વિશ્વસુંદરી (વનસ્પતિ)
February, 2005
વિશ્વસુંદરી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ – સીઝાલ્પિનિયાઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amherstia nobilis wall. છે. કંચન, અશોક, ગુલમહોર, ગરમાળો જેવાં સુંદર વૃક્ષો તેના સહસભ્યો છે. વિશ્વસુંદરી આ બધાંમાં સુંદરતમ વૃક્ષ છે અને મ્યાનમારનું વતની છે. તે ગુજરાતમાં થતું નથી. તેને ‘પુષ્પ-વૃક્ષોની રાણી’ (queen of flowering trees) પણ કહે છે. તે સહેલાઈથી ઉછેરી શકાતું નથી.
આ વૃક્ષ આશરે 12 મી. ઊંચું અને ચારેય તરફ ફેલાતું હોય છે. તેનાં પર્ણો યુગ્મપીંછાકાર, કુમળાં, ગુલાબી અને ઝૂલતાં નમી પડતાં હોય તેમ દેખાય છે; પરંતુ પરિપક્વ પર્ણો ટટ્ટાર અને લીલાં હોય છે.
પુષ્પનિર્માણ ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન થાય છે. સિંદૂરિયા રંગનાં પુષ્પો લટકતી આકર્ષક કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. નિપત્રો રાતા રંગનાં હોય છે. પુષ્પ ચાર વજ્રપત્રો, ત્રણ લાલ ભડક રંગનાં પીળાશ પડતાં દલપત્રો, દસ પુંકેસરો અને એક સ્ત્રીકેસર ધરાવે છે. ફળ ચપટું શિંબી પ્રકારનું હોય છે અને બે કે ત્રણ બીજ ધરાવે છે.
ઉદ્યાનમાં તેનો ઉછેર અત્યંત કાળજી હેઠળ થાય છે. મોટેભાગે ડાળખી રોપી પ્રસર્જન કરવામાં આવે છે.
મીનુ પરબિયા
મ. ઝ. શાહ