વિવર્ધન (enlargement) : નાની તસવીર પરથી મોટી તસવીર કરવાની ફોટોગ્રાફીની એક પ્રક્રિયા.

કૅમેરાથી તસવીર ઝડપ્યા બાદ તે તસવીર કેવી આવી છે અથવા તે કેવી દેખાય છે તે જોવાની આતુરતા સ્વાભાવિક રીતે જ દરેક તસવીરકારને હોય છે એટલે ફિલ્મ કે ફિલ્મ-રોલને ડેવલપ કર્યા પછી તૈયાર થયેલ નેગેટિવ પરથી વાસ્તવિક ચિત્ર તૈયાર કરવાથી તસવીર જોઈ શકાય છે. આ માટે એક અંધારિયો ઓરડો, વિવર્ધક યંત્ર (એન્લાર્જર), તથા તસવીર ઉપસાવવા માટેનાં દ્રાવણ ભરવા માટેની ત્રણ ડિશ આવદૃશ્યક છે.

વિવર્ધક યંત્રમાં સૌથી ઉપરના ભાગમાં નેગેટિવ ગોઠવવામાં આવે છે, તેની નીચે પ્રકાશને ભેગો કરીને તેનું કિરણ બનાવવાનો ગોળ કાચ (કન્ડેન્સર) હોય છે, તેની નીચે પ્રકાશ પસાર કરવા માટેનો વિવિધ એપર્ચરવાળો લેન્સ ગોઠવેલ હોય છે. તે પછી જેવડા માપની તસવીર બનાવવી હોય તેવડા કાગળને એક ફ્રેમમાં ગોઠવવામાં આવે છે, ત્યાર પછી નેગેટિવની પારદર્શકતા મુજબ ગણતરીની ક્ષણો પૂરતો પ્રકાશ આપવામાં આવે છે. ત્યારબાદ ડેવલપર ભરેલી ડિશમાં ડુબાડવામાં આવે છે અને ધીરે ધીરે પ્રકાશ લાગેલો ભાગ એક તસવીરના રૂપમાં ઊપસવા લાગે છે. પછી તેને પાણીની ડિશમાં ઝબોળીને હાઇપો કે ફિક્સરમાં મૂકીને કાયમી કરી દેવામાં આવે છે પછી જ ઓરડામાં દીવો પ્રગટાવીને તસવીર જોઈ શકાય છે.

તસવીરનું વિવર્ધન (એન્લાર્જ) કરવા માટે રંગીન તેમજ શ્યામ/શ્વેત છબીકલા માટે 0.9 મીટર(ત્રણેક ફૂટ)ની પહોળાઈ તથા 7.6 મીટર(પચીસેક ફૂટ)થી વધારે લંબાઈ ધરાવતા છબીકલાના ખાસ કાગળ ઉપલબ્ધ હોય છે અને તેને પ્રકાશ ન લાગે એવી રીતે કાળા કાગળમાં વીંટેલા હોય છે. આ કાગળો પર ખાસ પ્રકારના શીઘ્ર ભાવગ્રાહી અવલેહ લગાડેલ હોવાથી પ્રકાશની અસર તુરત થાય છે, પરંતુ શ્યામ-શ્વેત છબીકલાના કાગળ પર લાલ પ્રકાશની અસર થતી નથી; જોકે ફિલ્મ-રોલ ડેવલપ કરતી વખતે કોઈ પણ પ્રકારનો પ્રકાશ ફિલ્મના વ્યક્તીકૃત પટ પર ધુમ્મસ જેવું આવરણ કરી દે છે તેથી થોડી જ ક્ષણ માટે આછા લીલા રંગના પ્રકાશમાં ફિલ્મ બરાબર ડેવલપ થઈ છે કે કેમ તે જોઈ શકાય છે. વિવર્ધન માટે સૉફ્ટ, સ્પેશિયલ, નૉર્મલ અને હાર્ડ  એમ ચાર ગ્રેડના કાગળો ઉપલબ્ધ હોય છે; જ્યારે રંગીન તસવીરોના વિવર્ધન માટે ત્રણ પ્રકારના ફિલ્ટર જડેલા, પોતાની મેળે જ ફોકસ ગોઠવી આપે એવા અતિ આધુનિક અનેક પ્રકારના તેમજ આપમેળે ડૉજિંગ થાય એવા વિવર્ધક યંત્રો (એન્લાર્જર) બજારમાં ઉપલબ્ધ છે.

રમેશ ઠાકર