વિશ્ : પ્રાચીન ભારતીય વર્ણવ્યવસ્થામાંનો એક વર્ણ. ‘વિશ્’ શબ્દ ઋગ્વેદ જેટલો પ્રાચીન છે; ઋગ્વેદમાં તે ‘રહેઠાણ’, ‘પ્રજા’, ‘લોકો’, ‘આર્યપ્રજા’ના અર્થમાં વપરાયેલો જોવા મળે છે. વળી તે ‘જન’-પ્રજાના એક પેટા વિભાગના અર્થમાં વપરાયેલો પણ જોવા મળે છે. વળી ‘दैवी विश:’ ‘विशांपति:’ જેવા શબ્દો પણ પ્રાપ્ત થાય છે. विशांपति: એટલે ‘પ્રજાના પતિ’, ‘પ્રજાના પાલનહાર’ (એટલે કે ‘રાજા’), ‘મુખ્ય માણસ’નો અર્થબોધ કરાવે છે. અગ્નિદેવને विशांपति: તરીકે પણ વર્ણવાયા છે. પુરાણોમાં આ શબ્દ ‘રાજા’ વાચક છે; દા.ત., આ વૈદિક વિશેષણ ‘विशांपति:’ પૌરાણિક ગ્રંથોમાં કાર્તવીર્ય અર્જુન જેવા રાજા માટે વિશેષણ તરીકે વપરાયું છે. વૈવસ્વત મનુ મત્સ્યપુરાણ(58.19)માં ‘विशांपति:’ તરીકે વર્ણવાયા છે. અથર્વવેદમાં આ શબ્દ ‘विश्’ – એટલે ‘સંબંધી’ના અર્થમાં ઋષિ પ્રયુક્ત કરે છે. વિવિધ ગોત્રોના સમૂહને પણ ‘विश्’ શબ્દથી ઉલ્લેખવામાં આવે છે. ‘विश्’ શબ્દ સાથે ‘वैश्य’ શબ્દ સંકળાયેલ છે. ઋગ્વેદના વિખ્યાત ‘પુરુષસૂક્ત’માં (10-90.12) ‘वैश्य’ શબ્દ પ્રાપ્ત થાય છે. અહીં વૈશ્યને પુરુષની જંઘાઓ તરીકે વર્ણવવામાં આવ્યો છે. અથર્વવેદમાં (196.6) વૈશ્યને જગદબી જ પુરુષની મધ્ય (= કેડ) તરીકે વર્ણવવામાં આવ્યો છે. શરીરમાં કેડની અગત્ય સુવિખ્યાત છે. ચાતુર્વર્ણ્ય સમાજવ્યવસ્થામાં તેને બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્રથી ભિન્ન ગણવામાં આવ્યો છે. ઋગ્વેદના ‘પુરુષસૂક્ત’માં ચાતુર્વર્ણ્યની ઉત્પત્તિનો ઉલ્લેખ છે; પરંતુ આ સૂક્તમાં ‘વર્ણ’ શબ્દનો ઉલ્લેખ કોઈ પણ ઋક્માં મળતો નથી. ઇતિહાસ, પુરાણ, સાહિત્યમાં વૈશ્યને પુરુષ/વામદેવની જંઘાઓમાંથી ઉત્પન્ન થતો વર્ણવવામાં આવ્યો છે. શરીર માટે, શરીરમાં જંઘાઓની અગત્ય જાણીતી છે. ઐતરેય બ્રાહ્મણ મુજબ તે બીજાઓ માટે વેરો, કર આપનાર હતો, અર્થાત્ તે સમાજનો-રાજ્યનો આર્થિક ભાર વહેતો હતો. પુરુષની જંઘામાંથી તેની ઉત્પત્તિ સૂચક છે; તે ઉપર જોયું તેમ, સમાજનો આર્થિક ભાર વહેતો હતો, સમાજ તેના ઉપર ઊભો હતો. રાજાઓ વૈશ્યોને બચાવતા અને માન આપતા હતા. તેઓ રાજાને માન આપતા હતા. તેઓ જમીનના માલિકો પણ હતા. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન, વાણિજ્ય હતો; આમ તેઓ દેશની આર્થિક ઊપજ, વ્યવસ્થા, વ્યવહાર સાથે સંકળાયેલ હતા. ‘વિશ્’ – વૈશ્યની વિવિધ અભિલાષાઓ પૈકી ग्रामणी થવાની અભિલાષા મુખ્ય હતી. દ્વાપરયુગને ‘વૈશ્ય યુગ’ પણ કહેવામાં આવ્યો છે. વર્ણાશ્રમવ્યવસ્થા પ્રમાણે વૈશ્ય ક્ષત્રિયને અનુસરતો હતો, એમ જણાવવામાં આવ્યું છે. કૃતયુગમાં તે ખેતી, પશુપાલન, વ્યાપાર ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરતો હતો. પરંતુ કલિયુગમાં અન્ય વર્ણોની જેમ તે સ્વધર્મચ્યુત થશે, એમ ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેઓ રાજાના વિશેષ કૃપાપાત્ર હતા (મત્સ્યપુરાણ, 34.5). તેમના તરફથી રાજ્યની તિજોરીને સારી આવક થતી હતી. આમ સમાજમાં આ લોકમાં વૈશ્યનું સ્થાન સારું હતું.

સુરેશચંદ્ર ગો. કાંટાવાળા