વિવસ્વત્
February, 2005
વિવસ્વત્ : પ્રાચીન ભારતીય વેદકાલીન દેવ. ઋગ્વેદમાં વિવસ્વત્, આદિત્ય, પૂષા, સૂર્ય, મિત્ર, ભગ વગેરે ભિન્ન ભિન્ન સૌર દેવતાઓ છે. સમયના વહેણ સાથે આ ભિન્ન ભિન્ન દેવોનું સ્વતંત્ર અને વિશિષ્ટ અસ્તિત્વ લુપ્ત થતું ગયું અને આ બધાં નામ ‘સૂર્ય’-વાચક બની ગયા. ઋગ્વેદમાં સૂક્તસંખ્યાની દૃષ્ટિએ વિવસ્વત્ એક અપર દેવતા છે, પરંતુ તે અગત્યના દેવતા છે. તેમનું એક પણ સ્વતંત્ર સૂક્ત પ્રાપ્ત થતું નથી, પરંતુ સ્વતંત્ર દેવતા તરીકે તેમનો ઉલ્લેખ 30 વાર થયેલો છે.
‘વિવસ્વત્’ શબ્દ ઋગ્વેદમાં આદ્યુદાત્ત અને અન્તોદાત્ત विवस्वत् એમ બે શબ્દો રૂપે સ્વરભેદથી જોવા મળે છે. એમનો સ્વરભેદ અર્થભેદમાં પરિણમે છે : આદ્યુદાત્ત विवस्वत् શબ્દ ‘वि + √ वस्, પ્રકાશમાન થવું, દેદીપ્યમાન થવું/હોવું’ ઉપરથી નિષ્પન્ન થાય છે; જ્યારે અન્તોદાત્ત विवस्वत् શબ્દ √ विवास्, આરાધના કરવી, ભક્તિ કરવી : પરોક્ષ ભૂતકૃદન્ત विवास्वत् > विवस्वत् (દ્રષ્ટવ્ય ઋગ્વેદ 1.53.1; 3.34.7; 9.10.5; 9.66.8), ‘આરાધક, આરાધના કરનાર, ભક્તિ કરનાર, ભક્ત’ના અર્થમાં જોવા મળે છે. આમ ‘વિવસ્વત્’, ‘તેજસ્વી સૂર્ય’ હોય એ સ્વાભાવિક છે. શતપથ બ્રાહ્મણ જણાવે છે કે તે દિવસ અને રાત્રિને પ્રકાશિત કરે છે; તેથી તે ‘વિવસ્વત્’ કહેવાય છે. બર્ગેનના મત પ્રમાણે તે મુખ્યત: અગ્નિદેવતા છે અને તેનું સ્વરૂપ સૂર્ય છે.
વિવસ્વત્ અદિતિપુત્ર છે. ત્વષ્ટૃકન્યા સરણ્યુ તેની પત્ની છે અને તે યમ-યમીની માતા છે; વળી અશ્ર્વિના વિવસ્વત્ના બીજા સંતાન છે. (ઋગ્વેદ 10.14.1) અશ્ર્વિના અને યમ પૈતૃક નામ ‘વૈવસ્વત્’થી પણ જાણીતાં છે. અશ્ર્વિનાના રથ જોડવાના સમયે વિવસ્વતના ઉજ્જ્વળ દિવસોનો પ્રારંભ થાય છે. અરે ! બધા દેવો તેમનાં સંતાનો (जनिमा:) કહેવાયાં છે. (ઋગ્વેદ 10.63.1). આદિપૂર્વજ મનુ પણ પૈતૃક નામ ‘વૈવસ્વત્’ ધરાવે છે. શતપથ બ્રાહ્મણ અને તૈત્તિરીય સંહિતાના મતે બધા મનુષ્યો વિવસ્વત્ની પ્રજા છે. ઇન્દ્ર, અગ્નિ, મિત્ર, સોમ, વિવસ્વત્ના મિત્રો છે. અગ્નિ તેમનો દૂત છે. (ઋગ્વેદ 1.58.1). ઇન્દ્ર અને અન્ય દેવગણ તેમના નિવાસસ્થાનમાં આનંદ અને ગાન કરે છે. તેમનું નિવાસસ્થાન યજ્ઞસ્થળ છે. વળી વિવસ્વતને પૃથ્વીના અગ્નિના આદ્યજનક માનવામાં આવે છે. વળી મનુ અને યમને માનવજાતિના પ્રથમ યજ્ઞકર્તા માનવામાં આવે છે. ઇન્દ્ર તેમનો સૌથી મોટો મિત્ર છે; તેની સ્તુતિથી તે પ્રસન્ન થાય છે અને તે તેમની પાસે ધનકોશ મૂકે છે. વળી તે વિવસ્વત્ દશ આંગળીઓથી દ્યુલોકમાંથી પાણી નીચે વરસાવે છે. સોમ તેમનો બીજો મિત્ર છે (ઋગ્વેદ 9.26.4) અને તેમની દશ કન્યાઓ (= દશ અંગુલિઓ) સોમને સ્વચ્છ કરે છે અને તેને વહેવડાવે છે. (ઋગ્વેદ 9.99.2). ‘આપસ્’ રૂપી સાત બહેનો તેને વિવસ્વતના માર્ગે અગ્રેસર કરે છે. (ઋગ્વેદ 9.66.8). સોમની ધારાઓ ઉષ:કાળને સુશોભિત કરે છે. ગળણામાંથી ગળાયેલા સોમને તેની પુત્રીઓ (= धियः’’) એક પાત્રમાંથી બીજા પાત્રમાં જવા પ્રેરે છે. વાલખિલ્યસૂક્તમાં ઇન્દ્રને વિવસ્વત્ તથા મિત્રની સાથે સોમપાન કરતાં જણાવ્યાં છે.
વિવસ્વત્ પોતાના ઉપાસકોને યમથી અને આદિત્યોથી રક્ષે છે. ઉપાસ્ય દેવતા તરીકે તેમનો ઉલ્લેખ વરુણ અને અન્ય દેવતાઓ સાથે મળે છે. પુરાણો અને મહાભારતમાં વિવસ્વત્ અંગે પારિવારિક માહિતીમાં ફેરફાર જોવા મળે છે. મહાભારતમાં તે કદૃશ્યપ અને અદિતિના પુત્ર તરીકે વર્ણવાયા છે, જ્યારે પુરાણોમાં તે દાક્ષાયણી પુત્ર કહેવાયા છે. વૈદિક વિચારધારા અનુસાર પુરાણોમાં તે યમ-યમીના પિતા છે, પણ યમ-યમીની માતાનું નામ અત્રે સંજ્ઞા છે. અશ્વસ્વરૂપમાં સૂર્યના અને અશ્ર્વી સ્વરૂપમાં સંજ્ઞાથી ઉત્પન્ન થયેલાં તેમનાં બાળકો છે – નાસત્ય અને દસ્ર.
વૈદિકોત્તર કાલમાં તેમનું મહત્વ ક્ષીણ થતું ગયું અને અંતે તે સૂર્ય-આદિત્ય-દેવતાઓમાં વિલીન થઈ ગયા. એ નોંધપાત્ર છે કે ઋગ્વેદમાં વિવસ્વત્ સૂર્યનું આધિદૈવિક સ્વરૂપ છે. પુરાણોમાં જ્યેષ્ઠ માસમાં પ્રકાશતા સૂર્યને ‘વિવસ્વત્’ કહેવામાં આવ્યા છે.
અન્ય સાહિત્ય સાથે વિચારતાં અત્રે વિવસ્વતની પ્રાચીનતા અવેસ્તા સુધી જાય છે. અવેસ્તામાં તેમનો ઉલ્લેખ ‘વિવઙ્દવન્ત’ તરીકે પ્રાપ્ત થાય છે. અત્રે તે ‘યિમ’(= વૈદિક યમ)ના પિતા છે અને સોમ (= હઓમ) બનાવનાર તરીકે પ્રથમ વ્યક્તિ તરીકે જાણીતા છે. તે યજ્ઞકર્તા છે અને સોમની આહુતિ આપનાર પણ તે છે. વાત તેમની સાથે થ્રિત આથવ્ય (qrita Aqwya) સંકળાયેલ છે; ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ ‘ત્રિત આપ્ત્ય’ના રૂપે પ્રાપ્ત થાય છે.
સુરેશચંદ્ર ગો. કાંટાવાળા