વિવારિની પરિવાર (Vivarini Family) [વિવારિની, ઍન્તોનિયો (જ. આશરે 1415, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1480); વિવારિની, બાર્તોલૉમ્યુ (જ. આશરે 1432, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1499); વિવારિની, આલ્વિસે (જ. આશરે 1446, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1505)] : પંદરમી સદીનો પ્રસિદ્ધ ઇટાલિયન ગૉથિક ચિત્રકાર પરિવાર. ઍન્તોનિયો આ પરિવારમાં કલાપરંપરાનો સ્થાપક હતો. ચિત્રકાર જિયોવાની દાલેમાન્યા સાથે ભાગીદારીમાં એણે ચિત્રકામ શરૂ કરેલું. 1450માં જિયોવાનીનું મૃત્યુ થતાં એણે પોતાના ભાઈ બાર્તોલૉમ્યુ સાથે ભાગીદારીમાં ચિત્રકામ શરૂ કર્યું. શરૂઆતમાં તેણે સેંટ ઝાકારિયા અને સેંટ પાન્તાલૂનનાં ચર્ચોમાં ભીંતચિત્રો ચીતર્યાં. 1447થી 1450 સુધી બંને ભાઈઓ પાદુઆમાં રહ્યા અને ચિત્રકારો આન્દ્રેયા માન્તેન્યા અને નિકોલો પિત્ઝોલો સાથે ઓવેફારી ચૅપલ અને એરેમિતાની ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. આજે એ બંને ચર્ચ હયાત નથી, બીજા વિશ્વયુદ્ધમાં તે બંને નાશ પામ્યાં છે.

વિવારિનીએ ચીતરેલું ચિત્ર સેંટ ક્લેરી

જિયોવાની અને ઍન્તોનિયોની ચિત્રશૈલીમાં ભેદ કરવો આજે અશક્ય બની રહેલ છે. પણ લેખિત દસ્તાવેજો ઉપરથી અનુમાન કરી શકાય છે કે બંનેમાંથી ઍન્તોનિયો વધુ પ્રભાવક હતો. બંને સહકારથી દરેક ચિત્ર ચીતરતા હોવા જોઈએ. તેમનાં ચિત્રોમાં ત્રિપારિમાણિક રીતે ઊપસી આવેલી જણાતી આકૃતિઓ માસોલિનો અને જેન્તિલે દ ફેબ્રિયાનોથી પ્રભાવિત છે જ. પોપ નિકોલસ પાંચમાની વરદીથી 1450માં ચીતરેલા તેમના એક ચિત્રમાં જિયોવાની અને ઍન્તોનિયો – બંનેની સહી જોવા મળે છે. હાલમાં આ ચિત્ર બોલોન્યા ગૅલરીમાં છે.

બાર્તોલૉમ્યુ ઉપર ઇટાલિયન ગૉથિક ચિત્રકલાની પાદુઆન શાખાનો પ્રભાવ વધુ જોવા મળે છે અને ઍન્તોનિયો તથા જિયોવાની કરતાં તેનાં ચિત્રોની આકૃતિઓ વધુ ઊપસી આવેલી-ત્રિપારિમાણિક દેખાય છે. 1459માં તેણે ચીતરેલું ચિત્ર ‘સેંટ જૉન ઑવ્ કેપિસ્ત્રાનો’ને તેનું શ્રેષ્ઠ ચિત્ર માનવામાં આવે છે. (આ ચિત્ર હાલમાં લુવ્ર મ્યુઝિયમમાં છે.) 1464માં તેની મુલાકાત ચિત્રકાર આન્દ્રેયા માન્તેન્યા સાથે થતાં તેની ચિત્રશૈલીમાં ભારે બદલાવ આવ્યો. તેનાં ચિત્રોમાંની આકૃતિઓ વધુ ત્રિપારિમાણિક બની. હવે તેણે સેંટ જિયોવાની એ પાઓલો (1473), સેંટ મારિયા દેઈ ફ્રારી (1474) તથા સેંટ જિયોવાની બ્રાગોરા (1478) ચર્ચોનાં વેદીસ્થાન માટેનાં ચિત્રો ચીતર્યાં. વેનિસની અકાદેમિયા માટે પણ તેણે 1477માં એક ચિત્ર ચીતર્યું. એણે એનું છેલ્લું ચિત્ર લૉમ્બાર્દીમાં બેર્ગામો શહેરમાં 1491માં ચીતર્યું.

એલ્વિસે ઍન્તોનિયોનો પુત્ર હતો એની આરંભિક કૃતિઓમાંથી મોન્તે ફિયોરેન્તિનો ચર્ચની વેદી માટે એણે આશરે 1475માં ચીતરેલું એક ચિત્ર બચ્યું છે.

1485માં તે દક્ષિણ ઇટાલીમાં ચાલ્યો ગયો. ત્યાં બાર્લેત્તા અને નેપલ્સના ચર્ચો માટે વેદીચિત્રો તેણે ચીતર્યાં. 1488માં ચિત્રકાર જિયોવાની બેલિની સાથે તેણે વેનિસના ડોજિસ મહેલ માટે ભીંતચિત્રો ચીતર્યાં. તેની અંતિમ કૃતિઓમાં એક વેનિસનિવાસીનું વ્યક્તિચિત્ર નોંધપાત્ર એટલા માટે છે કે તેમાં મૉડેલના મનોગતને કૅન્વાસ પર ઉતારવામાં તે સફળ થયો છે. 1497માં ચીતરેલું તેનું આ ચિત્ર હાલમાં લંડનની ટેઇટ ગૅલરીમાં છે.

અમિતાભ મડિયા