વિલ્બરફોર્સ, વિલિયમ
February, 2005
વિલ્બરફોર્સ, વિલિયમ (જ. 24 ઑગસ્ટ 1759, હલ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1833, લંડન) : બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામોનો વેપાર તથા ગુલામી પ્રથા નાબૂદ કરવાની લડતનો આગેવાન. તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન ભવિષ્યનો વડો પ્રધાન વિલિયમ પિટ, ધ યંગર તેનો ગાઢ મિત્ર હતો. 1780માં વિલ્બરફોર્સ અને પિટ બંને આમની સભાના સભ્યો બન્યા. તે પાર્લમેન્ટના સુધારાને સમર્થન આપતો હતો. ઈ. સ. 1787માં ઍન્ટિ-સ્લેવરી સોસાયટીની સ્થાપનામાં તેણે ટેકો આપ્યો હતો. તેમાં

વિલિયમ વિલ્બરફોર્સ
થૉમસ ક્લાર્કસન, ગ્રેનવિલ શાર્પ, હેન્રી થૉર્નટન, ચાર્લ્સ ગ્રાન્ટ, એડ્વર્ડ જેમ્સ એલિયટ વગેરે તેના સાથીદારો હતા. વિલ્બરફોર્સ આમની સભામાં ગુલામી વિરુદ્ધ એવાં અસરકારક અને રસપ્રદ ભાષણો કરતો કે સભ્યો મુગ્ધ થઈ જતા. 1789માં તેણે બ્રિટિશ સામ્રાજ્યમાં ગુલામોના વેપાર વિરુદ્ધ ચળવળની આગેવાની લીધી. આ વેપાર બંધ કરવાનો ખરડો 1792માં આમની સભામાં પસાર થયો, પરંતુ ઉમરાવસભામાં પસાર ન થયો. તે આખરે 1807માં કાયદો બન્યો. આ કાયદો થયા પછી પણ, અગાઉ જે ગુલામો તરીકે વેચાયા હતા. તેમની કાનૂની સ્થિતિમાં ફેર પડતો ન હતો. તેથી કેટલાંક વરસો પછી તેણે અને સર થૉમસ ફોવેલ બક્સ્ટને ગુલામી પ્રથા તાત્કાલિક નાબૂદ કરવાની માગણી કરી. 1823 પછી બ્રિટિશ સંસ્થાનોમાંથી ગુલામોને મુક્ત કરવાની તેણે માગણી કરી. 1825માં તે આમની સભામાંથી નિવૃત્ત થયો. તેના અવસાનના એક મહિના પછી ગુલામી નાબૂદીનો કાયદો પસાર થયો.
જયકુમાર ર. શુક્લ