વિલિયમ્સ, ટેનિસી (ટૉમસ લૅનિયર વિલિયમ્સ)

February, 2005

વિલિયમ્સ, ટેનિસી (ટૉમસ લૅનિયર વિલિયમ્સ) (. 26 માર્ચ 1911, કોલંબસ, મિસિસિપી; . 25 ફેબ્રુઆરી 1983, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : અમેરિકન નાટ્યકાર. બાળપણ મિસિસિપી અને સેંટ લૂઈ ખાતે વીત્યું. શિક્ષણ યુનિવર્સિટી ઑવ્ મિઝરી અને વૉશિંગ્ટન યુનિવર્સિટી(સેંટ લૂઈ)માં લીધું. યુનિવર્સિટી ઑવ્ આયૉવામાંથી 1938માં બી.એ.ની ઉપાધિ મેળવી.

ટેનિસી વિલિયમ્સ

‘અમેરિકન બ્લૂઝ’ (1939, પ્રસિદ્ધ થયું 1948) અને ‘બૅટલ ઑવ્ એંજલ્સ’ (1940; 1945) એકાંકી નાટકોના સંગ્રહો છે. આમાંના બીજાને ગ્રૂપ થિયેટર દ્વારા ઍવૉર્ડ અપાયેલો. ‘ધ ગ્લાસ મિનેજરી’ (1945) પ્રથમ વાર ભજવાયું  1944માં. લ્યૉરા વિંગફિલ્ડને બાળપણથી પગમાં ખોડ છે અને તે પોતાની માતા આમેન્ડા અને ભાઈ ટૉમ સાથે રહે છે. તેમનો બધાંનો પિતાએ ત્યાગ કર્યો છે. માતા તો પોતાના અતીતમાં ખોવાયેલી રહે છે. પિતાની જેમ ટૉમ પણ ઘરના વાતાવરણમાંથી છુટકારો મેળવવા ઇચ્છે છે. માતાની ઇચ્છા મુજબ ટૉમ તેના મિત્ર જિમને જમવા માટે નોતરે છે. લ્યૉરાને તો એ ભલી અને એનાં કાચનાં રમકડાં. ટૉમનો મિત્ર જિમ લ્યૉરાની શાળાનો ગોઠિયો નીકળે છે. આજ લગી પોતાનાં સ્વપ્નોનો તે સોબતી છે. જિમ લ્યૉરા તરફ ઉષ્માસભર લાગણી દાખવે છે. જોકે ટેબલ પર હાથ પછાડતાં લ્યૉરાનું માનીતું રમકડું – એકશૃંગી હરણ તૂટી જાય છે. હાઈસ્કૂલમાં લ્યૉરાને બધાં ‘બ્લૂ રોઝિઝ’ કહેતાં. જિમ તેને વહાલ કરે છે, પરંતુ તેનો વિવાહ થઈ ચૂક્યો છે. લ્યૉરા સાથે પુન: મિલન શક્ય નથી. માતા આવા વિવાહિત માણસને જિમને ઘેર લાવવા બદલ પોતાના પુત્રને ઠપકો આપે છે. આ કથા એકંદરે આત્મકથનાત્મક છે. ‘ટ્વેન્ટીસેવન વૅગન્સ ફુલ ઑવ્ વિંડહેમ’ (1946) એકાંકીઓનો સંગ્રહ છે. ‘યુ ટચ્ડ મી !’ (1947) એકાંકી છે. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ (1947) તેમનું સુવિખ્યાત નાટક છે. એક વિભ્રાન્ત સ્ત્રીના સ્વપ્નજગતની અને તેના દિયરના વાસ્તવિક પણ પ્રાણીતુલ્ય સ્વભાવની તે વાત કરે છે. ‘સમર ઍન્ડ સ્મોક’(1948)નું પુનર્લેખન તે ‘ધી એક્સેન્દ્રિસિટિઝ ઑવ્ અ નાઇટિંગેલ’ (1964). તે સ્ત્રીપુરુષના યૌનસંબંધનું નાટક છે. ‘ધ રોઝ ટૅટૂ’ (1950) મધ્યપૂર્વના દરિયાકિનારાના ગામમાં રહેતી એક સિસિલિયન સ્ત્રીના પ્રેમની શોધનું નાટક છે. ‘આઇ રાઇઝ ઇન ફ્લેમ, ક્રાઇડ ધ ફીનિક્સ’ (1951) પર ડી. એચ. લૉરેન્સની અસર સ્પષ્ટ વરતાય છે. આ પછી ‘કેમિનો રિયલ’ (1953) અને ‘કૅટ ઑન અ હૉટ ટિન રૂફ’ (1955) નાટકને પુલિત્ઝર પ્રાઇઝ એનાયત થયેલું. આમાં એક કુટુંબના તણાવ અને બગીચાવાડી (plantation) પરના વર્ચસ્ માટેના સંઘર્ષની વાત છે.

ટેનિસી જીવનની ગમગીન બાજુને ધ્યાનમાં લઈ નાટકો લખે છે. જોકે બધાં પાત્રો પોતપોતાના સંપૂર્ણ લાગણીસભર વ્યક્તિત્વને જિંદગીમાં તરબોળ કરી દે છે. જીવનના સંઘર્ષથી તેઓ કંટાળી જતાં નથી કે જીવનને સમૂળગું નકારતાં નથી. ‘સડનલી લાસ્ટ સમર’ (1958), ‘સમથિંગ અનસ્પૉકન’ (1958) અસત્ તત્વને દર્શાવે છે. ‘સ્વીટ બર્ડ ઑવ્ યૂથ’ (1959) પ્રૌઢાવસ્થામાં પ્રવેશતી ચલચિત્રની અભિનેત્રીની વાત કરે છે. ‘ટ્રિપલ પ્લે’ (1959), ‘પિરિયડ ઑવ્ એડ્જસ્ટમેન્ટ’ (1960), ‘ધ નાઇટ ઑવ્ ધી ઈગ્વાના’ (1962) અન્ય નોંધપાત્ર નાટકો છે.

‘સ્લેપસ્ટિક ટ્રૅજેડી’ (1965), ‘કિંગ્ડમ ઑવ્ અર્થ’ (1968) અન્ય નાટકો છે. ‘ઇન ધ બાર ઑવ્ અ ટોકિયો હોટેલ’ (1969) એક અતિશય ખિન્ન એવા ચિત્રકારનું પાત્રાલેખન પ્રસ્તુત કરે છે. ‘સ્મૉલ ક્રાફ્ટ વૉર્નિગ્ઝ’ (1972) દારૂના પીઠામાં એકઠાં થતાં સમાજનાં હડધૂત થયેલાં પાત્રોનું ચિત્રણ કરે છે. ‘આઉટક્રાય’(1973)માં નાટકમંડળીમાંથી કાઢી મૂકવામાં આવેલાં એક ભાઈ અને તેની બહેનનાં યથાર્થ જીવન અને કળા પરત્વેનો દૃષ્ટિકોણ નાટ્યાત્મક રીતે પેશ કરે છે.

‘ધ રોમન સ્પ્રિંગ ઑવ્ મિસિસ સ્ટોન’ (1950) લઘુનવલ છે. ‘વન આર્મ’ (1948), ‘હાર્ડ કૅન્ડી’ (1954), ‘એઇટ મૉર્ટલ લેડિઝ પઝેસ્ડ’ (1974) ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. ‘ધ નાઇટ ક્વેસ્ટ’ (1966) ટૂંકી વૈજ્ઞાનિક પરીકથા અને ચાર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘મૉઇઝ ઍન્ડ ધ વર્લ્ડ ઑવ્ રીઝન’ (1975) એક સમલિંગકામી લેખકનાં શૈશવ અને તેના પ્રેમીની શોધનું વસ્તુ લઈને કરેલી રજૂઆત છે. ‘ઇન ધ વિન્ટર ઑવ્ સિટિઝ’ (1956) અને ‘એન્ડ્રોજિન, મૉન એમૉર’ (1977) કાવ્યસંગ્રહો છે. ‘મેમૉઇર્સ’(1975)માં તેમનાં નાટકો અને સર્જનપ્રક્રિયાની આત્મકથનાત્મક કેફિયત છે. તેમણે ડૉનાલ્ડ વિંડહૅમને લખેલા પત્રો 1977માં પ્રસિદ્ધ થયા હતા. ‘બેબી ડૉલ’ (1956) બે નાટકોને આધારે લખેલી ફિલ્મ-સ્ક્રિપ્ટ છે. ઉન્નતભ્રૂ, રંગદર્શી પાત્રોની પાર્શ્ર્વભૂમિમાં ફાલતાં જાતીયતા અને હિંસાના વાતાવરણમાં અનુભવાતી માનવીય હતાશા અને વૈફલ્ય તેમનાં નાટકોનું ઉપજીવ્ય છે.

વિ. પ્ર. ત્રિવેદી