વિશેષાવશ્યક ભાષ્ય (સાતમી સદી)
February, 2005
વિશેષાવશ્યક ભાષ્ય (સાતમી સદી) : વિશેષાવશ્યક ભાષ્ય ક્ષમાશ્રમણ જિનભદ્રગણિની એક અત્યંત મહત્વપૂર્ણ રચના છે. આવશ્યકસૂત્ર ઉપર ત્રણ ભાષ્ય લખાયાં છે : (1) મૂળ ભાષ્ય, (2) ભાષ્ય અને (3) વિશેષાવશ્યક ભાષ્ય. પ્રથમ બે ભાષ્ય અત્યંત સંક્ષિપ્ત છે. તેની ઘણીખરી ગાથાઓ વિશેષ આવશ્યક ભાષ્યમાં મળે છે. આમ વિશેષાવશ્યક ભાષ્યમાં ત્રણે ભાષ્યોનું પ્રતિનિધિત્વ થયેલું છે. આ ભાષ્ય કેવળ પ્રથમ અધ્યયન સામાયિક પર છે. તેમાં 3,603 ગાથાઓ છે.
પ્રસ્તુત ભાષ્યમાં જૈન આગમ સાહિત્યમાં વર્ણિત બધા જ મહત્વપૂર્ણ વિષય પર ગંભીર ચિંતન કરેલું છે. તેમાં જ્ઞાનવાદ, પ્રમાણવાદ, આચાર, નીતિ, સ્યાદવાદ, નયવાદ, કર્મસિદ્ધાંત વગેરે પર વિસ્તૃત વિચાર કર્યો છે. આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં જૈન દાર્શનિક સિદ્ધાંતોની તુલના અન્ય દાર્શનિક વિચારધારાઓ સાથે કરી છે.
ગ્રંથકાર સર્વપ્રથમ નમસ્કાર કરીને જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ બતાવીને મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ આ પાંચે જ્ઞાનોનું વિસ્તૃત વિવેચન કરે છે. તે પછી આવશ્યક ઉપર નામ વગેરે નિક્ષેપોથી ચિંતન કરે છે. દ્રવ્યાવશ્યક અને ભાવાવશ્યકનું વિસ્તૃત વિવેચન કરી ષડાવશ્યક ઉપર ચિંતન કરે છે. ત્યારબાદ સામાયિકાદિ પાંચે ચારિત્રનું વિસ્તારથી વિવેચન કરે છે. સામાયિક ચારિત્રનું ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્રકાલ વગેરે 26 પ્રકારે વિવેચન કરે છે.
ત્રીજા નિર્ગમ દ્વારમાં ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ વગેરે અગિયાર ગણધરોની ચર્ચા કરી છે. આ ચર્ચામાં આત્માનું અસ્તિત્વ, કર્મની સત્તા, આત્મા અને દેહનો ભેદ, શૂન્યવાદનું નિરસન, ઇહલોક અને પરલોકની વિચિત્રતા, બન્ધ અને મોક્ષનું સ્વરૂપ, દેવોનું અસ્તિત્વ, નારકોનું અસ્તિત્વ, પુણ્યપાપનું સ્વરૂપ, પરલોકનું અસ્તિત્વ, નિર્વાણની સિદ્ધિ – આ વિષયો ઉપર તેમણે પાંડિત્યપૂર્ણ ચર્ચા કરી છે.
તે પછી ‘કેરમિભન્તે’ વગેરે સામાયિક સૂત્રનાં મૂળ પદો ઉપર વિચાર કર્યો છે.
વિશેષાવશ્યક ભાષ્યનું જૈન સાહિત્યમાં અનોખું સ્થાન છે.
આ ગ્રંથના રચયિતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો ઉત્તરકાળ વિ. સં. 650-660ની આસપાસનો મનાય છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ભા. 1-2-3 (સંપાદક પં. દલસુખભાઈ માલવણિયા), 1966-67-68 દરમિયાન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત થયેલું છે.
રૂપેન્દ્રકુમાર પગારિયા
અનુ. ગીતા મહેતા