વિશ્વર અન્ના (રૉમેર્સ ડોચ્ટર) Visscher Anna (Roemers dochter)
February, 2005
વિશ્વર, અન્ના (રૉમેર્સ ડોચ્ટર) Visscher, Anna (Roemers dochter) (જ. 22 ફેબ્રુઆરી 1583, ઍમસ્ટરડૅમ; અ. 6 ડિસેમ્બર 1651, આલ્કમાર, નેધરલૅન્ડ) : ડચ કવયિત્રી. રેનેસાંસ યુગના પંડિત પિતા રૉમર વિશ્વરની પુત્રી. અન્નાની બહેન મારિયા ટેસ્સેલસ્ચેડ પણ સાહિત્યક્ષેત્રે પ્રતિભાવંત નામ હતું. કૉન્સ્ટૅન્જિન હાઇજેન્ઝ અને પીટર કૉર્નેલિઝૂન હૂફ્ટ જેવા કવિઓએ અન્નાની કવિતાના મુક્તકંઠે વખાણ કરેલાં.
અન્નાની કવિતા અર્થમાં દુષ્કર (stiff) અને વ્યક્તિનિરપેક્ષ (impersonal) છે. સત્તરમી સદીમાં તેમણે મુખ્યત્વે સૉનેટ-સ્વરૂપને નિયોજ્યું છે. તેમના જમાનાનાં મહાન સ્ત્રીપુરુષોને ઉદ્દેશીને તેમણે ઓડ પ્રકારનાં કાવ્યો (lofliederen) રચ્યાં હતાં. ‘સેંટ ઍમ્બ્લમ્સ ક્રિશ્ચિયન્સ’ (‘અ હન્ડ્રેડ ક્રિશ્ચિયન ઍમ્બ્લન્સ’) (1602-14)ના અનુવાદ માટે તેમણે બાર વર્ષનો સમય લીધો હતો. કવિ જ્યૉર્જેટ મૉન્ટેની આ કાવ્યોના મૂળ રચયિતા હતા. જોકે ડચ સાહિત્યને અન્નાએ આપેલ મુખ્ય ફાળો ‘સિન્નેપોપૅન’(ઍમ્બ્લમ્સ)ની સંવર્ધિત અને સુધારેલી આવૃત્તિ છે.
વિ. પ્ર. ત્રિવેદી