વિશ્વમાનવ (સામયિક)
February, 2005
વિશ્વમાનવ (સામયિક) : માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા ઝંખતું સામયિક. તેની શરૂઆત ભોગીભાઈ ગાંધીએ જાન્યુઆરી 1958માં કરી. (જાન્યુઆરી 1958થી જુલાઈ 1958 સુધી ‘માનવ’; પછીથી ‘વિશ્વમાનવ’). તેમાં સાહિત્યવિભાગ સુરેશ જોષીને, કલાવિભાગ ગુલામ મોહમ્મદ શેખને તથા વિજ્ઞાનવિભાગ મધુકર શાહને સુપરત કરેલા. આધુનિકતાની આબોહવા રચાવાની શરૂઆત આ સામયિકથી થઈ. એ પછી સુરેશ જોષીનું ‘ક્ષિતિજ’ શરૂ થયું. લગભગ ત્રણેક દાયકા ચાલેલા આ માસિકે (વચ્ચે થોડો સમય દ્વૈમાસિક) વિચારનું મબલક ભાથું આપ્યું. દેશ-વિદેશની અનેક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા. સાહિત્ય ઉપરાંત અનેક વિષયો-વાદો-પ્રવાહો-વિચારો તથા સાંપ્રત સમસ્યાઓની તેમાં તટસ્થ-બૌદ્ધિક છણાવટ થતી. આ સામયિક થકી ભોગીભાઈ ગાંધીની મુખ્ય ખેવના માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠાની તથા માનવઅધિકારની રહી. ત્રણ દાયકા દરમિયાન સંપાદકમંડળમાં તથા વિભાગોના સંપાદનમાં કેટલાંક નામો ઘટતાં ગયાં ને નવાં ઉમેરાતાં ગયાં. એમાંનાં કેટલાંક તે સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, નગીનદાસ પારેખ, બી. કે. મજમુદાર, યશવંત શુક્લ, સુભદ્રા ગાંધી, રઘુવીર ચૌધરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (સર્જન વિભાગ); સુમન શાહ (વિવેચન વિભાગ); નીરુભાઈ દેસાઈ, પ્રકાશ ન. શાહ, રમેશ મ. ભટ્ટ, ગિરિધર તલાટી, દિનેશ શુક્લ તથા યોગેશ જોષી (સાહિત્ય વિભાગ).
‘વિશ્વમાનવ’ના અલગ અલગ વિષયોના અનેક વિશેષાંકો પ્રગટ થયા – 1958માં ‘સર્વોદય વિજ્ઞાન’, 1959માં ‘માનવ અને પરમાણુ’, 1960માં ‘ગુજરાત દર્શન’ તથા ‘નવી શૈલીની નવલિકા’, 1961માં ‘રવીન્દ્ર દર્શન’ (સંપા. સુરેશ જોષી), 1962માં ‘ભારત-ચીન સંઘર્ષ’, 1963માં ‘અદ્યતન રશિયન સાહિત્યની ઝાંખી અને સમસ્યા’, 1965માં ‘ભારત-પાક સંઘર્ષ’, – ડિસેમ્બર 1968-જાન્યુઆરી 1969નો અંક સાહિત્ય વિશેષાંક, મે 1969નો અંક (101મો અંક) ‘ગાંધી શતાબ્દી’ વિશેષાંક, 1972માં ‘એકાંકી’, 1973માં ‘તૉલ્સ્તૉયનું અંતરંગ દર્શન’ (સંપા. સુભદ્રા ગાંધી), ઑગસ્ટ 1974 – ‘સોલ્ઝેનિત્સિન’ તથા ઑક્ટોબર 1974 – ‘ભારતની રાજકીય કટોકટી’, જુલાઈ 1975નો અંક સોલ્ઝેનિત્સિન-વિશેષાંકની પૂર્તિ રૂપે વિશેષાંક, સપ્ટેમ્બર 1975નો અંક ‘માર્ટિન લ્યૂથર કિંગ’ વિશે, 1977માં (અંક 2002-01મો) ‘કટોકટી’ વિશેષાંક, 1986-1987-1988માં સાહિત્ય વિશેષાંક, ડિસેમ્બર 1989નો અંક વાર્તા-વિશેષાંક (સંપા. યોગેશ જોષી) અને 1990માં નવે.ડિસે.નો (359-360મો) અંક સાહિત્ય વિશેષાંક જે વિશ્વમાનવનો છેલ્લો અંક હતો.
ભોગીભાઈ ગાંધીની હકારાત્મક વ્યાપક દૃષ્ટિ, અનેક વિષયોનો ઊંડો અભ્યાસ, નવી નવી પ્રતિભાઓની શોધ તથા આગવી સંપાદકીય સૂઝના પરિણામે ‘વિશ્વમાનવ’ માનવમૂલ્યોનું જતન કરતું, અનેક વિષયો તથા સમસ્યાઓના સ્વસ્થ-તટસ્થ વિચારોનું ભાથું પીરસતું, બહુમુખી પ્રતિભા ધરાવતું સામયિક બની રહેલું.
યોગેશ જોષી