વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી વિશ્વકર્મા પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હતો. મહાભારત પ્રમાણે તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા. વિશ્વકર્મા દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ ‘ત્વષ્ટા’ તરીકે પણ ઓળખાયા. આમ વિરાટ(નરનારાયણ)થી વિશ્વકર્માના દસ અવતારો પણ થયા હોવાનું મનાય છે.

વિશ્વકર્માએ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. તેઓ દેવોના સ્થપતિ હતા. દેવ-સ્થપતિ વિશ્વકર્મા ઉપરાંત કાલાન્તરમાં બીજા બે વિશ્વકર્મા થયા, જે વાસ્તુવિદ્યાના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. આ બે પૈકી એક ઉત્તરાપથના અને બીજા દક્ષિણાપથના હતા. ‘વિશ્વકર્મા પ્રકાશ’ ઉત્તરાપથની વાસ્તુવિદ્યાનું વર્ણન કરે છે, જ્યારે ‘વિશ્વકર્મીય શિલ્પ’ દક્ષિણાપથની વાસ્તુવિદ્યાનું નિરૂપણ કરે છે.

સૃદૃષ્ટિના આદિ ભગવાન તરીકે પણ શ્રી વિશ્વકર્મા ઓળખાય છે. વિશ્વકર્માના પિતા આઠમા વસુપ્રભાસ ઋષિ હતા; જ્યારે તેમની માતા દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગસિદ્ધિ હતી. એ રીતે વિશ્વકર્મા એ બૃહસ્પતિના ભાણેજ પણ ખરા.

વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્રના કર્તા તરીકે જાણીતા છે જ, ઉપરાંત ઔદ્યોગિક શિલ્પકલાના સર્જનહાર પ્રજાપતિ છે. સર્વ દેવોના આચાર્ય અને આઠ પ્રકારની સિદ્ધિઓના પ્રજાપતિ પણ વિશ્વકર્મા છે : શિલ્પ-સ્થાપત્યકલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદનિર્માણ વગેરે કલાઓના જન્મદાતા પણ તેઓ છે. તેમણે દેવો માટે વિવિધ સુંદર આભૂષણો તથા દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે. આ ઉપરાંત ઇન્દ્ર, યમ, વરુણ વગેરેની વિશાળ સભાઓ તેમજ પાંડવોની ઇન્દ્રપ્રસ્થ સભાનું નિર્માણ પણ તેમણે કરેલું.

વિશ્વકર્માએ શિવની કૈલાસપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, રાવણની લંકા તથા કાશીપુરી વગેરેનું પણ સર્જન કરેલું. પુષ્પક વિમાન પણ તેમનું સર્જન હતું. વિશ્વકર્માએ શ્રીકૃષ્ણના કહેવાથી વૃંદાવનની પણ રચના કરી હતી. વળી તેમના અંશાવતાર નલ-નીલે રામેશ્વરનો સેતુબંધ બાંધ્યો હતો. એમ કહેવાય છે કે વિશ્વનું પ્રત્યેક કર્મ જે કરે છે તે શ્રી વિશ્વકર્મા.

સ્થાપત્ય ઉપરાંત વિશ્વકર્માએ વિવિધ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર, શક્તિ, સુદર્શનચક્ર, ધનુષબાણ, ત્રિશૂળ, વજ્ર વગેરેની પણ રચના કરી છે. વિશ્વકર્મા દેવોના પુરોહિત છે તેથી પ્રતિમાવિધાનની દૃષ્ટિએ તેમના મસ્તક પર મુગટ, જટાજૂટ અને સોહામણી શ્વેત દાઢી છે. ચતુર્ભુજ સ્વરૂપના વિશ્વકર્માના એક હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર (દોરી), ત્રીજામાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. તેમનું વાહન હંસ છે.

વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન(રચના)દેવી હતું. તેઓ પ્રહ્લાદનાં પુત્રી હતાં. વિરોચનદેવીવિશ્વકર્મા દ્વારા જગતના કલ્યાણ અર્થે પાંચ પુત્રરત્નો ઉત્પન્ન થયેલા; જેમાં (1) મનુ – લુહાર (2) મય – સુથાર (3) ત્વષ્ટા – કંસારા કામ કરનાર (4) શિલ્પી – કડિયાકામ કરનાર અને (5) દેવજ્ઞ – સોની. વળી ‘વાસ્તુ’ તેમનો દત્તક પુત્ર હતો. વિશ્વકર્માએ ‘વાસ્તુ’ દ્વારા ‘શ્રી વિશ્વકર્મા પ્રકાશ’, ‘સ્થાપત્ય દેવ’ જેવા મહામૂલ્ય ગ્રંથોની રચના કરાવી હતી.

વિશ્વકર્માએ માનવજીવનનો પ્રકૃતિ સાથે સુભગ સમન્વય કરીને પૃથ્વી પર નદીઓ, સરોવરો, તળાવ, પર્વતો, વૃક્ષો વગેરેની પણ રચના કરી હતી. વળી લુહારીકામ, સુથારીકામ, માટીકામ, ધાતુકામ, કડિયાકામ વગેરે ઉદ્યોગો અને ઉદ્યમો આમજનતાને શીખવ્યા હતા, વળી વિવિધ ઓજારો કેવી રીતે બનાવવાં અને કેવી રીતે વાપરવાં તે પણ તેમણે શીખવ્યું હતું.

ગુજરાતમાં વિશ્વકર્માનો મહિમા વિશેષ છે. માઘ સુદ-13ના રોજ વિશ્વકર્મા જયંતી ઊજવાય છે. વિશ્વકર્માનું વિશાળ મંદિર ઓગણજના રસ્તે આવેલું છે. દર અમાસે અમાસવ્રતધારી અમાસ ભરવા અહીં આવતા હોય છે. આ ઉપરાંત વિશ્વકર્માની વિશાળ પ્રતિમા ઇલોરા ગુફા નં. 10માં આવેલી છે. શિલ્પીઓ અને સલાટોનું તે તીર્થસ્થળ છે.

વર્ષા ગ. જાની