વિલાસિની (ઉર્ફે મેનન એમ. કે.) (. 1928, કરુમથ્રા, કેરળ) : મલયાળમ ભાષાના નવલકથાકાર. તેમની નવલકથા ‘અવકાસીકાલ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1947માં ગણિતશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. કેરળમાં શિક્ષક તરીકે તેમજ મુંબઈમાં સરકારી નોકરી કર્યા પછી 1953માં તેઓ સિંગાપોર ગયા અને ત્યાં 1955માં આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ‘એજન્સી ફ્રાંસ પ્રેસ’માં જોડાયા. ત્યાં તેઓ મલેશિયા તથા સિંગાપોર માટેના નિયામકપદે પહોંચ્યા અને 1977માં વહેલી નિવૃત્તિ લઈ ભારત આવ્યા. 3 દાયકાના લેખનકાર્ય દરમિયાન તેમણે 6 નવલકથાઓ અને સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ પ્રગટ કરી છે. તેમની પ્રથમ નવલકથા ‘નિરમલ્લા નિઝલુકલ’ને 1965માં કેરળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે કાવ્યો તથા વિવેચનાત્મક નિબંધો પણ લખ્યા તેમજ વિશ્વના મોટાભાગના દેશોનો પ્રવાસ પણ ખેડ્યો.

મહાકાવ્યસહજ સુશ્ર્લિષ્ટ વર્ણનકલા, જીવનની સંકુલતાનું નિર્ભીક આલેખન, માનવચિત્તની સૂક્ષ્મ સૂઝ તથા પાત્રચિત્રણનું વૈવિધ્ય જેવી વિશેષતાઓને પરિણામે આ પુરસ્કૃત નવલકથા મલયાળમ સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન લેખાઈ છે.

મહેશ ચોકસી