વિશ્વખોજનો યુગ : વિશ્વમાં નવી શોધો થઈ તે યુગ. નવજાગૃતિના સમય દરમિયાન યુરોપમાં સાહિત્ય, કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે ઘણો વિકાસ થયો. નવી શોધો થઈ. નવું જાણવાની, શીખવાની અને શોધવાની વૃત્તિ જન્મી. મુદ્રણકલા, હોકાયંત્ર, દૂરબીનનો કાચ વગેરેની શોધોએ સાહસિકોના જ્ઞાનમાં વધારો કર્યો. માર્કો પોલોનાં પ્રવાસવર્ણનોએ દરિયાખેડુઓેને પ્રોત્સાહન આપ્યું. લાંબા દરિયાઈ પ્રવાસો થઈ શકે એવાં મોટાં સગવડભર્યાં વહાણો બનવા માંડ્યાં. અનેક વૈજ્ઞાનિક શોધોએ દરિયાઈ સાહસિકોનો માર્ગ સરળ કરી આપ્યો. યુરોપના મહત્વાકાંક્ષી રાજાઓએ દરિયાઈ શોધખોળ માટેની સફરોને નાણાકીય સહાય આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું. ખ્રિસ્તી ધર્મગુરુઓએ ધાર્મિક પ્રચાર માટે આવા પ્રવાસોને ઉત્તેજન આપ્યું.

યુરોપમાં પ્રાદેશિક ખોજ અથવા શોધખોળની શરૂઆત પોર્ટુગીઝોએ કરી. પોર્ટુગલના હેન્રી ધ નેવિગેટરને પશ્ચિમ આફ્રિકામાં ખ્રિસ્તી ધર્મનું સામ્રાજ્ય સ્થાપવાની ઇચ્છા હતી. તેથી તેણે એ તરફ નૌકા-કાફલાઓ મોકલવા માંડ્યા. ઈ. સ. 1460માં હેન્રીના અવસાન સુધીમાં આ કાફલાઓએ કેપ વર્દેના ટાપુઓની શોધ કરી. 1484 સુધીમાં પોર્ટુગીઝ વહાણો કાગો નદીના મુખ સુધી પહોંચ્યાં. પોર્ટુગલનો બીજો સાહસિક નાવિક બાર્થોલોમ્યુ ડાયઝ 1488માં પોતાનો કાફલો લઈને આફ્રિકાની પ્રદક્ષિણા કરવા ઊપડ્યો અને કેપ ઑફ ગુડ હોપ સુધી પહોંચ્યો. ત્યાંથી પૂર્વમાં આગળ વધવાની તેને આશા હતી તેથી તેણે એ સ્થળનું નામ ‘કેપ ઑફ ગુડ હોપ’ રાખ્યું.

એ પછી દસ વર્ષે મહાન પોર્ટુગીઝ દરિયાખેડુ વાસ્કો ડી ગામા આફ્રિકાના રસ્તે જ હિંદ તરફ જવા આગળ વધ્યો. કેપ ઑફ ગુડ હોપથી આગળ વધી તે મોઝાંબિક પહોંચ્યો. ત્યાં એક આરબ નાવિક મળી જતાં તેની મદદથી તે હિંદી મહાસાગર પાર કરી 1498માં હિંદના કાલિકટ બંદરે ઊતર્યો. એ સમયે કાલિકટના હિંદુ રાજા ઝામોરિને તેને આવકાર આપી વેપાર કરવાની સગવડો આપી. તેના પ્રવાસના ખર્ચ કરતાં 60 ગણી કિંમતનો માલ લઈને ઈ. સ. 1499માં એ લિસ્બન પાછો ફર્યો. આમ, પોર્ટુગીઝ નાવિકોએ સૌપ્રથમ યુરોપથી હિંદ સુધીનો જળમાર્ગ શોધ્યો. એ પછી પોર્ટુગીઝો અવારનવાર વહાણો લઈને વેપાર અર્થે હિંદ આવતા. ખ્રિસ્તી પાદરીઓએ પણ હિંદ આવી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો.

ઇટાલીના જિનીવા શહેરના વતની કોલંબસ નામના સાહસિક પ્રવાસીને હિંદુસ્તાન જવા માટે કેપ ઑફ ગુડ હોપનો માર્ગ ઘણો લાંબો લાગ્યો. તે માનતો હતો કે ઍટલૅંટિક મહાસાગરમાં પશ્ચિમ તરફ સીધી સફર કરવાથી પણ હિંદ પહોંચી શકાય. કોલંબસે એ માટે યોજના કરી. પરંતુ ફ્રાન્સ તથા ઇંગ્લૅન્ડના રાજાઓને એ યોજના અવ્યવહારુ લાગતાં તેમાં આર્થિક મદદ આપવાનો ઇન્કાર કર્યો. એ પછી તે સ્પેનની રાણી ઈસાબેલાને મળ્યો. ઈસાબેલાએ એમાં તમામ સગવડો આપવાની તૈયારી બતાવી. ઈ. સ. 1492માં તેણે ત્રણ વહાણો અને 89 માણસોનો કાફલો લઈને પશ્ચિમ તરફ પ્રવાસ શરૂ કર્યો. અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ વેઠીને તે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર પહોંચ્યો. તે માનતો હતો કે તે હિંદના પશ્ચિમ કિનારે કોઈક સ્થળે ઊતર્યો છે તેથી તે ટાપુનું નામ તેણે ‘વેસ્ટ ઇન્ડિઝ’ રાખ્યું અને ત્યાંના લોકોને તેણે ‘રેડ ઇન્ડિયન્સ’ કહ્યા. ખરેખર તો તેણે 1492માં અજાણતાં અમેરિકા ખંડની શોધ કરી હતી. 1506માં તેનું અવસાન થયું ત્યાં સુધી હિંદ પહોંચીને પુષ્કળ સોનું મેળવવાની તેની ઇચ્છા પૂરી થઈ નહીં.

ઈ. સ. 1500ની આસપાસ ઇટાલીના ફ્લોરેન્સ શહેરના વતની અમેરિગો નામના સાગરખેડુએ આ પ્રદેશની સફર કરી અને પોતાના નામ પરથી એ ખંડનું નામ ‘અમેરિકા’ પાડ્યું. એનું સાગરપ્રવાસનું પુસ્તક યુરોપમાં ઘણું ખ્યાતિ પામ્યું. ઈ. સ. 1497માં ઇટાલીના વતની અને ઇંગ્લૅન્ડમાં રાજા હેન્રી 7માની નોકરી કરતા જૉન કેબોટે ઉત્તર અમેરિકાની સફર કરી. એનો પુત્ર એબાસ્ટિયન કેબોટ 1498માં અમેરિકાની સફરે ગયો ત્યારે દરિયાઈ તોફાનને લીધે તેનાં વહાણો આડા માર્ગે ફંટાઈને દક્ષિણ અમેરિકામાં આવેલા બ્રાઝિલના કિનારે પહોંચી ગયાં. આમ, દરિયાઈ તોફાનને લીધે તેણે અજાણતાં જ બ્રાઝિલની શોધ કરી.

સ્પેનના સાહસિક દરિયાખેડુ મેગેલને કેપ ઑફ ગુડ હોપના રસ્તે હિંદની મુસાફરી કરી. પરંતુ બીજી વખત તે અમેરિકાના રસ્તે એટલે કે પશ્ચિમના રસ્તે સાગરસફર કરીને હિંદ જવા ઇચ્છતો હતો. પાંચ વહાણો અને 270 ખલાસીઓનો કાફલો લઈને એ 1519માં નીકળ્યો અને દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે પહોંચ્યો. ત્યાંની સાંકડી સામુદ્રધુનીને પસાર કરી તે પ્રશાંત મહાસાગરમાં પ્રવેશ્યો. આ સામુદ્રધુની તેના નામ પરથી ‘મેગેલનની સામુદ્રધુની’ તરીકે ઓળખાય છે.

ઘણા દિવસોની મુસાફરી પછી તે ફિલિપાઇન ટાપુઓ પર પહોંચ્યો. એ ટાપુના બે સરદારો વચ્ચેના યુદ્ધમાં ભાગ લેતાં તેનું મૃત્યુ થયું. છતાં કપ્તાન મેગેલન વગરનો કાફલો આગળ વધ્યો. 1522માં કેપ ઑફ ગુડ હોપના રસ્તે એ કાફલો સ્પેન પાછો ફર્યો ત્યારે મેગેલનનાં પાંચ જહાજોમાંથી માત્ર ‘વિક્ટરી’ નામનું એક જ જહાજ બચ્યું હતું. આ પ્રવાસમાં મેગેલનનું મૃત્યુ થયું હોવા છતાં તેને ‘દુનિયાની સૌપ્રથમ પ્રદક્ષિણા કરનાર’ ગણવામાં આવે છે.

એ સમયે દક્ષિણ અમેરિકાના મેક્સિકોમાં માયા સંસ્કૃતિ અને પેરૂમાં ઇન્કા સંસ્કૃતિનો વિકાસ થયો હતો. પરંતુ હેર્મન કોર્ટેઝ નામના સ્પૅનિશ સાહસિકે 1519માં મેક્સિકો ઉપર હુમલો કરી, ઘણા માણસોને મારી નાખી તે જીતી લીધું અને ત્યાંની માયા સંસ્કૃતિનો નાશ કર્યો. એવી જ રીતે 1531માં બીજા ક્રૂર સાહસિક પિઝારોએ પેરૂ જીતી લઈ પેરૂવાસીઓનો અને ત્યાંની ઇન્કા સંસ્કૃતિનો નાશ કર્યો હતો.

આમ, ઈસુની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં અને સોળમી સદીના પૂર્વાર્ધમાં યુરોપના પોર્ટુગલ, ઇટાલી, સ્પેન વગેરે દેશોના સાહસિક અને હિંમતબાજ નાવિકોએ વિશ્વના ઘણા દેશો અને ખંડોની દરિયાઈ રસ્તે શોધ કરી તેથી તેને ‘વિશ્વખોજનો યુગ’ કહેવામાં આવે છે. આ પ્રવાસો પૂર્વે યુરોપ જગતની માત્ર ત્રીજા ભાગની જમીનથી પરિચિત હતું. 1453માં તુર્કોએ કોન્સ્ટન્ટીનોપલ જીતી લેતાં જમીનમાર્ગો અસલામત બન્યા. પરિણામે આ જળમાર્ગો શોધાયા. નવા દેશો અને ખંડોની શોધ પછી ત્યાં વ્યાપારી અને ખ્રિસ્તી ધર્મના પ્રચારની પ્રવૃત્તિઓ શરૂ થઈ. વ્યાપારી પ્રવૃત્તિઓની સાથે ત્યાં રાજકીય વર્ચસ્ સ્થાપવા યુરોપના દેશો વચ્ચે હરીફાઈ થઈ, જેને કારણે એમની વચ્ચે સાંસ્થાનિક યુદ્ધો ખેલાયાં.

મુગટલાલ પોપટલાલ બાવીસી