વિલા સાવોય, પોઇઝી : ફ્રાન્સના પોઇઝીના સ્થળે આવેલી લા કાર્બુઝે નિર્મિત ઇમારત. લા કાર્બુઝે દ્વારા નિર્મિત અનેક ઇમારતો પૈકીની આ એક સૌથી સારી ઇમારત ગણાય છે. આ પ્રકારની ઇમારતો બાંધવા માટે કલાપ્રિય વ્યક્તિઓ જરૂરી છે. લા કાર્બુઝેને આ પ્રકારની વ્યક્તિઓ મળી અને તે હતી શ્રી અને શ્રીમતી સાવોય. તેઓ કલાનાં આશ્રયદાતા હતાં. આ દંપતીને સપ્તાહના અંતિમ દિવસો ગાળવા માટે નોકર-ચાકરોના ક્વાર્ટર સાથેના મકાનની જરૂર હતી. લા કાર્બુઝેના મતે આ ઇમારત બંધાવનારાં દંપતી તેની પ્રાચીન કે આધુનિક સ્થાપત્યકીય શૈલીના પૂર્વખ્યાલથી સભાન હતાં. આ ઇમારતમાં લા કાર્બુઝેની પ્રાચીન અને આધુનિક સ્થાપત્યશૈલીનાં મિશ્રણ અંગેની માન્યતાનું પ્રતિબિંબ જોવા મળે છે. આ ઇમારતનું બાંધકામ 1929-30 દરમિયાન કરવામાં આવ્યું હતું. કૉન્ક્રીટ ફ્રેમિંગ દ્વારા અહીં આયોજન(planning)નું સ્વાતંત્ર્ય જોવા મળે છે. લા કાર્બુઝે
સપાટ છતવાળા (flat roofed) સફેદ સ્થાપત્યનો તરફદાર હતો.
આ સ્થાપત્યકીય બાબત આંતરરાષ્ટ્રીય આધુનિકવાદની સમાનાર્થી બની રહી. તેણે ઘરનાં અંગો(elements)ને તોડીને તેમને કાળજીપૂર્વક સમચોરસ, વળાંક (curve) અને પ્રકોણીય(diagonal)માં પ્રમાણસર પુન: ગોઠવ્યાં. આ પ્રમાણે વિલા બાંધવાની લા કાર્બુઝેની શૈલીની સૌપ્રથમ અસર ઘનવાદી (cubist) ચિત્રકલા પર અને ડચ ડિ સ્ટીજ (De Stijl) ડિઝાઇનરો પર પડી. સ્તંભો પર જ આધારિત ઉપલા મજલાનું બાંધકામ સૌપ્રથમ લા કાર્બુઝેની આ ઇમારતમાં જોવા મળે છે. સેવોયવિલા અને પલાડિયોની વિલા રોટોન્ડા એકબીજાને મળતી આવે છે. બંને વિલામાં ચારેય મુખભાગો (facades) સુશોભન (motifs) સાથેના ઘન (cubes) ધરાવે છે. લા કાર્બુઝેએ સાવોય વિલાની ડિઝાઇન માટે મંદિરસ્થાપત્યના સ્તંભો અને લિન્ટલને અપનાવ્યાં હતાં.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર