વિવાહલઉ
February, 2005
વિવાહલઉ : મધ્યકાલીન કાવ્યસાહિત્યનું એક સ્વરૂપ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન, રાસ, પદ્યવાર્તા જેવા સાહિત્યસ્વરૂપ જેવું આ સ્વરૂપ છે. ઈ. સ. 1450થી 1550ના સમયગાળામાં અનેક જૈન-જૈનેતર કવિઓએ તે અજમાવ્યું છે.
‘વિવાહલઉ કે વેલિ’ એ લગ્નવિધિ-વિષયક ગેય રચના છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન એ સામાજિક વ્યવસ્થાનું અતિ મહત્વનું તત્વ મનાય છે. આ લગ્નપ્રસંગે શાસ્ત્રીય વિધિઓ, લોકાચાર અને રૂઢિઓ વગેરે દ્વારા પ્રસંગને જે રીતે ઊજવવામાં આવે છે તેનું સાહિત્યિક વર્ણન ‘વિવાહલઉ કે વેલિ’માં કરવામાં આવે છે. ‘વિવાહ’, ‘સ્વયંવર’, ‘મંગલ’, ‘વેલિ’ વગેરે અનેક નામવાળી આવી રચનાઓ મધ્યકાલીન સાહિત્યમાં મળે છે.
‘વિવાહલઉ’નો પ્રકાર જૈન કવિઓને હાથે ખાસ તો ખેડાયેલો જોવા મળે છે. તેમણે વિવાહના પર્વને તત્વજ્ઞાનની દૃષ્ટિએ સમજાવવા પ્રયત્ન કર્યો છે. દીક્ષા લેવા જતા સાધુઓને સંયમશ્રી રૂપી કન્યાને પરણવા જતા વર્ણવ્યા છે અને એમના સંસારત્યાગને ગૃહસ્થાશ્રમના પ્રવેશ રૂપે દર્શાવ્યો છે. આવા રૂપકાત્મક વિરોધાભાસ દ્વારા વધારે પ્રભાવક રીતે સંસારની અસારતાનું મહત્વ સમજાવ્યું છે.
જૈન ધર્મ લગ્નને આવદૃશ્યક અંગ તરીકે સ્વીકારતો નથી પરંતુ બ્રહ્મચર્ય અને વૈરાગ્ય ઉપર વિશેષ ભાર મૂકે છે; તેથી જૈન કવિઓની કૃતિઓમાં અંત ઉપશમમાં આવે છે. જૈન સાધુકવિઓની ‘જિનોદયસૂરિ વિવાહલઉ’, ‘સુમતિસાધુસૂરિ વિવાહલઉ’, ‘શ્રી મહાવીર વિવાહલઉ’ વગેરે જાણીતી રચનાઓ છે. આ વિવાહલઉ કૃતિઓમાંથી જૈન સાધુઓ અને આચાર્યોની ઐતિહાસિક માહિતી વિપુલ પ્રમાણમાં મળે છે.
આ સ્વરૂપની જૈનેતર કવિઓની રચનાઓ પણ મળે છે. નાકર અને હરિદાસનો ‘શિવવિવાહ’, મુરારિનો ‘ઈશ્વરવિવાહ’, દેવીદાસનો ‘રુક્મિણીવિવાહ’, ગિરધરનો ‘તુલસીવિવાહ’, પુરીબાઈનો ‘સીતાવિવાહ’ જેવાં કાવ્યો ઉલ્લેખનીય છે. જૈનેતર કવિઓ દ્વારા રચિત વિવાહનાં અનેક કાવ્યો પૌરાણિક વસ્તુનાં આખ્યાનો વસ્તુત: હોય છે.
કીર્તિદા શાહ