ધિત કરાયેલું છે. તેમાં સંશોધનો અને નીતિવિષયક ચર્ચાને એકસાથે રજૂ કરાય છે. તેનું મુખ્ય ધ્યેય જાહેર આરોગ્યનીતિ અને અમલના દિશાસૂચન માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ આધારો સહિત વધુ આરોગ્યપ્રદ જીવનપ્રણાલી બને તે છે. પૂર્વીય ભૂમધ્ય આરોગ્ય જ્ઞાનપત્ર(Eastern Mediterranean Health Journal)માં પૂર્વીય ભૂમધ્ય વિસ્તારના સંબંધે સંશોધનપત્રો અને આરોગ્યલક્ષી નવા પ્રારંભકો અંગેની માહિતી હોય છે. જાહેર આરોગ્યના અખિલ અમેરિકન જ્ઞાનપત્ર(Pan American Journal of Public Health)માં પશ્ચિમી વિશ્વમાં થતાં મૌલિક સંશોધનોને પ્રકાશિત કરાય છે. તેમાં પ્રકાશિત થતા લેખોને કડક સમાનકર્મીઓની ટીકા (peer review) વડે તપાસવામાં આવે છે. તેમાં રોગોને થતા અટકાવવા, તેમને સમજવા તથા તેમને વિશેના ક્રિયાકલાપ-(technology)ના વિકાસ કરવાના મુદ્દાઓને આવરી લેવાય છે. વસ્તીરોગવિદ્યાલક્ષી સાપ્તાહિક નોંધ-લેખ (weekly epidemiological report) છેલ્લાં 90 વર્ષોથી પ્રકાશિત થાય છે. તેની મદદથી વૈશ્વિક સ્તરે રોગના સર્વાધીક્ષણ (surveillance) અંગેનું આવિખ્યાન (information) એકઠું કરી શકાય છે ને તેનું વિતરણ પણ. તેમાં આંતરરાષ્ટ્રીય આરોગ્યને જોખમી કે હાનિકર્તા ઘટકો અને રોગોને અગ્રપસંદગી અપાય છે. વિશ્વ-આરોગ્ય નોંધલેખ (World Health Report) દર વર્ષે પ્રકાશિત થતી વૈશ્વિક આરોગ્ય અંગેની નવી અને વિશેષજ્ઞતાપૂર્ણ પુસ્તિકા છે. તેનું અભિકેન્દ્ર (focus) કોઈ ચોક્કસ વિચારવસ્તુ (theme) હોય છે અને તેમાં વૈશ્વિક સ્થિતિની પ્રવર્તમાન સ્થિતિનો અંદાજ મેળવાયેલો હોય છે. તે માટે છેલ્લામાં છેલ્લા ઉપાખ્યાન (data) એકઠા કરાય છે અને વિશ્વ-આરોગ્ય સંસ્થા દ્વારા તેમને યથાર્થિત (validated) કરાય છે. દરેક નોંધલેખમાં વિશ્વ-આરોગ્યના બદલાતા ચિત્રનું આલેખન કરાય છે, જેથી કરીને નવા શીખેલા પાઠને સમજી શકાય, અમલમાં મૂકી શકાય અને આરોગ્યક્ષેત્રે મહત્તમ સીમાચિહ્ન સર્જી શકાય. WHO ઔષધ-આવિખ્યાન (WHO drug information) નામનું પ્રકાશન 1987થી શરૂ થયું છે. તેના વડે WHOની સંશોધન અને નિયમનકારી સંસ્થાઓ દ્વારા દવાઓ અંગેની તૈયાર કરાયેલી માહિતી(આવિખ્યાન)નું વિતરણ કરાય છે. તેમાં નવાં ઔષધીય દ્રવ્યોનાં આંતરરાષ્ટ્રીય અસ્વામિત્વી નામ (international nonproprietary names, INN) પણ સૂચવાય છે.
વિશ્વ-આરોગ્ય સંસ્થા વૈશ્વિક સંકટ સમયે ઉપયોગી જરૂરી માહિતી પ્રકાશિત કરે છે. આ ઉપરાંત તે રોગોનો ઉપદ્રવ વધે ત્યારે પણ તે અંગેની માહિતી પ્રકાશિત કરે છે. સંશોધનને વેગ આપવા માટે તેણે WHOLIS નામનો પુસ્તકાલયી ઉપાખ્યાન સંગ્રહ (library database) બનાવ્યો છે. તેમાં સન 1948થી WHOનાં બધાં જ પ્રકાશનોને તથા તેમાંના લેખોને અને ક્રિયાકલાપી દસ્તાવેજો(technical documents)ને સમાવવામાં આવ્યાં છે. તેમાં સમાવિષ્ટ માહિતીમાં રોગોના ભારણના આંકડા, મૃત્યુદર, વિશ્વ-આરોગ્ય આવિજ્ઞાન નામના પ્રકાશન સાથે જોડાયેલી આંકડાકીય માહિતી, રોગો અને વિકારોના આંકડા, આરોગ્યકર્મીઓ તથા આરોગ્ય-સંબંધિત અન્ય માહિતીના આંકડાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત WHOની અન્ય કામગીરીઓમાં રોગોનું આંતરરાષ્ટ્રીય આંકડાકીય વર્ગીકરણ, આરોગ્ય, ક્રિયાશીલતા તથા પંગુતા(disability)નું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ, પંગુતાનો અંદાજ મેળવવાનું કોષ્ટક, સંક્રામક (ફેલાતા ચેપી) રોગોનું સર્વાધીક્ષણ, આરોગ્યનીતિની માહિતી, ચેપી રોગોની આંતરરાષ્ટ્રીય નકશાપોથી, રસીઓ અને અન્ય જૈવદ્રવ્યો (biologicals) વગેરેની માહિતી એકઠી કરીને પ્રકાશિત કે વિતરિત કરાય છે.
વિશ્વ-આરોગ્ય સંસ્થાની માહિતી માટે વિશ્વવિસ્તારી વિજાલ (World Wide Web) એટલે કે વિવિવિ (www) પર 166 જેટલાં આંતરજાલ-સ્થાનો (internet sites) ઉપલબ્ધ છે.
શિલીન ન. શુક્લ