વિલાસવઇકહા (વિલાસવતી કથા) : ‘સાધારણ કવિ’ના ઉપનામથી પ્રસિદ્ધ સિદ્ધસેનસૂરિ નામના શ્વેતામ્બર જૈન આચાર્યે રચેલ સંધિબદ્ધ અપભ્રંશ મહાકાવ્ય. 11 સંધિઓમાં લગભગ 3,600 ગ્રંથાગ્રમાં રચાયેલ આ મહાકાવ્ય ઈ. સ. 1066માં ગુજરાતના પ્રાચીન નગર ધંધૂકામાં રહીને કવિએ પૂર્ણ કરેલ.

કર્તાના પૂર્વજીવન કે ગૃહસ્થજીવન વિશે કોઈ માહિતી મળતી નથી; પરંતુ કર્તાએ ‘વિલાસવઇકહા’ની પ્રશસ્તિમાં પોતાનો પરિચય આપ્યો છે. તેના આધારે તેમના મુનિજીવનની કેટલીક માહિતી મળે છે. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના ચંદ્રકુળના કોટિક નામે ગણની વજ્રશાખાના યશોભદ્રસૂરિગચ્છમાં થઈ ગયેલા, પ્રસિદ્ધ કવિ-આચાર્ય બપ્પભટ્ટિસૂરિ જેમાં થઈ ગયેલા તેવા આ ગચ્છમાં શાંતિસૂરિ નામક આચાર્યના શિષ્ય યશોદેવસૂરિ સિદ્ધસેનસૂરિના ગુરુ હતા. કર્તાનું વિહારક્ષેત્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી વિસ્તરેલું હતું. ગ્વાલિયરના વતની લક્ષ્મીધર નામના શ્રેષ્ઠિની વિનંતિથી કવિએ ‘વિલાસવઇકહા’ની રચના કરેલી.

‘સાધારણ કવિ’ની સ્તુતિ-સ્તોત્રકાર તરીકે સારી ખ્યાતિ હતી. જોકે તેમનાં રચેલાં સ્તોત્રોમાંથી એક ‘સાધારણ જિનસ્તોત્ર’ નામે સ્તોત્ર અને ‘એકવિંશતિસ્થાનપ્રકરણ’ નામે એક લઘુપ્રકરણ ગ્રંથ જ મળી આવે છે. સદ્ભાગ્યે, કવિની યશસ્વી કૃતિ ‘વિલાસવઇકહા’ જળવાઈ રહી.

‘વિલાસવઇકહા’નું કથાવસ્તુ ‘સાધારણ કવિ’એ આચાર્ય હરિભદ્રસૂરિ(આઠમી સદી)ની પ્રસિદ્ધ મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષાબદ્ધ મહાકથા ‘સમરાઇચ્ચકહા’(સમરાદિત્યકથા)માંથી લીધેલ છે. જોકે તેમાં વિવિધ સુધારાવધારા કરીને અને વિશેષ તો પોતાની નૈસર્ગિક કાવ્યશક્તિથી અનેક આગવાં વર્ણનો ઉમેરીને કવિએ એક સ્વતંત્ર પ્રેમકથાત્મક મહાકાવ્યનું રૂપ તેને આપ્યું છે. હરિભદ્રસૂરિએ ‘સમરાઇચ્ચકહા’માં કથાનાયક સમરાદિત્યના નિદાનદોષના પરિણામરૂપ આઠ ભવોની કથા આઠ પ્રકરણોમાં ગદ્યપદ્યમાં ચંપૂ રૂપે આલેખી છે, જ્યારે ‘સાધારણ કવિ’એ અહીં સમરાદિત્યના પાંચમા ભવની કથામાં અવાન્તર કથા રૂપે આવતી સનત્કુમાર અને વિલાસવતીના સહેજ પ્રમાદદોષથી પણ ભોગવવી પડતી મહાન વિરહવ્યથાની કથાને બહેલાવીને વિપ્રલંભ શૃંગારના એક ઉત્તમ કાવ્યમાં પરિવર્તિત કરી છે.

આમ ધર્મોપદેશનો હેતુ હોવા છતાં રસ અને અલંકારની સુરુચિપૂર્ણ યોજના, વર્ણનોની સુંદર છટા અને સરળ પ્રસન્નકર પદાવલિથી ‘વિલાસવઇકહા’ અપભ્રંશ સાહિત્યની નોંધપાત્ર કૃતિ ગણાય છે. આ કથાનું ડૉ. ર. મ. શાહે કરેલું સંપાદન પુસ્તક રૂપે લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ તરફથી 1977માં પ્રસિદ્ધ થયેલું છે.

રમણીકભાઈ શાહ