વિશાલાક્ષી, દ્વિવેદુલા (શ્રીમતી) (. 15 ઑગસ્ટ 1929, વિજયાનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેઓ 8 વર્ષ સુધી ઇંગ્લૅન્ડ, મલેશિયા અને અમેરિકામાં રહ્યાં તે દરમિયાન લેખનકાર્ય કર્યું.

તેમણે તેલુગુમાં 17 ગ્રંથો આપ્યા છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘વૈકુંઠપાલી’ (1965); ‘મારિના વિલુવલુ’ (1966); ‘ગ્રહણમ્ વિડિચિન્દી’ (1967); ‘વારિધી’ (1968); ‘કોવ્વોતી’ (1971); ‘રેપતી વેલલુ’ (1974); ‘કલા કાનિદી’ (1981) અને ‘એન્તા દૂરામી પાયનમ્’(1995)નો સમાવેશ થાય છે.

‘આમે કોરિકા’ (1967); ‘દ્વિવેદુલા વિશાલાક્ષી કથાલુ’ (1995) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે.

તેલુગુ સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને 1982માં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1990માં અભિનંદન ઍવૉર્ડ; 1991માં રસમયી ઍવૉર્ડ અને 1996માં જ્યેષ્ઠ સાહિત્ય ઍવૉર્ડ આપવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા