વિશ્વનાથ સિંહ, મહારાજ
May, 2023
વિશ્વનાથ સિંહ, મહારાજ (જ. 1789 – અ. 1854) : રિવા રાજ્યના મહારાજ જૂ દેવ. પિતા મહારાજ જયસિંહ કવિ હોવા ઉપરાંત અનન્ય સાહિત્યોપાસક હતા. તેમનું ઈ. સ. 1833માં મૃત્યુ થતાં વિશ્વનાથ સિંહ રાજગાદી પર બેઠા અને 21 વર્ષો સુધી શાસન કર્યું. પોતે રામભક્તિના અનન્ય આરાધક કવિ હતા. તેમને શૃંગાર-પ્રધાન રામભક્તિના પ્રમુખ સ્તંભરૂપ માનવામાં આવે છે. પ્રિયદાસ પાસેથી તેઓ રસિકભાવની સાધના શીખ્યા હતા. જોકે કેટલાક સાંપ્રદાયિક વિદ્વાનો તેમની શૃંગારી રામભક્તિને અયોધ્યાના મહાત્મા રામચરણ દાસની પ્રસાદી હોવાનું માને છે. એમના પુત્ર મહારાજ રઘુરાજસિંહે પોતે રચેલી ‘રાસવિહારી’માં પિતાની રામમાં નિષ્ઠા અને સખીભાવમાં આસ્થાનો ઉલ્લેખ કરીને એ તથ્યોની પુષ્ટિ કરી છે. વિશ્વનાથસિંહની રામભક્તિ સગુણોપાસના સુધી સીમિત ન રહેતાં નિર્ગુણક્ષેત્રે પણ તેમની દિવ્ય આભા ઝળહળતી રહી. ‘કબીર બીજક’ની ‘પાખંડ ખંડિની’ ટીકામાં નિર્ગુણ વાણીને સગુણ રામપરક ઘટાવીને તેમણે પોતાના અગાધ પાંડિત્યને પ્રગટ કર્યું હતું. એમણે 46 ગ્રંથો રચ્યા હતા જેમાં ‘રામગીતા ટીકા’, ‘રાધવલ્લભી ભાષ્ય’, ‘સર્વસિદ્ધાંત રામરહસ્ય ટીકા’, ‘વિનયપત્રિકાટીકા’, ‘ભાગવત એકાદશસ્કંધ ટીકા’, ‘રામપરત્વ’, ‘પરમતત્વ’, ‘આનંદ રામાયણ’, ‘આનંદ રઘુનંદન નાટક’, ‘વેદાન્ત પંચશતિકા’, ‘આદિમંગલ’ વગેરે મુખ્ય છે. વિશ્વનાથ સિંહના કાવ્યમાં વર્ણનાત્મકતા અને ઉપદેશાત્મકતા વિશેષ છે. તેમણે રચેલી ‘આનંદ રઘુનન્દન નાટક’ને ભારતેન્દુજીએ હિંદીનું પ્રથમ ‘દૃશ્ય-કાવ્ય’ કહીને નવાજ્યું છે.
પ્રવીણચંદ્ર પરીખ