વિશિન્સકી, આન્દ્રે યુનુરૉવિચ
February, 2005
વિશિન્સકી, આન્દ્રે યુનુરૉવિચ (જ. 10 ડિસેમ્બર 1883, આડેસા, રશિયા; અ. 22 નવેમ્બર 1954, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : વકીલ અને સોવિયેત રાજનીતિજ્ઞ. મધ્યમવર્ગીય માતાપિતાને ત્યાં જન્મેલા આન્દ્રે પોલિશ વંશના હતા. કીવ યુનિવર્સિટીના 191820ના ગૃહ યુદ્ધ દરમિયાન તેઓ બોલ્શેવિકો વતી લડ્યા હતા. કાયદાના સ્નાતક બન્યા પછી તેઓ 1902માં રશિયન સોદૃશ્યલ ડેમોક્રૅટિક લેબર પાર્ટીમાં જોડાયા. આ પક્ષનું વિભાજન થતાં 1903માં તેઓ મેન્શેવિકો સાથે જોડાયા.
1921થી 1928 સુધી તેમણે મૉસ્કો યુનિવર્સિટીના વકીલ તરીકે અને રેક્ટર તરીકે સેવાઓ આપી હતી. વળી સરકારના શિક્ષણવિભાગમાં ઉચ્ચ શિક્ષણના વડા તરીકે પણ તેઓ નિમાયા હતા. 1928માં જાહેર જીવનના નેતૃત્વની અગ્રિમ હરોળમાં તેમણે સ્થાન મેળવ્યું. 1936-38માં મૉસ્કોમાં સામ્યવાદના વિરોધીઓને ખતમ કરવાની-ઝુંબેશ-ગ્રેટ પર્જ – યોજાયેલી તેના પણ તેઓ સ્ટાલિન તરફી સંચાલક રહ્યા હતા અને વ્યાપક રીતની પણ નકારાત્મક પ્રસિદ્ધિ પામ્યા હતા.
કાયદાના સારા જાણકાર તરીકે તેમની ખ્યાતિ હતી. રશિયન સોવિયેત ફેડરેડેટ સોશ્યાલિસ્ટ રિપબ્લિકના ડેપ્યુટી પ્રૉસિક્યૂટર નિમાયા બાદ 1933માં બઢતી મેળવી પ્રૉસિક્યૂટર અને 1935માં સોવિયેત સંઘના મુખ્ય પ્રૉસિક્યૂટર નિમાયેલા. 1933માં મેટ્રો-વિર્કર્સના એક જાણીતા કિસ્સામાં સોવિયેત હાઇડ્રોઇલેક્ટ્રિક કન્સ્ટ્રક્શનને નુકસાન પહોંચાડવાનો બ્રિટિશ ઇજનેરો પર આરોપ મુકાયેલો તે સમયે સરકાર તરફી કામગીરીથી તેમણે આ ગાળા દરમિયાન વ્યાપક પ્રસિદ્ધિ મેળવી. 1938માં તેમને ઉપપ્રધાન-મંત્રી બનાવવામાં આવ્યા. 1939માં એકૅડેમી ઑવ્ સાયન્સિઝના અને 1939થી 1955 સુધી સોવિયેત સંઘની કેન્દ્રીય સમિતિના સભ્ય રહ્યા. વળી 1940-49માં વિદેશ મંત્રાલયમાં નાયબ મંત્રીના હોદ્દા પર રહ્યા. આ જ અરસામાં તેમના પ્રયાસોથી લેટવિયાને સોવિયેત સંઘમાં સામેલ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે 1945માં રુમાનિયાને સામ્યવાદી શાસનના પ્રભાવ હેઠળ લાવવા તેમણે પ્રયાસ કર્યો. 1949માં તેઓ વિદેશમંત્રી અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે સોવિયેત પ્રતિનિધિ નિમાયા હતા. જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે તેમની કામગીરી કટુતાભરી હતી. 1953 સુધી તેઓ આ સ્થાન પર રહ્યા. 1953માં સ્ટાલિનના અવસાન બાદ તેમનું અવમૂલ્યાંકન કરી તેમને નીચલી પાયરીએ ઉતારી દેવામાં આવ્યા હતા. ‘ધ લૉ ઑવ્ ધ સોવિયટ સ્ટેટ’ એમનું પુસ્તક છે.
રક્ષા મ. વ્યાસ