વિશ્વવેપાર-સંગઠન (The World Trade Organization – WTO)

February, 2005

વિશ્વવેપારસંગઠન (The World Trade Organization WTO) : રાષ્ટ્રો વચ્ચેના વેપાર અંગે થયેલી સમજૂતીઓના અમલ પર દેખરેખ રાખવા માટેનું અનેકદેશીય સંગઠન.

ઉરુગ્વે-રાઉન્ડના નામે ઓળખાતી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતીના ભાગ રૂપે 1-1-1995થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. ઉરુગ્વે-રાઉન્ડની વાટાઘાટો આઠ વર્ષ ચાલી હતી, 1986માં તેની શરૂઆત થઈ હતી અને 1994માં તે પૂરી થઈ હતી. આંતરરાષ્ટ્રીય વેપારના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. તેની પુરોગામી ‘ગેટ’ની પ્રથામાં જે ચીજો અને સેવાઓને આવરી લેવામાં આવી ન હતી, તે પૈકી ઘણી બાબતોને ઉરુગ્વે-રાઉન્ડમાં આવરી લેવામાં આવી અને તેમને વિશ્વવેપાર-સંગઠનના શાસન નીચે મૂકવામાં આવી. ખેતપેદાશો, કાપડ, વસ્ત્રો તથા સેવાઓ અને વેપાર સાથે સંબંધિત બૌદ્ધિક સંપદાને લગતા અધિકારો તેનાં ઉદાહરણો છે.

વિશ્વવેપાર-સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારનીતિ અંગેના નિયમો મુકરર કરવામાં આવ્યા છે. આ પ્રકારનાં આર્થિક સ્વરૂપનાં આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં વિશ્વવેપાર-સંગઠન નોખું પડી જાય છે. આંતરરાષ્ટ્રીય વેપારનીતિને સ્પર્શતી કોઈ બાબત અંગે સભ્ય દેશો વચ્ચે તકરાર થાય તો તેનું નિરાકરણ લાવવા માટેનું તંત્ર આ સંગઠનમાં રચવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા અન્ય આર્થિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં નથી. વિકાસશીલ દેશો માટે આ વ્યવસ્થા સવિશેષ મહત્વની છે. વેપારનીતિ અંગે સધાયેલી સમજૂતીનું, નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન તેઓ અન્યથા વિકસિત દેશો પાસે કરાવી શકે નહિ. ઉરુગ્વે-રાઉન્ડની વાટાઘાટોના અંતે સધાયેલી ત્રણ સમજૂતીઓનો વહીવટ આજે વિશ્વવેપાર-સંગઠન કરી રહ્યું છે : (i) આયાતજકાત અને વેપાર અંગેની સમજૂતી (General Agreement on Tariffs and Trade – GATT), (ii) સેવાઓના આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતી (General Agreement on Trade in Services – GATS) અને (iii) બૌદ્ધિક સંપદાને લગતા અધિકારો, જે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલા હોય (Trade Related Aspects of Intellectual Property Rights – TRIPS).

ઇતિહાસની એક હકીકત તરીકે એ નોંધવું જોઈએ કે 1948માં હવાના ખાતે કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વાટાઘાટોના અંતે આંતરરાષ્ટ્રીય વેપાર-સંગઠન (International Trade Organisation – ITO) રચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકાની સંસદની તેને બહાલી મળે તેમ ન હોવાથી એ સંગઠન રચી શકાયું ન હતું. એ અગાઉ 1947માં 23 દેશોએ ‘ગેટ’ અંગે વાટાઘાટો કરી હતી. તેમાં 12 વિકસિત દેશો હતા અને 11 વિકાસશીલ દેશો હતા. તેમાં ભારતનો સમાવેશ થતો હતો. આંતરરાષ્ટ્રીય વેપાર-સંગઠન અસ્તિત્વમાં આવ્યું નહિ તેથી ‘ગેટ’ જ નક્કર પરિણામ રહ્યું. 1994માં ઉરુગ્વે-રાઉન્ડની સમાપ્તિ થઈ ત્યારે ‘ગેટ’માં સામેલ દેશોની સંખ્યા 128 પર પહોંચી હતી. આજે હવે ‘ગેટ’નું સ્થાન વિશ્વવેપાર-સંગઠને લીધું છે, પરંતુ ચર્ચાઓમાં ‘ગેટ’ શબ્દનો ઉપયોગ પણ વિકલ્પે કરવામાં આવે છે.

‘ગેટ’ની તુલનામાં વિશ્વવેપાર-સંગઠનમાં કેટલાક મહત્વના તફાવતો છે. ‘ગેટ’ એક શિથિલ સ્વરૂપનું સંગઠન હતું. આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની વાટાઘાટો કરવા માટે તથા વેપારનીતિ અંગે સોદાબાજી કરવા માટેનું એ માધ્યમ હતું. તેમાં અણગમતા કરારો અને નિયમોથી બહાર રહેવા માટેનો અવકાશ, વિકલ્પ સભ્યોને હતો. એની વિરુદ્ધ વિશ્વવેપાર-સંગઠનના નિયમો બધા જ સભ્યોને એકસમાન રીતે લાગુ પડે છે; દા.ત., સભ્યો વચ્ચેની તકરારના નિરાકરણ માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે તમામ સભ્યોને એકસરખી રીતે લાગુ પડે છે. કેટલાક લોકોને આ બહુ ગમતો મુદ્દો છે. તેના આધાર પર અનેક મુદ્દાઓની બાબતમાં આંતરરાષ્ટ્રીય શિસ્ત લાદી શકાય; દા.ત., પર્યાવરણ, શ્રમ અંગેનાં ધોરણો, સ્પર્ધા અંગેની નીતિ, મૂડીરોકાણ અંગેની નીતિ, પ્રાણીઓના અધિકારો વગેરે. કેટલાકને આ પ્રકારની આંતરરાષ્ટ્રીય શિસ્ત સ્વીકાર્ય નથી. તેમની દલીલ પ્રમાણે તેનાથી આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રવૃત્તિને નિયંત્રિત કરવાની અને બજારની નિષ્ફળતાને પહોંચી વળવાની દેશની સરકારની શક્તિ કુંઠિત થાય છે. રાજકીય પરિભાષામાં કહીએ તો દેશનું સાર્વભૌમત્વ સીમિત બને છે.

વિશ્વવેપાર-સંગઠનનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય વેપારને સ્પર્શતી નીતિઓ માટે આંતરરાષ્ટ્રીય સહકારના મંચ તરીકેની કામગીરી બજાવવાનું છે. આ સહકારના પરિણામ રૂપે જે નીતિનિયમોને સભ્યો સ્વીકારે છે તે આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની આચારસંહિતા બની રહે છે. વિશ્વવેપાર-સંગઠનને એક બજાર તરીકે પણ જોઈ શકાય. આ સંગઠનના આશ્રયે સમયાંતરે જે વાટાઘાટો થાય છે તેમાં સભ્યો એકમેકને બજારપ્રવેશ આપવા માટેની બાંયધરીઓનો વિનિમય કરે છે. એક દેશ અન્ય દેશોને પોતાના બજારમાં કોઈક સ્વરૂપે છૂટછાટો આપીને અન્ય દેશો પાસેથી પોતાના દેશના નાગરિકો માટે કેટલીક છૂટછાટો મેળવે છે. આ અર્થમાં તે એક સાટાપદ્ધતિથી ચાલતું બજાર છે. આ બજારમાં નાણાં જેવું કોઈ વિનિમયનું માધ્યમ સુલભ નથી. પોતાના દેશની વેપારનીતિ નાણાંના બદલામાં વેચી શકાતી નથી અને પોતાને અનુકૂળ નીવડે એવી અન્ય દેશની વેપારનીતિ નાણાંની મદદથી ખરીદી શકાતી નથી. અહીં તો નારંગી મેળવવા માટે સફરજન આપવાનું છે; દા.ત., પોતાના દેશના કાપડને વિદેશોના બજારમાં પ્રવેશ મળે તે માટે અન્ય દેશોમાંથી થતી લોખંડની આયાતો પરની જકાત ઘટાડવાની છે. આ રીતે સાટાપદ્ધતિથી ચાલતું હોવાથી આ બજાર ઓછું ‘કાર્યક્ષમ’ છે. વિશ્વવેપાર-સંગઠનના આશ્રયે યોજાતી વાટાઘાટો અત્યંત દીર્ઘસૂત્રી અને ત્રાસદાયક બનવાનું મૂળ આ સાટાપદ્ધતિમાં રહેલું છે. આ વિનિમયમાંથી આચારસંહિતા નીપજે છે, એટલે કે ચોક્કસ સ્વરૂપની કાનૂની જવાબદારીઓ નિષ્પન્ન થાય છે, જેનાથી સભ્યોની વેપારનીતિનું નિયંત્રણ થાય છે. ‘ગેટ’, ‘ગેટ્સ’ તથા ‘ટ્રિપ્સ’માં આ પ્રકારની આચારસંહિતા રહેલી છે.

પાયાના સિદ્ધાંતો : વિશ્વવેપાર-સંગઠન વેપારનીતિ ઘડવા માટેનું માળખું પૂરું પાડે છે, એ પ્રમાણે હાથ ધરવામાં આવેલી નીતિઓનાં પરિણામો તે નક્કી કરી આપતું નથી. વેપારનીતિની રમતના નિયમો તે નક્કી કરે છે, રમતનું પરિણામ નહિ. ‘ગેટ’ અને તેના અનુગામી વિશ્વવેપાર-સંગઠનના પાયામાં પાંચ સિદ્ધાંતો પડેલા છે : (1) ભેદભાવનો અભાવ, (2) લાભોની પારસ્પરિક આપ-લે (reciprocity), (3) અમલ કરવાની ફરજ પાડી શકાય એવી પ્રતિબદ્ધતાઓ (enforceable commitmens), (4) પારદર્શિતા અને (5) કેટલાંક રાષ્ટ્રીય હિતોની સલામતી માટેની જોગવાઈઓ (safety valves).

(1) ભેદભાવનો અભાવ (non discrimination) : આ સિદ્ધાંતનાં બે પાસાં છે. તેનું એક પાસું ‘પ્રીતિપાત્ર દેશના નિયમ’ (most-favored nation rule) તરીકે જાણીતું છે. બીજું પાસું સ્વદેશીવત્ વ્યવહારના નિયમ (national treatment principle) તરીકે ઓળખાય છે. આ બંને નિયમોને ચીજવસ્તુઓ, સેવાઓ તથા બૌદ્ધિક સંપદાના સંદર્ભમાં વિશ્વવેપાર-સંગઠનના મુખ્ય નિયમોમાં સમાવી લેવામાં આવ્યા છે, પરંતુ તેમના કાર્યપ્રદેશ અને તેમની વિગતોની બાબતમાં તફાવત છે. સેવાઓની બાબતમાં રાષ્ટ્રવત્ વ્યવહાર માટે કોઈ સર્વસામાન્ય પ્રતિબદ્ધતા મુકરર કરવામાં આવી નથી. તેમાં સેવા પ્રમાણે પ્રતિબદ્ધતા નક્કી કરવામાં આવે છે.

પ્રીતિપાત્ર દેશનો નિયમ આ પ્રમાણે છે : કોઈ એક દેશમાં પેદા થતી પેદાશને જે રીતે વેપારનીતિ લાગુ પાડવામાં આવે તે જ રીતે અન્ય દેશમાં પેદા થતી તેના જેવી જ પેદાશને વેપારનીતિ લાગુ પાડવી જોઈએ; દા. ત., કોઈ એક દેશમાંથી આયાત થતી વસ્તુ ૐ પર અમેરિકાએ ત્રણ ટકાના દરે આયાત-જકાત નાખી હોય તો અન્ય કોઈ પણ દેશમાંથી આયાત થતી ૐ જેવી ચીજ પર તે ત્રણ ટકાથી વધુ દરે જકાત નાખી શકે નહિ. દેશે વેપારનીતિની બાબતમાં તેના સહુથી વધુ પ્રીતિપાત્ર દેશને જે લાભ આપ્યો હોય તે તેણે કશાય ભેદભાવ વિના અન્ય તમામ દેશોને આપવો જોઈએ.

પ્રીતિપાત્ર દેશનો નિયમ બિનશરતી રીતે લાગુ પાડવામાં આવે છે. અલબત્ત, તેમાં કેટલાક અપવાદો રાખવામાં આવ્યા છે. મુક્ત વેપાર વિસ્તાર, જકાતમંડળ તથા અલ્પતમ વિકાસશીલ દેશો તેના અપવાદો છે. જકાતમંડળમાં જોડાયેલા દેશો પરસ્પર થતી આયાતો પર જકાત નાખતા નથી, પરંતુ તેઓને આ નિયમ લાગુ પાડવામાં આવતો નથી. જો તેમને પ્રીતિપાત્ર દેશનો નિયમ લાગુ પાડવામાં આવે તો તેમને અન્ય તમામ દેશોમાંથી થતી આયાતોને જકાતમુક્ત કરી દેવી પડે. આ અપવાદનો એક મોટો લાભાર્થી યુરોપીય સંઘ છે. મુક્ત વેપારના નામે ઓળખાતી સમજૂતી કરતા દેશો પરસ્પર થતી બધી કે કેટલીક ચીજોની આયાત પર નીચા દરે કે શૂન્ય દરે જકાત નાખે છે. આ લાભ તેમને અન્ય દેશોને આપવો પડતો નથી.

પ્રીતિપાત્ર દેશનો નિયમ વિશ્વવેપાર-સંગઠનનો એક આધારસ્તંભ છે. તેની પાછળનું એક વાજબીપણું આર્થિક છે. આયાત-જકાત જેવી બાબતોમાં જો સરકારની નીતિઓ દેશો વચ્ચે ભેદભાવ સર્જતી ન હોય તો આયાતકારો અને ગ્રાહકો સસ્તામાં સસ્તા વિદેશી પુરવઠાકારને પસંદ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો જે દેશમાં વસ્તુ નીચામાં નીચી કિંમતે મળતી હશે એ દેશમાંથી જ તે ખરીદવામાં આવશે. આ નિયમનું એક રાજકીય પાસું પણ છે. આ નિયમને કારણે વેપારનીતિનો ઉપયોગ વિદેશનીતિના એક સાધન તરીકે થઈ શકે નહિ. પ્રીતિપાત્ર દેશની જોગવાઈનો મોટો લાભ નાના દેશોને મળે છે. આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની વાટાઘાટોમાં તેઓ અલ્પ સોદાશક્તિ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં બળિયા દેશો તેમની મોટી સોદાશક્તિના આધાર પર જે લાભ મેળવે છે તે નાના દેશોને, આ નિયમને કારણે, અનાયાસે મળી જાય છે.

પ્રીતિપાત્ર દેશના નિયમને કારણે તેમાં જોડાયેલા દેશો પર સમજૂતીમાં નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટેનું દબાણ સર્જાય છે. જો કોઈ દેશ સમજૂતીમાંથી નીકળી જાય (‘ગેટ’ અને હવે વિશ્વવેપાર-સંગઠનનો સભ્ય ન રહે) તો તેને પ્રીતિપાત્ર દેશના નિયમનો લાભ મળે નહિ. આ નિયમના કારણે જો કોઈ દેશ વેપાર સામેના અવરોધોની ઊંચાઈ વધારવા માગતો હોય તો બધા દેશો માટે સમાન રીતે તેણે એ ઊંચાઈ વધારવી પડે. આની કેટલીક રાજકીય કિંમત તેણે ચૂકવવી પડે; દા. ત., દેશના આયાતકારોના વિરોધનો સામનો સરકારે કરવો પડે. પ્રીતિપાત્ર દેશની જોગવાઈને કારણે વ્યક્તિગત રીતે દેશને ઘણી સરળતા થાય છે. તેને પ્રત્યેક દેશ સાથે સોદાબાજી કરવી પડતી નથી.

સ્વદેશીવત્ વ્યવહારનો નિયમ આ પ્રમાણે છે : આયાત માટેનાં જે ધારાધોરણો દેશે મુકરર કર્યાં હોય તે સંતોષીને વિદેશમાં પેદા થયેલી ચીજ દેશમાં પ્રવેશે એ પછી દેશમાં પેદા થતી ચીજો માટે કરવેરા અને અન્ય બાબતોમાં જે વ્યવહાર કરવામાં આવતો હોય એવો જ વ્યવહાર એ વિદેશી ચીજ પરત્વે રાખવો જોઈએ. તળપદી ભાષામાં કહીએ તો વિદેશી ચીજ પરત્વે ઓરમાયું વર્તન નહિ રાખવાનું.

સ્વદેશીવત્ કે સમાન વ્યવહારના નિયમ પાછળનો વિચાર આ પ્રમાણે છે : આયાત-જકાત જેવી બાબતોમાં કોઈ દેશ ઉદારીકરણની નીતિ અપનાવ્યાનો દેખાવ કરે, પરંતુ દેશમાં આયાત થતી ચીજો પર આંતરિક વેરા ઊંચા દરે લાદે અથવા અન્ય અવરોધો ઊભા કરીને દેશના ઉત્પાદકોની તુલનામાં વિદેશના ઉત્પાદકોને ગેરલાભની સ્થિતિમાં મૂકે; દા. ત., દેશના ઉત્પાદન ઉપર વેચાણવેરો ક્ષ ટકા હોય પરંતુ બરાબર એ જ પ્રકારની વિદેશી ચીજ પર ‘ક્ષ + 1’ ટકાના દરે વેચાણવેરો લેવામાં આવે તો વિદેશનો ઉત્પાદક ગેરલાભની સ્થિતિમાં મુકાય. આવી બેવડી નીતિને ટાળવા માટે આ નિયમ જરૂરી છે. આ નિયમને કારણે વિદેશી ઉત્પાદકો કે પુરવઠાકારો માટે નિયંત્રણોની બાબતમાં એક પ્રકારની નિશ્ચિતતા પેદા થાય છે, આને પરિણામે દેશના હરીફોના દબાણને કારણે દેશની સરકાર વિદેશી પુરવઠાકારો માટે પ્રતિકૂળ નીવડે એવા ફેરફારો કરી શકતી નથી. વિશ્વવેપાર-સંગઠનમાં તકરારોના નિવારણ માટે જે કેસ આવે છે તેમાં આ નિયમના ભંગની ભૂમિકા પર આવતા કેસોની સંખ્યા મોટી હોય છે. આ નિયમનું હાર્દ દેશના અને વિદેશના હરીફ ઉત્પાદકો વચ્ચે ભેદભાવના અભાવમાં રહેલું છે. ભેદભાવનું અસ્તિત્વ નિયમના ભંગ માટે પૂરતું છે. એનાં પરિણામો સંબંધકર્તા દેશ માટે પ્રતિકૂળ નથી એવી દલીલ અહીં અપ્રસ્તુત બને છે.

(2) પારસ્પારિકતા : પારસ્પારિકતા વિવિધ દેશો વચ્ચે યોજાતી વાટાઘાટોની પ્રક્રિયાનું પાયાનું તત્વ છે. એની ભૂમિકા રાજકીય છે. વેપારમાં કરવામાં આવતા ઉદારીકરણની કિંમત દેશના ચોક્કસ ઉદ્યોગોને ચૂકવવી પડે છે. જે ઔદ્યોગિક ચીજો પરની આયાત-જકાત ઘટાડવામાં આવે અથવા આયાતો પરનો ક્વોટા દૂર કરવામાં આવે તેની અવેજીમાં આવતી ચીજોના સ્વદેશી ઉત્પાદકોને વધુ સ્પર્ધાનો સામનો કરવાનો આવે છે. આ ઉત્પાદકો સામાન્ય રીતે સંગઠિત હોય છે અથવા તેઓ સંગઠિત બને છે. તેઓ આયાતોના ઉદારીકરણનો વિરોધ કરે છે. એ વિરોધ વધુ વાચાળ હોય છે. બીજી બાજુ, આયાતોની બાબતોમાં કરવામાં આવતા ઉદારીકરણના લાભો એકંદરે મોટા હોય છે, પરંતુ તે મોટી સંખ્યામાં લાભાર્થીઓ વચ્ચે વહેંચાયેલા હોય છે. વ્યક્તિગત લાભાર્થી માટે લાભ નાનો હોવાથી તેઓ તેનું રક્ષણ કરવા માટે સંગઠિત થવા પ્રેરાતા નથી. આના વિકલ્પ રૂપે ચોક્કસ વસ્તુઓની નિકાસોની બાબતમાં દેશને લાભ થશે એવું જો દર્શાવી શકાય તો આયાત-ઉદારીકરણના વિરોધને હળવો કરી શકાય. મુદ્દો એ છે કે વેપાર અંગે વાટાઘાટોમાં ઊતરીને આયાતોની બાબતમાં અન્ય દેશોને છૂટછાટો કે લાભો આપતા દેશને ઘરઆંગણે એ દર્શાવવાનું હોય છે કે તેના બદલામાં ચોક્કસ લાભો મેળવવામાં આવ્યા છે. તેથી વેપાર અંગેની આંતરરાષ્ટ્રીય વાટાઘાટોમાં પારસ્પરિકતાની, એટલે કે આપ-લેની પ્રથા ચાલે છે. કશુંક આપો અને બદલામાં કશુંક મેળવો.

(3) બંધનકર્તા અને અમલક્ષમ બાંયધરીઓ : આંતરરાષ્ટ્રીય વેપારનીતિ અંગેના સ્વીકારવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં ન આવે તો ઉદારીકરણ માટે કરવામાં આવેલી સમજૂતીઓ અને આપવામાં આવેલી બાંયધરીઓનું કશું મૂલ્ય રહે નહિ. સભ્ય દેશોને તેમણે આપેલી બાંયધરીઓનો અમલ કરવાની ફરજ પડે એ માટેના વિવિધ પ્રબંધો વિશ્વવેપાર-સંગઠનની સમજૂતીમાં કરવામાં આવેલા છે. ભેદભાવના અભાવનો સિદ્ધાંત ‘ગેટ’ના આર્ટિકલ એકમાં (પ્રીતિપાત્ર દેશનો નિયમ) તથા સ્વદેશીવત્ વ્યવહારનો નિયમ આર્ટિકલ ત્રણમાં મૂકવામાં આવ્યો છે. અન્ય દેશોની નક્કી કરવામાં આવેલી ચીજો માટે પોતાના દેશનું બજાર ખુલ્લું મૂકવાની બાંયધરીના સંદર્ભમાં આ નિયમો મહત્વના છે. સભ્યોએ આયાત-જકાતની બાબતમાં જે બાંયધરીઓ આપી હોય તેની યાદી પ્રગટ કરવામાં આવે છે. એ યાદીઓમાં ચોક્કસ વસ્તુ પર સંબંધકર્તા દેશ વધુમાં વધુ કેટલા દરે જકાત નાખી શકશે તે દર્શાવવામાં આવ્યું હોય છે. સભ્યોએ જકાત-ટોચના દર અંગે આ રીતે જે બાંયધરી આપી હોય તેનાથી ઊંચા દરે તેઓ આયાત-જકાત નાખી શકે નહિ. ચોક્કસ ચીજો પર તેઓ જો તેનાથી ઊંચા દરે જકાત નાખવા ઇચ્છતા હોય તો તેનાથી અસર પામનાર અન્ય દેશોને તેણે અન્ય ચીજો પરની જકાતમાં ઘટાડો કરીને વળતર આપવું પડે. વળી એ રીતે જકાતના દરમાં જે ઘટાડો કરવામાં આવે તેના લાભને પસંદગીના જૂજ દેશો પૂરતો સીમિત રાખી શકાય નહિ, તેનો લાભ વિશ્વવેપાર-સંગઠનના બધા દેશોને આપવો પડે. આમ આપેલી બાંયધરીનો ભંગ કરવાની કિંમત ઘણી મોટી થઈ જાય.

જકાત-દરની બાબતમાં બાંયધરી આપ્યા પછી, એટલે કે જકાતની બાબતમાં આપવામાં આવેલી છૂટછાટો પછી તેની અસરોને ભૂંસી નાખે એવાં જકાત સિવાયનાં પગલાં લેવાનો અવકાશ સભ્યો પાસે રહેવો જોઈએ નહિ. આ માટે સંખ્યાબંધ જોગવાઈઓ ‘ગેટ’માં રાખવામાં આવી છે; દા. ત., આયાત-જકાત નક્કી કરવા માટે આયાત થયેલી વસ્તુનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું છે તે આર્ટિકલ સાતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ જોગવાઈના અભાવમાં આયાત-જકાતના દરને યથાવત્ રાખીને પણ જકાત વધારી શકાય એ માટે આયાત થતી વસ્તુની કિંમતને મનસ્વી રીતે ઊંચી આંકવાનો માર્ગ દેશ અપનાવી શકે, આયાતો તથા નિકાસો પર ક્વોટા લાદવા પર આર્ટિકલ 11 દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિકાસો પર સબસિડી આપીને તેમને વિદેશોના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. કોઈ દેશ તેની નિકાસની કેટલીક ચીજો પર સબસિડી આપતો હોય તો તેનાથી અસરગ્રસ્ત થનાર દેશોને અવેજી વસ્તુઓના દેશમાં થતા ઉત્પાદન માટે સબસિડી આપવાની છૂટ આપવામાં આવી છે.

કોઈ દેશને જો એમ લાગે કે પોતાની નિકાસ સામે અન્ય દેશે અવરોધ ઊભો કર્યો છે અને એ રીતે વિશ્વવેપાર-સંગઠનની શિસ્તનો ભંગ કર્યો છે તો દેશ એ વાત વિદેશની સરકારના ધ્યાન પર લાવી શકે અને તેની નીતિ બદલવાની માગણી કરી શકે. સંબંધિત દેશની સરકારે ભરેલાં પગલાંથી જો દેશને સંતોષ ન થાય તો તે વિશ્વવેપાર-સંગઠનના તકરાર-નિરાકરણ તંત્રનો લાભ લઈ શકે છે. એ તંત્રમાં તટસ્થ નિષ્ણાતોની પૅનલ રચવાનો પ્રબંધ છે. ટૂંકમાં, વેપારનીતિ અંગે કરવામાં આવેલી સમજૂતીનો અમલ કરવાની સભ્યોને ફરજ પડે તે માટે વિવિધ પ્રબંધો આમેજ કરવામાં આવેલા છે.

વિશ્વવેપાર-સંગઠન સરકારો વચ્ચેની સમજૂતી હોવાથી તેમાં ખાનગી વ્યક્તિઓ ફરિયાદ લઈને જઈ શકતી નથી, એ સંબંધકર્તા વ્યક્તિઓને બદલે સરકાર જ તેમનો કેસ લઈને વિશ્વવેપાર-સંગઠનમાં જઈ શકે. આ સંગઠનમાં તકરાર-નિરાકરણ તંત્રની વ્યવસ્થા હોવાથી કોઈ દેશને એકતરફી પગલું ભરવાનો અવકાશ રહેતો નથી. નાના દેશો માટે આ જોગવાઈ વધારે મહત્વની છે. મોટા દેશો દ્વારા તેમનાં હિતોને નુકસાન પહોંચે એવાં પગલાં સામે આ દેશો વળતાં પગલાં ભરીને કશું હાંસલ કરી શકે નહિ. આમ નિયમાધીન વૈશ્ર્વિક સંગઠનોમાં નાના દેશોનું હિત સમાયેલું છે.

(4) પારદર્શિતા : સભ્ય દેશો કેવી વેપારનીતિનો અમલ કરી રહ્યા છે તેની માહિતી સુલભ હોય તો જ જે તે દેશે આપેલી બાંયધરીઓનું તેની પાસે પાલન કરાવી શકાય. તેથી સભ્યો વચ્ચે પ્રસ્તુત માહિતીની આપલે થતી રહે તેનો પ્રબંધ વિશ્વવેપાર-સંગઠનમાં કરવામાં આવ્યો છે. વિવિધ તજ્જ્ઞ સમિતિઓ, કાર્યકારી જૂથો અને સમિતિઓ જિનીવા ખાતે આવેલા વિશ્વવેપાર-સંગઠનના કાર્યાલયમાં નિયમિત રીતે મળે છે. પારસ્પરિક વિચાર-વિનિમયનાં આ માધ્યમો દ્વારા માહિતી અને વિચારોની આપલે થાય છે. તેના પરિણામ રૂપે સંભવિત સંઘર્ષ હળવો થાય છે.

પારદર્શિતા વિશ્વવેપાર-સંગઠનની એક આધારશિલા છે. એમાંથી પેદા થતી કાનૂની જવાબદારીઓને બે આર્ટિકલમાં મૂકવામાં આવી છે : સભ્યોએ વેપાર પરનાં તેમનાં નિયંત્રણો પ્રગટ કરવાનાં છે, વેપારને અસર કરતા વહીવટી નિર્ણયોની સમીક્ષા કરવા માટે સંસ્થાઓ સ્થાપવાની છે અને નિભાવવાની છે, અન્ય સભ્ય દેશો માગે તે વેપારવિષયક માહિતી આપવાની છે, વેપારનીતિમાં કરવામાં આવેલા ફેરફારોની જાણ વિશ્વવેપાર-સંગઠનને કરવાની છે, વિશ્વવેપાર-સંગઠન દ્વારા વેપારનીતિની કરવામાં આવતી દેશવાર સમીક્ષા માટે સહકાર આપવાનો છે. વેપારનીતિની દેશવાર સમીક્ષાનો હેવાલ વિશ્વવેપાર- સંગઠનના સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે અને સંગઠનની જનરલ કાઉન્સિલ દ્વારા એ હેવાલની ચર્ચા કરવામાં આવે છે. બાહ્ય સંસ્થા દ્વારા રાખવામાં આવતી આ દેખરેખથી જે તે દેશના નાગરિકો તથા વેપારમાં ભાગીદાર દેશો માટે પારદર્શિતા આવે છે. વેપારનીતિ અંગેની ઉપયોગી બધી જ માહિતી આ રીતે પ્રગટ થઈ જતી હોવાથી સભ્યો તેમણે આપેલી બાંયધરીઓમાંથી છટકી શકતા નથી.

પારદર્શિતાના કેટલાક લાભો છે. તેનાથી તકરાર-નિરાકરણ તંત્ર પરનું દબાણ ઘટે છે; કેમ કે, તકરારના મુદ્દાની ચર્ચા વિશ્વવેપાર-સંગઠનના કોઈ મંડળમાં થતી રહે છે. એનાથી ઘણી વાર સભ્યને ખ્યાલ આવે છે કે પોતે નિયમભંગ કર્યો છે. કેટલીક સંભવિત તકરારો અનૌપચારિક બેઠકોની ચર્ચામાં હળવી થઈ જાય છે. પારદર્શિતાને કારણે વિવિધ દેશોના નાગરિકો વિશ્વવેપાર-સંગઠન શું છે તે જાણતા થાય છે. વિશ્વવેપાર-સંગઠન શું કરે છે તે જો લોકો જાણતા જ ન હોય તો તેની યોગ્યતા કે વિશ્વસનીયતાનું ધોવાણ થાય. દેશવાર વેપારનીતિની જે સમીક્ષા વિશ્વવેપાર-સંગઠન દ્વારા કરવામાં આવે છે તે માહિતી માટેનો એક અદ્વિતીય સ્રોત છે. તેના આધાર પર નાગરિક સમાજ પોતાના દેશની વેપારનીતિનું મૂલ્યાંકન કરી શકે. અર્થશાસ્ત્રીય રીતે વિચારીએ તો પારદર્શિતાને કારણે વેપારનીતિની સાથે સંકળાયેલી અનિશ્ચિતતા ઘટે છે. વેપારનીતિની ઘટતી અનિશ્ચિતતા દેશની આર્થિક વૃદ્ધિ માટે પોષક નીવડે છે.

(5) રાષ્ટ્રીય હિતોની સલામતી : કેટલાંક રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે ચોક્કસ સંજોગોમાં દેશની સરકાર વેપાર પર નિયંત્રણો લાદી શકે. ત્રણ પ્રકારનાં હિતો માટે સભ્યોને આ છૂટછાટ આપવામાં આવી છે. એક, કેટલાક બિનઆર્થિક ઉદ્દેશો હાંસલ કરવા માટે; બે, ‘વાજબી સ્પર્ધા’ ટકાવી રાખવા માટે અને ત્રણ, આર્થિક કારણોસર વેપારમાં દરમિયાનગીરી કરવા માટે આયાતો પર નિયંત્રણો લાદવાની છૂટ આપવામાં આવી છે. બિનઆર્થિક હેતુઓમાં રાષ્ટ્રની સલામતી, લોકોનું સ્વાસ્થ્ય વગેરેનો સમાવેશ થાય છે. જે ચીજોની આયાતોથી દેશના ચોક્કસ ઉદ્યોગોને ગંભીર હાનિ પહોંચે એ હદે સ્પર્ધા સર્જાતી હોય એવા ઉદ્યોગોને સંરક્ષણ આપવા માટે રાજ્ય હસ્તક્ષેપ કરી શકે. આની પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ શબ્દોમાં મૂકવામાં આવ્યો નથી, પરંતુ તેની આપણે કલ્પના કરી શકીએ. કેટલાક ઉદ્યોગો માટે અતિસ્પર્ધા સર્જાવાથી જે રાજકીય અને સામાજિક પ્રશ્ર્નો ઊભા થાય તેનાથી બચવા માટે આ જોગવાઈ રાખવામાં આવી છે. આયાત થતી જે ચીજો પર વિદેશોમાં સબસિડી આપવામાં આવતી હોય તેની સામે દેશ વાજબી સ્પર્ધાને ટકાવી રાખવા માટે વળતી જકાત નાખી શકે. એ જ રીતે કોઈ દેશના ઉત્પાદકો ડમ્પિંગ કરતા હોય (પોતાના દેશમાં તેઓ જે કિંમતે વસ્તુ વેચતા હોય તેના કરતાં નીચી કિંમતે તેઓ વિદેશોમાં વસ્તુ વેચતા હોય) તો તેની સામે ડમ્િંપગ-વિરોધી જકાત નાખી શકે. જે આર્થિક ભૂમિકા પર જકાત નાખવાની સભ્યોને છૂટ આપવામાં આવી છે તેમાં મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય છે : દેશના લેણદેણના સરવૈયા પર ગંભીર સ્વરૂપની ખાધ હોય, સરકાર દેશના કોઈ બાળ-ઉદ્યોગને સંરક્ષણ આપવા ઇચ્છતી હોય.

કાર્યપ્રદેશ અને કાર્યશૈલી : વિશ્વવેપાર-સંગઠનની મુખ્ય કામગીરીઓ તેના સભ્યો વચ્ચે થયેલી અનેકદેશીય સમજૂતીઓનો અમલ કરાવવાની છે, એ વાટાઘાટો માટેનો મંચ પૂરો પાડવાની છે, તકરાર-નિરાકરણ માટેના તંત્રનો વહીવટ કરવાની છે, સભ્યોની વેપારનીતિઓના અમલ પર દેખરેખ રાખવાની છે તથા વૈશ્ર્વિક આર્થિક નીતિઓમાં સંવાદિતા આણવા માટે વિશ્વબૅંક તથા આંતરરાષ્ટ્રીય નાણાભંડોળને સહકાર આપવાની છે.

સંગઠનનું ટોચ પરનું સત્તામંડળ પ્રધાન-પરિષદ છે. તમામ સભ્યોના વેપારપ્રધાનો તેના સભ્યો છે. આ પરિષદ દર બે વર્ષે ઓછામાં ઓછી એક વખત મળવી જોઈએ. ‘ગેટ’માં પ્રધાનોની પરિષદ એક દસકા સુધી ન મળે તો પણ નિયમભંગ થયેલો નહોતો ગણાતો. વિશ્વવેપાર-સંગઠનના આશ્રયે પ્રધાનોને વારંવાર મળવાનો પ્રબંધ રાખવામાં આવ્યો છે. વિશ્વવેપાર-સંગઠનને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન અને રાજકીય પીઠબળ પૂરું પાડવા માટે એ જોગવાઈ રાખવામાં આવી છે.

પ્રધાન-પરિષદો મળે એ વચ્ચેના સમયગાળામાં વિશ્વવેપાર-સંગઠનનાં કાર્યો પાર પાડવાની જવાબદારી જનરલ કાઉન્સિલની રહે છે. તેમાં સભ્યોના રાજદૂતો બેસે છે. જનરલ કાઉન્સિલ વર્ષમાં 12 વખત મળે છે. સરેરાશના ધોરણે ગણતાં 70 ટકા સભ્યો તેમાં હાજરી આપે છે. આ જનરલ કાઉન્સિલ, જરૂરત ઊભી થાય ત્યારે વેપારનીતિ અંગે ઊભી થતી તકરારોના લવાદ તરીકે કામ કરે છે (The Dispute Settlement Body) અને એ જ કાઉન્સિલ સભ્યોની વેપારનીતિઓના સમીક્ષક તરીકેની કામગીરી પણ બજાવે છે.

જનરલ કાઉન્સિલના માર્ગદર્શન નીચે ત્રણ પેટાકાઉન્સિલો કામગીરી બજાવે છે. ચીજવસ્તુઓ, સેવાઓ તથા બૌદ્ધિક સંપદાના અધિકારો – એ પ્રત્યેક માટે એક એક પેટાકાઉન્સિલ છે. વિકાસશીલ દેશોનાં હિતો માટે એક સમિતિ (વેપાર અને વિકાસ માટેની સમિતિ) કામ કરે છે. અન્ય અનેક પ્રસ્તુત બાબતો અંગે આ પ્રકારની સમિતિઓ રચવામાં આવેલી છે. તેનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે : લેણદેણના સરવૈયાની મુશ્કેલીની ભૂમિકા પર લાદવામાં આવેલાં વેપાર-નિયંત્રણો પર દેખરેખ રાખવા માટેની સમિતિ, પ્રાદેશિક વેપારી કરારો પર દેખરેખ માટેની સમિતિ, વેપાર અને પર્યાવરણ વચ્ચેના સંબંધો માટેની સમિતિ, વિશ્વવેપાર-સંગઠન માટે નાણાકીય બંદોબસ્ત કરવા માટેની સમિતિ વગેરે. એકંદરે 40થી વધુ સમિતિઓ, પેટાસમિતિઓ, કાર્યકારી જૂથો વર્ષભર કામ કરતાં રહે છે. ‘ગેટ’ની સમિતિઓ કરતાં આ સંખ્યા બમણી છે. આ બધી સમિતિઓનું સભ્યપદ બધા સભ્યો માટે ખુલ્લું છે, પરંતુ સામાન્ય રીતે મહત્વના દેશો નિયમિત રીતે તેમના પ્રતિનિધિઓને મોકલતા હોય છે. અડધાથી ઓછા સભ્યો આ રીતે સક્રિય હોય છે. બધા દેશો એવી તજ્જ્ઞતા ધરાવતા રાજદૂતો કે અધિકારીઓ ધરાવતા નથી. વળી ઘણા દેશોનું વેપારમાં હિત સીમિત હોવાથી તેઓ સંગઠનની બધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું પસંદ કરતા નથી. વિકાસશીલ દેશોમાં પણ જેઓ અલ્પ વિકાસ સાધી શક્યા છે તેમની સામેલગીરી ન્યૂનતમ છે. આ દેશોનાં પ્રતિનિધિમંડળો જ જિનીવામાં નથી હોતાં. તેથી વિવિધ સમિતિઓ અને જૂથોની બેઠકોમાં હાજરી આપવાનો પ્રશ્ર્ન જ તેમના માટે ઊભો થતો નથી. વિશ્વવેપાર-સંગઠનના આશ્રયે વર્ષમાં નાનીમોટી 1,200 મિટિંગો થાય છે.

વિશ્વવેપાર-સંગઠનની રોજેરોજની પ્રવૃત્તિઓ સભ્યોનાં પ્રતિનિધિમંડળો સાથે સંકળાયેલા અધિકારીઓ સંભાળે છે. વિશ્વવેપાર-સંગઠન એક સુગ્રથિત (network) સંગઠન છે. એની સાથે અનેક સંગઠનો, તંત્રો, વ્યક્તિઓ સંકળાયેલાં છે; જે જુદા જુદા દેશોમાં કામગીરી બજાવતાં હોય છે. જિનીવામાં વિવિધ દેશોનાં જે પ્રતિનિધિમંડળો વસે છે તેમના અધિકારીઓ, વિવિધ દેશોની રાજધાનીઓમાં રહીને વેપારનીતિની કામગીરી સંભાળતા સરકારી અધિકારીઓ, પોતાનાં હિતોને આગળ ધપાવવા માટે કાર્યરત વેપારીગૃહો અને બિનસરકારી સંગઠનો – એ બધાં આ સંગઠન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલાં રહે છે. વિશ્વવેપાર-સંગઠનની કામગીરી આ સેંકડો વ્યક્તિઓના પ્રયાસોનું પરિણામ કે નીપજ હોય છે.

વેપારનીતિ અંગેનો વાટાઘાટોનો દોર શરૂ કરવાની તથા સભ્યો વચ્ચે તકરારોનું નિરાકરણ કરવા માટેની ઉપક્રમશીલતા સભ્યોએ પોતે જ દાખવવાની છે. એ જવાબદારી વિશ્વવેપાર-સંગઠનના વહીવટીતંત્રની સચિવાલયની નથી.

વિશ્વવેપાર-સંગઠન દ્વારા કરવામાં આવતા નિર્ણયોની બાબતમાં ‘ગેટ’ની પ્રણાલિકાને અનુસરવામાં આવે છે. વિચારવિમર્શ દ્વારા વ્યાપક કે સર્વસંમતિ સાધીને નિર્ણયો કરવામાં આવે છે. સર્વસંમત નિર્ણયો કરવાની આ પ્રથા નાના દેશો માટે મહત્વની છે; અનૌપચારિક ચર્ચાઓમાં તથા સોદાબાજીમાં આ પ્રથાને કારણે નાના દેશો અસરકારક બની શકે છે. આ દેશો જો પોતાનું જૂથ ઊભું કરી શકે તો તેઓ વધુ અસરકારક બની શકે છે. વિશ્વવેપાર-સંગઠનના બંધારણ પ્રમાણે મતદાનથી નિર્ણયો કરી શકાય. પ્રત્યેક સભ્યને એક મત આપવાનો અધિકાર છે. બંધારણીય જોગવાઈ પ્રમાણે પ્રીતિપાત્ર દેશનો નિયમ કે સ્વદેશીવત્ વહેવાર જેવા સામાન્ય નિયમોને સુધારવા માટે સર્વાનુમતી જોઈએ. વિશ્વવેપાર-સંગઠનના આશ્રયે થયેલી સમજૂતીના અર્થઘટનને બહાલી આપવા માટે તથા સભ્યોને જવાબદારીમાંથી મુક્તિ આપતી જોગવાઈઓ (waivers) અંગે નિર્ણય કરવા માટે ત્રણ ચતુર્થાંશની બહુમતી જરૂરી છે. આ સિવાયની જોગવાઈઓમાં સુધારા માટે બે તૃતીયાંશની બહુમતી જરૂરી છે. પરંતુ વ્યવહારમાં કોઈ નિર્ણય માટે મતદાનનો આશ્રય લેવામાં આવતો નથી. બધા જ નિર્ણયો સર્વસંમતિથી કરવામાં આવે છે. 2004માં વિશ્વવેપાર-સંગઠનના સભ્યો 147 હતા. આવી મોટી સંખ્યામાં સર્વસંમતિ સાધવાનું કાર્ય ખૂબ દીર્ઘસૂત્રી બને તે સહજ છે.

રમેશ ભા. શાહ