વિવાગસુય : વિવાગસુય (સં. વિપાકશ્રુત, વિપાકસૂત્ર) શ્વેતાંબર જૈનોના અંગ સાહિત્યમાં અગિયારમા સ્થાને આવે છે. જેમ છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં (જુઓ, અધિકરણ : નાયાધમ્મકહાઓ.) તેમ વિપાકશ્રુતમાં પણ પાછળથી બે શ્રુતસ્કંધોમાં વિભાગ કરી તેના બીજા શ્રુતસ્કંધનો બિનજરૂરી વિસ્તાર કર્યો છે. જૈન પરંપરામાં ચાલી આવતી દુ:ખમાં પરિણમતી મૂળ દસ કાલ્પનિક કથાઓ પહેલા શ્રુતસ્કંધમાં સમાવી તેમને દુહવિવાગ (સં. દુ:ખવિપાક) નામ આપ્યું, અને ત્યારબાદ સુખાંત પ્રસંગોવાળી બીજી દસ કથાઓ રચી તે બધી બીજા શ્રુતસ્કંધમાં મૂકી તેને સુહવિવાગ (સં. સુખવિપાક) નામ આપ્યું. ત્રીજા અંગ : ઠાણ (સં. સ્થાન) મુજબ વિપાકશ્રુતનું બીજું નામ કમ્મવિવાગદસાઓ (સં. કર્મવિપાકદશા) છે, તેમાં ફક્ત દસ અધ્યયનોમાં કુલ દસ જ કથાઓ આવેલી છે; પણ તેના શ્રુતસ્કંધ જેવા બે વિભાગો નથી. વળી, સ્થાનાંગમાં આ દસ કથાઓનાં નામ જણાવતી પ્રાકૃત ગાથા (છંદભંગવાળી ત્રણ લીટીઓ) પણ વિપાકશ્રુતમાં પ્રારંભમાં આવતી દસ કથાઓનાં નામ જણાવતી આર્યા ગાથા કરતાં જુદી છે, અને તે બંને ગાથાઓમાં કથાઓનાં કેટલાંક નામ તથા ક્રમ પણ જુદાં છે. નંદિસૂત્ર(જુઓ, અધિકરણ : અણુઓગદ્દારાઈ)માં દસ દુ:ખવિપાક અને દસ સુખવિપાક – એમ કુલ વીસ અધ્યયનોવાળા વિપાકશ્રુતનો જે નિર્દેશ થયો છે તે આ મળી આવતા વિપાકશ્રુતની યાદ આપે છે; પણ ચોથા અંગ : સમવાયમાં (43) વિપાકશ્રુતનું નામ કર્મવિપાક જણાવી, તેનાં તેતાલીસ અધ્યયનો હતાં એવો ઉલ્લેખ થયો છે. આ બધા ઉપરથી એમ લાગે છે કે વિપાકશ્રુતની ઘણી વાચનાઓ અસ્તિત્વમાં આવી હશે. તેમાં ઇતર વિસ્તૃત વાચનાઓની તુલનાએ સ્થાનાંગની સંક્ષિપ્ત વાચના પ્રાચીન કે મૌલિક હશે; કારણ કે ‘વિપાક’ શબ્દ મૂળે તો ‘ખરાબ (કર્મોના) પરિપાક’ના અર્થમાં જ વિશેષ ઉપયોગમાં આવતો, અને વિપાકશ્રુતમાં આવતી પહેલી દસ કથાઓ પણ પૂર્વ જન્મનાં ખરાબ કૃત્યોના પરિપાક રૂપે જ વર્તમાન જન્મનું વર્ણન કરે છે તથા આ જ કથાઓ કર્મવિપાક દશાના (= ‘ખરાબ કર્મોના પરિપાકની દસ કથાઓ’) નામે હતી તેમ સ્થાનાંગ જણાવે છે.

મહાવીરના શિષ્ય પાંચમા ગણધર સુધર્માને તેમના શિષ્ય જંબૂએ પૂછેલા પ્રશ્ર્નમાંથી વિપાકશ્રુતની અને તેમાં આવતાં બધાં અધ્યયનોની શરૂઆત કરવામાં આવી છે. દસમા અંગ : પણ્હવાગરણાઇં (સં. પ્રશ્ર્નવ્યાકરણાનિ) પાછળ મહાવીરનો અર્થ (આશય) જાણી લીધા બાદ, અગિયારમા અંગ : વિપાકશ્રુત પાછળ મહાવીરનો અર્થ સમજવા જંબૂએ સુધર્માને વિનંતી કરતાં સુધર્મા જંબૂને વિપાકશ્રુતની એકેક કથા કહી સંભળાવે છે. સુધર્મા પણ જાણે કે પહેલાં મહાવીર-ઇંદ્રભૂતિ વચ્ચે થયેલો આ કથાઓ પરત્વેનો મૂળ સંવાદ યાદ કરીને અહીં તેની રજૂઆત માત્ર કરતા હોય, તે રીતે વિપાકશ્રુતના કર્તાએ સુધર્મા-જંબૂના સંવાદમાં પણ મહાવીર-ઇંદ્રભૂતિનો સંવાદ વણી લીધો છે. મહાવીરના શિષ્ય પ્રથમ ગણધર ઇંદ્રભૂતિ ગૌતમને મહાવીરે જણાવ્યાથી કે વિહાર કરતાં કરતાં આ કથાઓમાં આવતી કારમી વેદનાઓ અનુભવતી વ્યક્તિઓનાં દૃશ્યો પ્રત્યક્ષ જોવામાં કે જાણવામાં આવતાં, એ જીવોની આવી દુ:ખમય સ્થિતિનાં કારણ, તેમના પૂર્વજન્મ અને ભાવિ જન્મો વિશે મહાવીરને પૂછતાં, મહાવીરે ઇંદ્રભૂતિ ગૌતમને તે જીવોના પૂર્વજન્મનાં પાપકર્મોનો ચિતાર અને તેવાં કર્મોના વિપાકે મળેલા વર્તમાન જન્મની સ્થિતિનું વર્ણન કહી સંભળાવ્યાં તથા તે જીવોની ભાવિ જન્મપરંપરાની રૂપરેખા આપી, તેઓ અંતે મહાવિદેહ ખંડમાં જન્મી કેવી રીતે મુક્ત થયા તે પણ દર્શાવ્યું. આવા દુ:ખવિપાક નામે પહેલા શ્રુતસ્કંધને અનુસરીને પૂર્વજન્મનાં પુણ્યકર્મો જણાવી સુખવિપાક નામે બીજા શ્રુતસ્કંધનો વિસ્તાર થયો છે. વિપાકશ્રુતનાં અધ્યયનોનાં નામ તેની કથાઓમાં આવતી મુખ્ય વ્યક્તિઓનાં નામ ઉપરથી રાખવામાં આવ્યાં છે. તેના બંને શ્રુતસ્કંધોનાં દસેદસ અધ્યયનોનાં નામ સાથે કથાઓના કેન્દ્રમાં રહેલી વ્યક્તિનું નામ, તેનાં માતપિતાનાં નામ અને સ્થળનું નામ, ઉપરાંત તે વ્યક્તિના પૂર્વજન્મનું નામ અને કર્મો અહીં જણાવવામાં આવે છે. તેમાં પહેલા શ્રુતસ્કંધ – દુ:ખવિપાકનાં દસ અધ્યયનો આ પ્રમાણે છે :

(1) મિયાપુત્ત (સં. મૃગાપુત્ર) : મિયગામમાં (સં. મૃગગ્રામ) રાજા વિજય અને રાણી મૃગાનો પુત્ર મૃગાપુત્ર. તે પૂર્વજન્મમાં ઇક્કાઇ (સં. એકાદિ ?!) નામે રાજ્યનો એક માંડલિક સૂબો રટ્ઠકૂડ, સં. રાષ્ટ્રકૂટ) – કર ઉઘરાવનાર એક દગાબાજ ઉપરી અધિકારી હતો. ઇક્કાઇ નામ વિચિત્ર લાગે છે, કદાચ એગાઇય (સં. એકાન્તિક ? ‘એક જ ધ્યેયને વળગી રહેનાર’) નામ પણ હોય. અભયદેવની (આશરે 11મી સદી) સ્થાનાંગ (10) ટીકાના આધારે મકાયી નામ છે; પણ તેમાંય હસ્તપ્રતના લહિયાની કાંઈક ભૂલ છે.

(2) ઉજ્ઝિય (સં. ઉજ્ઝિત) : વાણિયગામમાં (સં. વણિગ્ગ્રામ) વેપારી વિજયમિત્ર અને તેની પત્ની સુભદ્રાનો પુત્ર ઉજ્ઝિત. પૂર્વજન્મમાં તેનું નામ ગોત્તાસ (સં. ગોત્રાસ) હતું અને તે ગાયોને ખૂબ ત્રાસ આપતો હતો. સ્થાનાંગમાં આ અધ્યયનનું નામ ગોત્તાસ છે.

(3) અભગ્ગ (સં. અભગ્ન) : શાલાટવી નામે ચોરપલ્લીમાં ચોરોના સેનાપતિ વિજય અને તેની પત્ની ખંદસિરી(સં. સ્કંદશ્રી)નો પુત્ર અભગ્નસેન. પૂર્વજન્મમાં તેનું નામ નિન્નય (સં. નિર્ણય ?!, નિમ્નક ?) હતું અને તે ઈંડાં વેચવાનો ધંધો કરતો હતો. અભયદેવે સ્થાનાંગ (10) ટીકામાં નિન્નક નામ આપ્યું છે. સ્થાનાંગમાં આ અધ્યયનનું નામ અંડ (ઈંડું) છે.

(4) સગડ (સં. સકટ/શકટ) : સાહંજણીમાં (?) વેપારી સુભદ્ર અને તેની પત્ની ભદ્રાનો પુત્ર શકટ. પૂર્વજન્મમાં તે છન્નિય (?) છાગલિક (સં. છાગલિક) નામે એક કસાઈ (ખાટકી) હતો અને માંસ-મદિરા વેચતો હતો. નગરીનું ‘સાહંજણી’ નામ અને વ્યક્તિનું ‘છન્નિય’ નામ, બંને વિચિત્ર લાગે છે. અભયદેવે સ્થાનાંગ (10) ટીકામાં તેમનાં સંસ્કૃત રૂપો અનુક્રમે ‘શાખાંજની’ અને ‘છન્નિક’ આપ્યાં છે; જ્યારે કેટલાક કાંઈક પાઠભેદ કરી અનુક્રમે ‘સોહંજણી’ (સં. શોભાંજની) અને ‘ષણ્ણિક’ નામો યોજે છે; તો કેટલાક ‘સાહંજણી’ એટલે, સં. ‘સાભાંજની’ માને છે. પણ આ બધા શબ્દોનો કોઈ અર્થ ઘટી શકતો નથી. કદાચ ‘છન્નિય’ નામ સંસ્કૃત क्षम् ક્રિયાપદ ઉપરથી થયું હોય.

(5) બહસ્સઈ (સં. બૃહસ્પતિ) : કૌશાંબીમાં પુરોહિત સોમદત્ત અને તેની પત્ની વસુદત્તાનો પુત્ર બૃહસ્પતિ. પૂર્વજન્મમાં તે માહણ મહેસ્સરદત્ત (સં. બ્રાહ્મણ મહેશ્વરદત્ત) નામે એક પુરોહિત હતો. તે તેના રાજાને શાંતિહોમ માટે બાળકોની હિંસા કરતો. સ્થાનાંગમાં આ અધ્યયનનું નામ માહણ છે.

(6) નંદિ : મથુરાના રાજા સિરિદામા (સં. શ્રીદામા) અને તેની રાણી બંધુશ્રીનો પુત્ર નંદિષેણ (નંદિસેન). પૂર્વજન્મમાં તે દુર્યોધન નામે એક ચારકપાલ – પોલીસ-અધિકારી  હતો, અને તેણે અનેક જણાંને ત્રાસ આપેલો. આ કથાની શરૂઆતમાં એક વાર ‘નંદિસેન’ નામના બદલે ‘નંદિવર્ધન’ નામ આપ્યું છે. તે હસ્તપ્રતના લહિયાની ભૂલ લાગે છે.

(7) ઉંબર : પાટલીપુત્રના વેપારી સાગરદત્ત અને તેની પત્ની ગંગદત્તાનો પુત્ર ઉંબરદત્ત. તે પૂર્વજન્મમાં ધન્વંતરિ નામે એક ઘાતકી વૈદ્ય હતો અને દર્દીઓને માછલી, માંસ વગેરે દવા તરીકે આપતો. સ્થાનાંગમાં આ અધ્યયનનું નામ ‘ઉદંબર’ છે; અને અભયદેવે પણ સ્થાનાંગ (10) ટીકામાં આ જ નામ જણાવ્યું છે. સ્થાનાંગ મુજબ આ અધ્યયન આઠમું હોવું જોઈએ.

(8) સોરિય (સં. શૌર્ય, શૌરિક ?) : શૌર્યપુરમાં મચ્છંધ (સં. મત્સ્યાંધ ? મત્સ્યબંધ) સમુદ્રદત્ત અને પત્ની સમુદ્રદત્તાનો પુત્ર શૌર્યદત્ત. પૂર્વજન્મમાં તે ‘સિરિય’ (સં. શ્રીક !) નામે એક રસોઇયો હતો અને અનેક પશુ-પંખીઓ મારીને માંસ ખાતો અને દારૂ પીતો તથા તે બધું બધાંને પીરસતો. સ્થાનાંગ મુજબ ‘સોરિય’ નામે આ અધ્યયન સાતમું હોવું જોઈએ.

(9) દેવદત્તા : રોહિતક શહેરમાં ગૃહસ્થી દત્ત અને પત્ની કૃષ્ણશ્રીની પુત્રી દેવદત્તા. તે પૂર્વજન્મમાં કુમાર સિંહસેન નામે એક રાજપુત્ર તરીકે જન્મી હતી, અને તેણે 500 રાજકુંવરીઓ સાથે લગ્ન કરેલાં. પણ તે એક જ રાજકુંવરીને ચાહતો હોવાથી બાકીની બધી રાજકુંવરીઓએ તેમની માતાઓ સહિત તેનો વિરોધ કર્યો, આથી સિંહસેને તે બધાંને (499 રાજકુંવરીઓ + 499 તેમની માતાઓ = 998; એટલે કે લગભગ એક હજાર – સહસ્ર -) દગો કરીને એકીસાથે જીવતાં સળગાવી મૂકી હતી. એટલે જ સ્થાનાંગમાં આ અધ્યયનનું સહસ્સુદ્દાહ (સં. સહસ્ર + ઉદ્દાહ) આમલય (સં. આમરક, અનેક જીવોનું એકસાથે મરણ નિપજાવનાર) નામ આપ્યું છે.

(10) અંજૂ (સં. અંજૂ ? ઋજુ) : વર્ધમાનપુરમાં વેપારી ધનદેવ અને તેની પત્ની પ્રિયંગુની પુત્રી અંજૂશ્રી (ઋજુશ્રી). તે પૂર્વજન્મમાં પૃથિવીશ્રી નામે એક ગણિકા હતી અને અનેક સાધનો તથા પ્રયોગોથી ઉચ્ચ કુટુંબના યુવાન પુરુષોને આકર્ષી કામભોગ ભોગવતી હતી. સ્થાનાંગમાં આ અધ્યયનનું નામ કુમાર લિચ્છઈ (સં. લિપ્સતિ ? કુમારને પ્રાપ્ત કરવા ઇચ્છતી) છે. આ નામ આ અધ્યયનમાંથી સ્પષ્ટ થઈ શકતું નથી.

બંસીધર ભટ્ટ