વિશ્વરૂપ વિષ્ણુ : વિષ્ણુનું વિશ્વરૂપ દર્શનનું આ સ્વરૂપ ઋગ્વેદના પુરુષસૂક્તના ‘सहस्रशीर्षपुरुषः’ને અથવા ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણના વિશ્વરૂપ દર્શનને સાકાર કરવાના ખ્યાલમાંથી ઉદ્ભવ્યું હોય તેમ લાગે છે. આ પ્રકારના શિલ્પમાં વિષ્ણુને ત્રણ મુખવાળા દર્શાવવામાં આવે છે. વચ્ચેનું મુખ મનુષ્યનું, ડાબી બાજુનું સિંહનું અને જમણી બાજુનું મુખ વરાહનું હોય છે.

વિશ્વરૂપ વિષ્ણુક-નોજ

વિશ્વરૂપ વિષ્ણુની બે પ્રતિમાઓ શામળાજીમાંથી મળી આવી છે. તેમાંથી એક ત્યાંના નાગધરા પાસે એક દેરીમાં છે. સ્થાનિક આદિવાસીઓ તેને ‘કળશી છોકરાની મા’ તરીકે પૂજે છે. આ પ્રતિમા છઠ્ઠા સૈકાની લગભગ ઈ. સ. 550ની આસપાસની છે. વિષ્ણુના આઠ હાથ છે પણ તે ખંડિત છે. અનંત નાગ ઉપર વિષ્ણુ ઉભડક બેઠા છે. તેમની પાછળના ભાગમાં વિષ્ણુમાંથી પ્રગટતી 23 અન્ય આકૃતિઓ છે; જેમાંથી સૂર્ય, ચંદ્ર, બ્રહ્મા, શિવ, હયગ્રીવ, વરાહ, બલરામ વગેરે સ્પષ્ટ નજરે પડે છે. બીજી પ્રતિમા વડોદરાના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે છઠ્ઠા સૈકાની જણાય છે. વિષ્ણુના ત્રણ મુખ એલિફન્ટાની મહેશમૂર્તિના ત્રિમુખને મળતા આવે છે. ગુજરાતમાંથી આવી ત્રીજી પ્રતિમા કપડવંજ પાસેના કઠલાલ ગામમાંથી મળી આવી છે. આ પ્રતિમા સાતમા સૈકાની અને મૈત્રક કાલની છે. વિષ્ણુના ત્રણેય મુખ પર કિરીટ-મુકુટ છે, અષ્ટભુજા મૂર્તિના બધા જ હાથ ખંડિત છે. વચ્ચેના મુકુટની ઉપર ઊભી હરોળમાં ત્રણ અને બે બાજુએ નવ નવ આકૃતિઓ છે. વિશ્વરૂપ મૂર્તિશિલ્પમાં આવાં કુલ 23 ગૌણ મુખ દર્શાવ્યાં છે. નવમી સદીનું આવું એક શિલ્પ કનોજમાંથી મળ્યું છે.   અષ્ટભુજ વિષ્ણુના જમણા ચાર હાથોમાંથી ત્રણમાં પાશ, ગદા, ખડ્ગ છે અને ચોથો અભય મુદ્રાવાળો છે તો તેમના ડાબા ચાર હાથોમાં ખેટક, ચક્ર, પદ્મ તથા શંખ છે. તેમનો કિરીટ-મુકુટ રત્નજડિત છે. તેમના પગને ટેકો આપતા નાગ પાતાળલોકનું સૂચન કરે છે. નીચેથી ઉપર જતાં આખુંયે વિશ્વ પ્રગટ થતું અને ટોચે બ્રહ્મલોકમાં વિરમતું જણાય છે. ચતુર્મુખ બ્રહ્મા દ્વારા બ્રહ્મલોકનું સૂચન કર્યું છે. આયુધ-પુરુષો દેવની સેવામાં પ્રવૃત્ત દર્શાવ્યા છે. વિષ્ણુના મુખ્ય અવતારો અહીં દર્શાવ્યા છે. મસ્તકની પાછળ જમણી બાજુએ મત્સ્ય, કૂર્મ તથા ડાબી બાજુએ વરાહ અને સિંહનાં મસ્તકો છે. જે પ્રથમ ચાર અવતારોનું સૂચન કરે છે. મુકુટની ઉપર પરશુરામ, રામ અને કલ્કિ દર્શાવ્યાં છે. તેમની ઉપર બ્રહ્મા છે. દેવની જમણી બાજુએ 11 રુદ્રો અને ડાબી બાજુએ 12 આદિત્યો છે. આ ઉપરાંત બલરામ, ઇન્દ્ર, સરસ્વતી, કાર્તિકેય, ગણેશ વગેરે દેવ-દેવીઓ કંડારેલાં છે. દેવને ફરતાં આઠ ભૈરવ-મસ્તકો પ્રભામંડળ માટે કંડારેલાં છે. આ મસ્તકો અન્ય મસ્તકો કરતાં કદમાં મોટાં છે. આ શિલ્પ ગુર્જર પ્રતીહાર-શૈલીનાં સર્વોત્તમ શિલ્પો પૈકીનું એક ગણાય છે.

થૉમસ પરમાર