વિશ્વબૅંક : યુદ્ધોત્તર વિશ્વના વિકસતા દેશોને આર્થિક સહાય પૂરી પાડી તેમના ઝડપી વિકાસમાં મદદરૂપ થવા તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. યુદ્ધ પછીના આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રશ્નોની વિચારણા માટે રાષ્ટ્રસંઘના આશ્રયે 44 દેશોના પ્રતિનિધિઓની પરિષદ 1944માં બ્રેટનવુડ્ઝ ખાતે યોજાઈ હતી. તેના ફલ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund ટૂંકમાં I. M. F.) અને આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ અને વિકાસ બક (International Bank for Reconstruction and Development ટૂંકમાં I. B. R. D. કે વિશ્વબૅંક)  એ બે સંસ્થાઓ 1945માં અસ્તિત્વમાં આવી છે. એમને   ‘ટ્વિન્સ ઑવ્ બ્રેટનવૂડ્ઝ’, બ્રેટનવુડ ખાતે જન્મેલી જોડિયા સંસ્થાઓ પણ કહેવામાં આવે છે. તે બંને પચાસ વર્ષ ઉપરાંતની આવરદા ભોગવી ચૂકી છે. આ ગાળામાં વિશ્વબૅંકે ધિરાણ, માહિતી, સંકલન, સંશોધન અને નીતિવિષયક સલાહના ક્ષેત્રે નોંધપાત્ર નેતૃત્વ પૂરું પાડ્યું છે.

આરંભમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના સભ્ય હોય તે દેશો જ વિશ્વબૅંકના સભ્ય બની શકતા હતા. હવે આ મર્યાદા દૂર કરવામાં આવી છે. આજે 183 દેશો તેના સભ્ય છે.

વિશ્વબૅંકની અધિકૃત મૂડી 30 જૂન 2001ના રોજ 1,90,811 મિલિયન ડૉલરની હતી. ભરાયેલી મૂડી 1,89,505 મિલિયન ડૉલરની છે, ભરપાઈ થયેલી મૂડી 11,476 મિલિયન ડૉલર જેટલી છે, બાકી 1,78,029 મિલિયન ડૉલરની રકમ ભરપાઈ થવા પાત્ર (callable) છે. મહદ્અંશે પોતાનાં ધિરાણો માટેનાં નાણાં દુનિયાનાં મૂડીબજારોમાંથી બૉન્ડ બહાર પાડીને તેણે મેળવ્યાં છે. લોનની પરત ચુકવણી પેટે મળતી રકમોનો પ્રવાહ તેમજ કમાણીમાંથી વિશ્વબૅંક દ્વારા કરાતી બચત એ બે પણ તેના નાણાકીય પ્રવાહના સ્રોત છે.

વિશ્વબૅંકના સંચાલનમાં બૉર્ડ ઑવ્ ગવર્નર્સ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો, પ્રમુખ અને બૅંક-સ્ટાફ ભાગ લે છે. દરેક સભ્ય દેશની સરકાર એક ગવર્નર નીમે છે ને બૉર્ડ ઑવ્ ગવર્નર્સ વર્ષમાં એક વાર મળે છે. તેમણે ઠરાવેલ કે મંજૂર રાખેલ નીતિનો અમલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો કરે છે. તેઓ બધી લોનને છેવટની મંજૂરી આપે છે.

વિશ્વબૅંકની સ્થાપના પાછળ બે ઉદ્દેશ રહ્યા છે : એક તો બીજા વિશ્વ-યુદ્ધને કારણે યુરોપના નાશ પામેલા કે છિન્નભિન્ન થઈ ગયેલા રાષ્ટ્રીય અર્થતંત્રના પુનર્નિર્માણમાં તે સહાયક બનશે તેમજ યુદ્ધ માટે ઊભા કરાયેલા ઉત્પાદનતંત્રનું રૂપાંતર શાંતિની જરૂરિયાતોની પૂર્તિ માટે જે દેશો કરતા હશે તેમને તે મદદરૂપ બનશે. બીજું, તે વિકાસશીલ દેશોમાં વિકાસને પ્રેરશે. ઉત્પાદકતા, જીવનધોરણ અને શ્રમજીવીની સ્થિતિ સુધારવાના આ દેશોના પ્રયત્નમાં તે સહાયક બનશે. આરંભનાં વર્ષોમાં પ્રથમ ઉદ્દેશ પર ભાર રહ્યો હતો, પણ પાછળથી બીજા ઉદ્દેશનું મહત્વ વધવા માંડ્યું ને આજે તો તે જ એકમાત્ર ઉદ્દેશ વિશ્વબૅંકની પ્રવૃત્તિ પાછળ રહ્યો છે એમ કહી શકાય.

વિકાસશીલ દેશોમાં વિકાસને પ્રેરવા તે બે રીતે કામ કરે છે : એક તો તે બાંયધરી (ગૅરંટી) આપીને કે ભાગીદાર બનીને લોન આપવા કે રોકાણ કરવા ઇચ્છતા વિદેશી ખાનગી રોકાણકારને પ્રોત્સાહિત કરે છે. બીજું, વાજબી શરતોએ ખાનગી મૂડી ન મળે એમ હોય ત્યારે ઉત્પાદક હેતુ માટે તે પોતાના મૂડીભંડોળનો ઉપયોગ કરીને અથવા બૉન્ડના વેચાણ દ્વારા નાણાં ઉછીના લઈને અથવા અન્ય કોઈ સ્રોતનો ઉપયોગ કરીને વિકાસશીલ દેશોને નાણાકીય સાધનો પૂરાં પાડે છે.

વિશ્વબૅંકના ચાર્ટરમાં તેની કામગીરીને નિયંત્રિત કરવા કેટલાક પાયાના નિયમો છે. તે માત્ર ઉત્પાદક હેતુ માટે ધિરાણ કરી શકે છે. જે દેશને તે ધિરાણ કરે તેમાં આર્થિક વિકાસને વેગ મળવો જોઈએ. વળી પ્રૉજેક્ટ ભવિષ્યમાં પૂરતું વળતર આપશે કે નહિ, ધિરાણ પરત આવવાની સંભાવના કેટલી છે, તેનો ક્યાસ કાઢીને તેના આધારે તેણે લોન આપવાની છે. વિશ્વબૅંકનાં બૉન્ડ દુનિયાનાં મૂડીબજારોમાં પ્રતિષ્ઠા ધરાવે છે, કારણ કે તેણે કરેલાં ધિરાણ સંગીન હોય છે. દરેક લોન સરકારને આપવામાં આવે છે અથવા સરકારની ગૅરંટી કે બાંયધરી હોય ત્યારે તે ખાનગી ક્ષેત્રની પેઢીને પણ મળી શકે છે. વિશ્વબૅંક દ્વારા અપાયેલી લોનનો ઉપયોગ ચોક્કસ દેશમાંથી ખરીદી કરવાની શરત ધરાવતો હોવો જોઈએ નહિ. વળી ધિરાણ અંગેના વિશ્વબૅંકના નિર્ણયો માત્ર આર્થિક બાબતોને અનુલક્ષીને લેવાયેલા હોવા જોઈએ, માત્ર આર્થિક ગણતરી પર જ આધારિત હોવા જોઈએ.

30 જૂન 2001 સુધીમાં વિશ્વબૅંકે કરેલ એકંદર ધિરાણ 360 અબજ ડૉલર જેટલું થતું હતું.

પરંતુ વિશ્વબૅંકના ધિરાણના આંકડા પરથી જ વિકાસશીલ દેશોની પ્રગતિમાં તેના પ્રદાનનો પૂરતો ખ્યાલ આવતો નથી. તે ટેક્નિકલ જાણકારી પણ ધિરાણ સાથે પૂરી પાડે છે. બીજું, ખેતી, ઉદ્યોગ, વાહન ને સંદેશાવ્યવહાર તેમજ વીજમથકો માટે તેણે કરેલ ધિરાણને કારણે ખાનગી ક્ષેત્રના રોકાણ માટેનીય અનેક તક વિકાસશીલ દેશોમાં ઊભી થઈ છે. ત્રીજું, કોઈ પ્રકલ્પનો વિદેશી મુદ્રામાં થનાર ખર્ચ જેટલી મદદ વિશ્વબૅંકે કરી છે ત્યારે તેને કારણે સ્થાનિક ચલણોમાં પ્રકલ્પમાં થતું રોકાણ શક્ય ને અર્થપૂર્ણ બન્યું છે. ચોથું, સરકારી અધિકારીઓને તાલીમ આપવા માટે 1955માં તેણે ઇકૉનૉમિક ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે.

સહાય દ્વારા વિકાસશીલ દેશોમાં વિકાસને પ્રેરવાના પચાસથી વધુ વર્ષના વિશ્વબૅંકના અનુભવે તેની કેટલીક મર્યાદાઓ છતી કરી છે. એક તો તે ચોક્કસ પ્રૉજેક્ટ માટે જ આરંભમાં સહાય કરવાનું વલણ ધરાવતી હતી. બીજું, મહદ્અંશે તે પ્રૉજેક્ટ માટે જરૂરી પૂરી રકમની લોન આપતી નહોતી. પ્રૉજેક્ટ માટે જરૂરી વિદેશી મુદ્રા જ લોનના રૂપમાં તે પૂરી પાડતી હતી. ત્રીજું, લોન માટેના પ્રૉજેક્ટ તે બહુ કડક ધોરણે પસંદ કરતી હતી. તેનો દૃષ્ટિકોણ ધંધાદારી હતો. લોનને કારણે ઊભો થનારો પ્રૉજેકટ પૂરતું વળતર આપશે કે નહિ કે તે જોઈને જ તે ધિરાણ કરે છે. ચોથું, તે વ્યાજ ઊંચા દરે લે છે તે લોનની અન્ય શરતો પણ કડક હોય છે. પાંચમું, યોજના અંગે સહાય કે લોન આપતી વખતે તે દેશની આર્થિક નીતિનું મૂલ્યાંકન કરે છે ને જો તેની દૃષ્ટિએ સંગીન ન જણાય તો તેમાં ફેરફાર કરવા માટે દબાણ પણ કરે છે. તેની નીતિમાં નાણાં પૂરાં પાડનાર અગત્યના યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોના અભિપ્રાયની પ્રગાઢ અસર થાય તેય સ્વાભાવિક છે. કેટલાક દેશોને વિશ્વબૅંકે પ્રમાણમાં વધુ મદદ કરી છે, આફ્રિકાની તેણે અવગણના કરી છે એવી ફરિયાદ પણ થઈ છે. આ ટીકાઓના અનુસંધાનમાં (1) બકની નીતિમાં પરિવર્તન આવ્યું છે અને (2) તેણે કેટલીક નવી સંલગ્ન સંસ્થાઓ ઊભી કરી છે.

પ્રથમ વિશ્વબૅંકની ધિરાણનીતિનો ઉત્ક્રાંતિનો વિચાર અહીં પ્રસ્તુત છે :

વિશ્વબૅંકે આરંભનાં પચીસ વર્ષમાં ચોક્કસ મૂડીરોકાણના પ્રૉજેક્ટ માટે, ખાસ તો જાહેર ક્ષેત્રના માળખાગત સુવિધાઓ ઊભી કરવાના પ્રૉજેક્ટ માટે નાણાં ધીરવાનો અભિગમ અપનાવ્યો હતો. જલવિદ્યુત પેદા કરવા માટેના બંધ, માર્ગોનાં બાંધકામ, રેલવેનો વિસ્તાર, તેમાં મુખ્ય હતાં. આ માટે તેણે વિદેશના ખાનગી મૂડીબજારમાં બૉન્ડ વેચીને નાણાં ઊભાં કર્યાં હતાં, કારણ કે તેની પોતાની મૂડી તો અલ્પ હતી. સંગીન પ્રૉજેક્ટ માટે ધિરાણ કરનાર સંસ્થા તરીકેની વિશ્વબૅંકની પ્રતિષ્ઠા હતી તેથી તે વિશ્વનાં નાણાબજારોમાંથી આ રીતે નાણાં પ્રાપ્ત કરી શકી ને આર્થિક વિકાસ માટે પ્રમુખ નાણાકીય સાધનો પૂરાં પાડનાર બની શકી.

1960ના દશકમાં પ્રૉજેક્ટ માટે જ ધિરાણ કરવાના આગ્રહના ઔચિત્ય વિશે શંકા ઉદભવવા માંડી. મોટા પાયા પરના પ્રૉજેક્ટમાં રોકાણ કરવાથી આવશ્યક રીતે બકનાં ને લોન લેનાર વિકાસશીલ દેશનાં મર્યાદિત સાધનોનો ઉત્તમ ઉપયોગ થતો હતો એમ નહોતું. વળી એમ પણ લાગતું હતું કે આ પ્રૉજેક્ટ તો વિકાસશીલ દેશોએ સ્વહિતમાં પોતાનાં નાણાંકીય સાધનોની મદદથીય ઉપાડ્યો જ હોત. વિશ્વબૅંકની આ પ્રૉજેક્ટ માટે સહાય મળતી હતી ત્યારે ફાજલ પડતાં નાણાં અન્યત્ર ગમે તેમ વાપરવાની આ દેશોને છૂટ મળી જતી હતી. આથી વિશ્વબૅંકે લોન માગનાર દેશોની એકંદર રોકાણ અંગેની યોજના અને તેમની આર્થિક નીતિઓની સંગીનતા પર ભાર મૂકવાનું શરૂ કર્યું.

1979થી વિશ્વબૅંકે માળખાગત સુધારણા માટે લોન (structural adjustment loan) આપવાનો આરંભ કર્યો ને તે સાથે નીતિ પર આધારિત આર્થિક કાર્યક્રમ માટેના ધિરાણના નવા કાર્યની શરૂઆત થઈ. વિદેશી લેણદેણના સરવૈયાની મુશ્કેલીઓ દીર્ઘકાલીન હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, તે દેશને, તે કેટલાક નીતિવિષયક ફેરફાર કરશે તે શરતે, ધિરાણ કરે છે. આ ફેરફારો દેશ સરળતાથી કરી શકે તે માટે વિશ્વબૅંકે લોન આપવાનું યોગ્ય માન્યું છે. સમગ્ર અર્થતંત્ર અથવા કોઈ એક ક્ષેત્ર માટેની સુધારણાને સરળ બનાવવાનો હેતુ તેની પાછળ રહેલો છે. વિદેશી મુદ્રાની સ્થિતિ સંગીન બનાવવાની નીતિ અમલમાં મૂકવા માટે દેશને પાંચ-દસ વર્ષનો ગાળો આથી મળે છે ને તેને આર્થિક તેમજ સામાજિક પ્રગતિના કાંટાને પાછા મૂકે તે રીતે આંતરિક ઘરાકીને (સરકાર ને ખાનગી ક્ષેત્રના ખર્ચને) ઘટાડવી પડતી નથી. વિકાસશીલ દેશોના ઘણા પ્રશ્નો તેમની ખોટી આર્થિક નીતિને કારણે ઉદ્ભવ્યા છે, તેવી વિશ્વબૅંકની પ્રતીતિ નવી નીતિ પાછળ છે. આથી સહાય આપતી વખતે લોન લેનાર દેશ સાથે થતી સમજૂતીમાં વિશ્વબૅંક કેટલાક નીતિવિષયક ફેરફારો માટે આગ્રહ રાખે છે. ધિરાણના બદલામાં વિકાસશીલ દેશે, વ્યાપારનીતિ, સાધનસંચય, સાધનોના કાર્યક્ષમ ઉપયોગ અને સંસ્થાકીય માળખાની સુધારણાને લગતાં સૂચિત પગલાં પોતે લેશે તેની ખાતરી આપવી પડે છે. આયાતક્વોટા દૂર કરવા, આપાત કર ઘટાડવા, અંદાજપત્રીય ખાધને ઘટાડવી, જાહેર સાહસોની કામગીરી સુધારવી, જાહેર રોકાણની અગ્રિમતાઓ બદલવી – આ સર્વ તેમાં મુખ્ય છે. અર્થતંત્ર વિકાસ સાધી શકે, તે મધ્યમ મુદતના ગાળામાં લેણ-દેણની તુલા સમતોલ કરી શકે, તે માટે અર્થતંત્રના માળખાને બદલવા જરૂરી નીતિને સંસ્થાકીય ટેકો આપવાના આ ધિરાણને, માળખાગત પરિવર્તન માટેનું ધિરાણ કહેવામાં આવે છે. પ્રૉજેક્ટ માટેના ધિરાણની સરખામણીમાં આ પ્રકારનું ધિરાણ હવે વિશ્વબૅંકમાં વધુ મહત્વનું બન્યું છે.

1968માં રૉબર્ટ મૅકનમારા વિશ્વબૅંકના અધ્યક્ષ થયા ત્યારપછી પ્રત્યક્ષ રીતે નફાકારક ન હોય પણ આર્થિક વિકાસ માટે ઉપકારક હોય તેવાં ખેતી, શિક્ષણ અને કુટુંબ-આયોજન જેવાં ક્ષેત્રો તરફ પણ વિશ્વબૅંક વધુ ધ્યાન આપવા માંડી છે. પાણી-પુરવઠાના, ગટર-વ્યવસ્થાના કે વાતાવરણ દૂષિત થતું અટકાવવાના પ્રૉજેક્ટમાંય તેણે રસ લેવા માંડ્યો છે. બીજું, સહાયની પ્રાદેશિક વહેંચણી વધુ સમતોલ બની છે. આફ્રિકા ને લૅટિન અમેરિકાના દેશો તરફ તેણે વધુ ધ્યાન આપવા માંડ્યું છે. બીજું, યોગ્ય લાગે ત્યારે પ્રૉજેક્ટના વિદેશી મુદ્દાના હિસ્સા કરતાં વધુ રકમની લોન આપવાને માટેય વિશ્વબૅંકે તત્પરતા બતાવવા માંડી છે.

ઇંગ્લૅન્ડમાં માર્ગારેટ થેચર વડાપ્રધાન બન્યાં ને યુનાઇટેડ સ્ટેટ્સમાં રોનાલ્ડ રેગન પ્રમુખ થયા ત્યારે વળી રૂઢિચુસ્ત અભિગમ તરફ વિશ્વબૅંક વળી.

1980ના દશકનાં પાછલાં વર્ષોમાં ને તે પછી આર્થિક વિચારણામાં આવેલ પાયાના ફેરફારોને અનુલક્ષીને વિશ્વબૅંક એક તરફ ધિરાણ માગતા દેશો પોતાની નીતિમાં આયોજનને બદલે બજારને અનુકૂળ અભિગમ અપનાવે ને ઝડપથી વિકાસ સાધે એવો આગ્રહ રાખે છે ને બીજી તરફ ઓછી આવક ધરાવતા વર્ગોને અન્ય અવગણાયેલાં વર્ગો કે જૂથોની તરફેણમાં, તેમની સ્થિતિ સુધારવા વિકાસશીલ દેશો ખાસ કાર્યક્રમ અપનાવે તેને પ્રોત્સાહન, સહાય ને ધિરાણ આપે છે.

સહસ્રાબ્દી જાહેરાતના ભાગ રૂપે વિશ્વસમુદાયે ને યુનોએ 1990-2015ના ગાળા માટે વિશ્વસ્તર પર કેટલાક લક્ષ્યાંક મુકરર કર્યા છે : (1) અત્યંત ગરીબ અવસ્થામાં રહેતા માણસોની સંખ્યા અડધી કરવી; (2) 2015 સુધીમાં તમામ બાળકોને પ્રાથમિક શાળામાં દાખલ કરવાં; (3) 2005 સુધીમાં જાતિવિષયક અસમાનતા (gender inequality) – પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણમાં નાબૂદ કરવી; (4) 1990-2015 દરમિયાન બાળમરણ-પ્રમાણમાં 2/3 જેટલો ઘટાડો કરવો; (5) આ જ ગાળામાં માતૃત્વ મરણ પ્રમાણમાં (maternal mortality ratio) 3/4 જેટલો ઘટાડો કરવો; (6) સંતતિ-નિયમનની સેવાઓ આવશ્યક હોય તે સૌને ઉપલબ્ધ કરવી; (7) સલામત પીવાનું પાણી કાયમી ધોરણે ઉપલબ્ધ ન હોય તેવી વસ્તીના પ્રમાણમાં અડધોઅડધ ઘટાડો કરવો.

આ કામની જવાબદારી જે તે દેશની છે; પણ વિકસિત દેશોએ વિશ્વબૅંકે તેમાં સહાય કરનાર ભાગીદાર બનવાનું સ્વીકાર્યું છે. વિશ્વબૅંક વિકાસશીલ દેશોમાં રોકાણને અનુકૂળ વાતાવરણ સર્જવામાં સહાય કરશે અને ગરીબ પ્રજાના સશક્તીકરણ માટે રોકાણ કરવા તેમને પ્રેરશે; ગરીબ વર્ગોની રોજગારી, સલામતી, કેળવણી ને તંદુરસ્તી પાછળ આ દેશો રોકાણ કરતા હોય ત્યારે વિશ્વબૅંક તેમને સહાયક બનશે. આ ઉપરાંત ચેપી રોગોમાંથી મુક્તિ, પર્યાવરણ-સુરક્ષા, વ્યાપાર દ્વારા સુગ્રથિત વિશ્વની રચના, જ્ઞાન ને માહિતીનો વિસ્તાર, આંતરરાષ્ટ્રીય રોકાણ-ધિરાણ કરનાર સંસ્થાઓની શૃંખલા – આ સર્વ જાહેર ચીજ-સેવા (public goods) પૂરી પાડવા માટે થતા આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનેય વિશ્વબૅંક ટેકો પૂરો પાડશે.

આ નીતિમાં આવેલ પરિવર્તનનો પ્રભાવ વિશ્વબૅંકના ક્ષેત્રવાર ને દેશવાર ધિરાણ પર પડવા માંડ્યો છે. 2001ના નાણાકીય વર્ષમાં વિશ્વબૅંકને ‘ઇડા’એ (ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ ઍસોસિયેશન) 17.3 અબજ ડૉલરનું ધિરાણ કર્યું હતું. તેની પ્રદેશવાર વહેંચણી નીચે મુજબ હતી :

વિશ્વબૅંકને ઇડાનું ધિરાણ પ્રદેશવાર (ટકામાં)

આફ્રિકા 20
પૂર્વ એશિયા ને પૅસિફિક 12
દક્ષિણ એશિયા 19
યુરોપ ને મધ્ય એશિયા 16
મધ્ય પૂર્વ ને ઉત્તર આફ્રિકા 3
લૅટિન અમેરિકા ને કૅરેબિયન 30

લૅટિન અમેરિકા ને કૅરેબિયન દેશો તથા આફ્રિકા હવે મહત્વ ધરાવવા માંડ્યાં છે.

ક્ષેત્રવાર ધિરાણની વહેંચણી પણ બદલાતા અભિગમને દર્શાવે છે :

વિશ્વબૅંકને ઇડાનું ધિરાણ ક્ષેત્રવાર (ટકામાં)

માનવ-વિકાસ 25
દ્વિતીય ને ખાનગીક્ષેત્રનો વિકાસ 16
આર્થિક નીતિ 4
ખેતી ને પર્યાવરણ 13
આંતરમાળખું 21
જાહેર ક્ષેત્રનું સંચાલન 12
શહેરી વિકાસ 2
અન્ય 7

આંતરમાળખું, માનવ-વિકાસ ને ખેતી-પર્યાવરણ અહીં અગત્યનાં બન્યાં છે.

વિકાસ માટેની આર્થિક વિચારણામાં અને નીતિમાં 1950થી લગભગ 1990 સુધી રક્ષણ (protection) આયોજન અને જાહેર બચત-રોકાણ અનિવાર્ય રીતે આવશ્યક ગણવામાં આવતાં હતાં. તુરત મુક્ત થયેલાં રાષ્ટ્રો પોતાના હિતમાં ઠીક લાગે તે રીતે નીતિ ઘડવાની સ્વતંત્રતાને રક્ષવા માટે પણ આગ્રહી હતાં. આથી આરંભમાં મુક્ત વ્યાપાર, બજાર ને હરીફાઈયુક્ત ખાનગી ક્ષેત્રની તરફેણમાં નીતિ બદલવાની વાત વિશ્વબૅંક કરતી હતી ત્યારે તે દેશની સ્વતંત્રતા પર કાપ મૂકે છે એમ ઘણા દેશોને લાગતું હતું. પરિસ્થિતિવશ વિશ્વબૅંકની સલાહ તો સહાય મેળવવાની ગરજને કારણે તેમને માનવી પડતી, પણ આ અંગે તેમને અસંતોષ રહેતો. આજે વિકાસ માટેની આર્થિક વિચારણામાં અને નીતિમાં ભારે પરિવર્તન આવ્યું છે. બજારના કેન્દ્રવર્તી મહત્વનો સ્વીકાર સૌ લગભગ એક-અવાજે કરે છે. રાજ્યે બજાર યોગ્ય રીતે કામ કરી શકે તેવી સંસ્થાઓ રચવાની છે; બજારને અનુકૂળ સમગ્રલક્ષી વાતાવરણ નભાવવાનું છે; જરૂરી આંતરમાળખું ઊભું કરવાનું છે; ને બજારની ઊણપોનો  ખાસ તો ઝડપથી ગરીબાઈને નાબૂદ કરવાની તેની અશક્તિનો વિકાસ વિરોધી ન હોય એ રીતે ઉપાય કરવાનો છે. આ બદલાયેલા વાતાવરણમાં દેશો વિશ્વબૅંકની નીતિમાં પરિવર્તન કરવાનાં સૂચનો સામે તીવ્ર પ્રત્યાઘાત આપતા નથી. અગાઉની માફક તે દેશવિરોધી લાગતાં નથી. વ્યવહારુ મુશ્કેલી આ અંગે તેઓ અનુભવે છે પણ તે અંગે વાટાઘાટ કે સમાધાનનો માર્ગ તેઓ લે છે. અગાઉનો વૈચારિક વિરોધ હવે રહ્યો નથી.

આમ છતાં વિશ્વબૅંકને થયેલા અનુભવનાં બે તારણો તજ્જ્ઞોએ કાઢ્યાં છે. એક તો વિશ્વબૅંક માત્ર સહાય આપી શકે છે, પણ આ સહાયને કારણે આપોઆપ વિકાસશીલ દેશોમાં વિકાસ સિદ્ધ થતો નથી. એ માટે બજારને અનુરૂપ, બજારના વિકાસની પૂર્વશરતરૂપ સંસ્થાઓ ખીલવી જોઈએ, દૃઢમૂલ થવી જોઈએ. જૂની વ્યવસ્થાની સંસ્થાઓ અહીં બદલવી પડે છે. આ પ્રયત્નનો વિરોધ આંતરિક રીતે ઉદ્ભવી શકે છે, બીજી વાત સહાય દ્વારા આ સંસ્થાકીય પરિવર્તન ખરીદી શકાતું નથી. શરતો સાથે વિશ્વબૅંકે ભૂતકાળમાં સહાય કરવાનું વલણ અપનાવ્યું હતું. દેશોએ ઔપચારિક રીતે તો શરતો સ્વીકારીને સહાય મેળવી પણ છેવટના પરિણામે હકીકતમાં શરતોનું પાલન કરવાનું તેમણે ટાળ્યું. દેશો સાર્વભૌમ ને સ્વતંત્ર છે. શરતો પાછળની ભાવના ન જળવાય એ રીતે તેનું પાલન તેઓ કરે છે અથવા તેનું પાલન તેઓ કરતા નથી. આંતરિક રીતે તેમને આવશ્યક લાગે, જરૂરી આંતરિક રાજકીય દબાણો ઊભાં થાય ત્યારે જ તેઓ બજારને અનુરૂપ વાતાવરણ ને સંસ્થાઓ સર્જે છે.

હવે સંલગ્ન સંસ્થાઓ વિશેનો વિચાર કરવો જરૂરી છે.

અનુભવે વિશ્વબૅંકની કેટલીક મર્યાદાઓ છતી થઈ તેની પૂર્તિ માટે ચાર સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. કાનૂની કે વિત્તીય રીતે તેઓ વિશ્વબૅંકથી અલગ છે પણ તેની સાથે તેઓ સંલગ્ન છે.

તેમાં એક સંસ્થા છે ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ ઍસોસિયેશન (આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ  સંક્ષેપમાં IDA કે ઇડા). તેની સ્થાપના 1960માં કરવામાં આવી છે ને 162 સભ્યો ધરાવે છે. તે વિશ્વબૅંક જેવા જ ઉદ્દેશો ધરાવે છે પણ તેનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે વિકાસશીલ દેશોમાંય અત્યંત ગરીબ ગણાતા દેશો પૂરતું મર્યાદિત છે. 580 ડૉલરની કે તેથી ઓછી માથાદીઠ એકંદર પેદાશ ધરાવતા દેશોને વ્યાજમુક્ત 35થી 40 વર્ષે પાકે તેવી લોન ને દસ વર્ષનો છૂટછાટનો સમય તે આપે છે. આ લોન પર વ્યાજ લેવાતું નથી પણ માત્ર વહીવટી ખર્ચ નીકળે એટલી રકમ વસૂલ કરવામાં આવે છે. સભ્યોનાં ભરણાં, વિશ્વબૅંકના નફામાંથી તેને માટે વર્ષે ફાળવાતી રકમ ને છેલ્લે અવારનવાર ધનિક ઔદ્યોગિક વિકસિત દેશો તરફથી છૂટી કરાતી રકમો (replenishment) – આ સર્વ માર્ગે ઇડા પોતાના ધિરાણ-ભંડોળ મેળવે છે. વિકસિત દેશોએ અત્યારસુધીમાં બાર વાર સમજૂતી સાધીને ઇડાને હસ્તક નાણાં મૂક્યાં છે. એકંદરે જૂન 2001ના અંત સુધીમાં તેણે 127 અબજ ડૉલર ધીર્યા છે.

ઇન્ટરનૅશનલ ફાઇનાન્સ કૉર્પોરેશન (I.F.C.) બીજી સંલગ્ન સંસ્થા છે. તે 175 સભ્યો ધરાવે છે. તેની સ્થાપના 1956માં થઈ હતી. તે વિકાસશીલ દેશોના ખાનગી ક્ષેત્રમાં કામ કરતી પેઢીઓને સહાય કરે છે. દેશનાં ને વિદેશનાં મૂડીભંડોળ સંચિત કરવાના કામમાં તે આ પેઢીઓને મદદ કરે છે. સરકારની બાંયધરીની અપેક્ષા વિના તે ખાનગી ક્ષેત્રની પેઢીઓને લાંબા ગાળા માટે ધિરાણ કરે છે ને તેમના શૅર પણ ખરીદી શકે છે. તેમને સલાહ ને સંચાલન અંગેની સેવાઓ પણ તે પૂરી પાડે છે. 21.8 અબજ ડૉલર ધીરવાની જવાબદારી તેણે એકંદરે સ્વીકારી છે.

મલ્ટિનૅશનલ ઇન્વેસ્ટમેન્ટ ગૅરંટી એજન્સી (MIGA) 1988માં સ્થાપવામાં આવેલ સંસ્થા છે. તે 154 સભ્યો ધરાવે છે. રોકાણ સામેના બિનવ્યાપારી અવરોધ દૂર કરી વિકાસશીલ દેશોમાં વિદેશોનું શૅરરોકાણ અને અન્ય પ્રકારનું પ્રત્યક્ષ રોકાણ વધે તે માટે આ સંસ્થા પ્રયત્નશીલ છે. વિદેશસ્થિત રોકાણકારોને રાષ્ટ્રીયકરણ જેવાં બિનવ્યાપારી જોખમો સામે તે બાંયધરી કે ગૅરંટી આપે છે. વિદેશી રોકાણ અંગેની નીતિ રચવામાં ને અમલી બનાવવામાં, તે અંગેનાં કાર્યક્રમ અને કાર્યપદ્ધતિ મુકરર કરવામાં તે વિકાસશીલ દેશોને સલાહ આપે છે. રોકાણ અંગે વિકાસશીલ દેશોની સરકારો અને વિદેશોનાં વ્યાપાર-ઉદ્યોગનાં સંગઠન વચ્ચે સંવાદ સાધવામાં તે મદદરૂપ બને છે. જૂન 2001 સુધીમાં 9.1 અબજ ડૉલર જેટલી એકંદર રકમ અંગે તેણે બાંયધરી આપી હતી.

છેલ્લે રોકાણને લગતા વિખવાદોના સમાધાન માટે 1966માં ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર સેટલમેન્ટ ઑવ્ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સની સ્થાપના કરવામાં આવી છે. તે 134 સભ્ય ધરાવે છે. અત્યારસુધીમાં એકંદર 87 કેસ તેની સમક્ષ નોંધાયેલા છે.

વિશ્વબૅંક અને સંલગ્ન સંસ્થાઓના સમૂહનો વિશ્વબૅંક જૂથ (World Bank Group) તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

બદરીપ્રસાદ ભટ્ટ