વિવિધતીર્થકલ્પ
February, 2005
વિવિધતીર્થકલ્પ : જિનપ્રભસૂરિએ ભારતનાં જૈન તીર્થોની યાત્રા દરમિયાન જુદા જુદા સમયે સંસ્કૃત-પ્રાકૃતમાં રચેલા કલ્પ. આ ગ્રંથ દિલ્હીમાં ઈ. સ. 1333માં સમાપ્ત થયો હતો. એનું નામ ‘કલ્પપ્રદીપ’ પણ છે. તેમાં ગુજરાતનાં કેટલાંક જૈન તીર્થોના કલ્પ છે; જેમ કે, શત્રુંજય, ઉજ્જયંત (ગિરનાર), અશ્વાવબોધ (ભરૂચમાં આવેલ છે.), સ્તંભનક (થામણા), અણહિલપુર તથા શંખપુર (શંખેશ્વર). જિનપ્રભસૂરિ દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલુકના દરબારમાં બહુમાન પામ્યા હતા. આ ગ્રંથમાં ગુજરાતના ઇતિહાસને લગતા કેટલાક મહત્વના ઉલ્લેખો મળે છે; દા.ત., પ્રાચીનકાળમાં શ્રીલંકાની કોઈ રાજકન્યાએ ભરૂચમાં ‘શકુનિકાવિહાર’ બંધાવ્યો હતો.
જયકુમાર ર. શુક્લ